જો બાબાસાહેબ મારા દાદાને ઔરંગાબાદ ન લાવ્યા હોત તો હું આજે આ જજની ખુરશી પર ન બેઠો હોત - જસ્ટિસ પ્રસન્ના
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો બાદ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે જસ્ટિસ પ્રસન્ના વારાલેની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણૂક કરી દીધી છે. આ સાથે જ સુપ્રીમમાં દલિત સમાજના જજોની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. જસ્ટિસ પ્રસન્નાના દાદાને ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે ખાસ સંબંધ હતો. એટલે તેમણે જાહેરમાં ડૉ. બાબાસાહેબને યાદ કરીને ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. વાંચો કોણ છે જસ્ટિસ પ્રસન્ના અને કેવો રહ્યો છે તેમનો જજ તરીકેનો કાર્યકાળ.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણો બાદ કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળે 24મી જાન્યુઆરી 2024ના રોજ જસ્ટિસ પ્રસન્ના વારાલેની નિયુક્તિને લીલી ઝંડી આપી દીધી. કેન્દ્રીય કાયદામંત્રીએ એક્સ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી હતી. જસ્ટિસ પ્રસન્ના કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ રહ્યાં છે. તેમની નિયુક્તિ સાથે જ ડિસેમ્બર 2023માં જસ્ટિસ સંજય કિશન કૌલની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યા ભરાઈ ગઈ છે. આ સાથે જ પહેલીવાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટમાં એક સાથે ત્રણ દલિત જજો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સીટી રવિકુમાર અને જસ્ટિસ પ્રસન્ના ભાલચંદ્ર વારાલે એમ ત્રણ જસ્ટિસ થયા. જસ્ટિસ ગવઈ વરિષ્ઠતાના ધોરણે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવાની લાઇનમાં છે. અહીં આપણે નવનિયુક્ત જસ્ટિસ પ્રસન્ના વારાલે વિશે વિસ્તારથી જાણીએ.
1962માં જન્મ
જસ્ટિસ વારાલેનો જન્મ વર્ષ 1962માં કર્ણાટકના નિપાણીમાં થયો હતો. આ સ્થળ મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠા યુનિવર્સિટીમાંથી આર્ટ્સ અને કાયદાનો અભ્યાસ કર્યો હતો. એ પછી વર્ષ 1985માં વકીલાતમાં દાખલ થયા. તેમણે પોતાની કરિયરની શરૂઆતમાં તેમણે એડવોકેટ એસ.એન. લોયાની ચેમ્બર જોઈન કરી હતી. અહીંયા તેમણે સિવિલ અને ક્રિમિનલ લૉની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ વર્ષ 1990-92 દરમિયાન ઔરંગાબાદની ડૉ. આંબેડકર લૉ કૉલેજમાં લેક્ચરર પણ રહ્યાં. તેમણે ઔરંગાબાદમાં બોમ્બે હાઈકોર્ટ બેંચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે કામ કર્યું. 18 જુલાઈ 2008ના રોજ તેમણે બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ
જસ્ટિસ પ્રસન્ના બી. વારાલે ઓક્ટોબર 2022થી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અહીંયા તેમને જનહિતના અનેક મામલાઓમાં સ્પષ્ટ બંધારણીય ચૂકાદાઓ માટે ઓળખવામાં આવે છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલો તેમને જમીન સાથે જોડાયેલા અને સામાન્ય માણસના હિતમાં કામ કરતી વ્યક્તિ માને છે. કર્ણાટક હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા પહેલા જસ્ટિસ પ્રસન્નાએ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે 14 વર્ષ સુધી સેવાઓ આપી છે. બોમ્બે હાઈકોર્ટના ન્યાયધીશ તરીકે તેમની અધ્યક્ષતાવાળી પીઠોએ જનહિતમાં જાતે સંજ્ઞાન લઈને મામલાઓ શરૂ કર્યા હતા. જેમાં ડૉ. આંબેડકરના લેખન અને ભાષણોને પ્રકાશિત કરવાની એક રોકાયેલી પરિયોજના પરની જાહેરહિતની અરજી પણ સામેલ હતી. જસ્ટિસ વારાલેની અધ્યક્ષતાવાળી પીઠે જાન્યુઆરી 2022માં સ્વયં સંજ્ઞાન અરજી પણ શરૂ કરી, જેમાં જોખમી હોડીની સવારીને લઈને એક સમાચાર રિપોર્ટનું પણ સંજ્ઞાન લેવામાં આવ્યું, જેને મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખિરખાંડી ગામની છોકરીઓએ પોતાની સ્કૂલ સુધી પહોંચવા માટે દરરોજ કરવું પડતું હતું. બેંચે સરકારને કહ્યું કે તે રાજ્યમાં આ પ્રકારની દુર્દશાનો સામનો કરી રહેલા શાળાના વિદ્યાર્થીઓને મદદ પહોંચાડે.
યાદો પણ શેર કરી
બોમ્બે બાર એસોસિએશનમાં 12 ઓક્ટોબર 2022ના રોજ પોતાના વિદાય સમારંભમાં જસ્ટિસ વારાલેએ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મારો જન્મ એક એવા પરિવારમાં થયો, જેના પર ડૉ. આંબેડકરના આશીર્વાદ છે. તેમણે કહ્યું કે તેમના દાદાને બાબાસાહેબ ઔરંગાબાદ(હવે છત્રપતિ સંભાજીનગર) લઈ ગયા હતા. તેમને એ કોલેજના અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેને ડૉ. આંબેડકરે ત્યાં શરૂ કરી હતી. જસ્ટિસ પ્રસન્નાએ એ દરમિયાન કહ્યું હતું કે, જો આંબેડકર ના હોત અંતરિયાળ વિસ્તારમાં રહેતા તેમના દાદા કદી ઔરંગાબાદ ન પહોંચી શકત. જો એવું ન થાત તો પછી એવું એ પણ શક્ય ન બનત કે તેમની આગામી પેઢીનો કોઈ માણસ કદી કાયદાના વ્યવસાયમાં આવત અને હાઈકોર્ટના જજની ખુરશી પર બેસત. જસ્ટિસ વારાલેએ એ પણ જણાવ્યું કે, ડૉ. આંબેડકરે તેમના પિતા ભાલચંદ્ર વારાલેને કાયદાના વ્યવસાયમાં આવવાની સલાહ આપી હતી. ભાલચંદ્ર વારાલે અનેક કોર્ટમાં ન્યાયિક અધિકારી બન્યાં અને બાદમાં બોમ્બે હાઈકોર્ટમાં રજિસ્ટ્રાર પણ બન્યા હતા.
આ પણ વાંચો : દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો