ચોટીલાના રાજાવડ ગામે દલિત યુવકની સળગેલી હાલતમાં લાશ મળી
ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ છે. યુવકની હત્યાની આશંકાએ દલિતે હાઈવે ચક્કાજામ કર્યો હતો.
ચોટીલા તાલુકાના રાજાવડ ગામના યુવાનની સીમમાંથી સળગેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા મૃતક યુવાનની હત્યાની આશંકા સાથે પરિવારજનો અને સમાજના લોકોએ ન્યાય આપવાની માંગ સાથે ચોટીલા હાઇવે ચક્કાજામ કરતા તંગદીલીનો માહોલ છવાઇ ગયો હતો.
.સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રાજાવડ ગામની સીમમાંથી રાજાવડ ગામના જ દીલીપભાઇ મુળાભાઇ વાઘેલાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે જાણ થતાં લીંબડી ડીવાયએસપી તેમજ ચોટીલા પોલીસ ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો લઇ મોતનું સાચું કારણ જાણવા માટે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવી હતી.
આ બનાવમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવાનને દેવસર ગામની સગીરા સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધમાં જ યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અને મૃતક યુવાન દીલીપભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને મૃતકને ન્યાય અપાવવાની માંગ સાથે મૃતકના પરિવારજનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલા પોલીસ મથકે એકઠા થઇ ગયા હતા અને ત્યાર બાદ ન્યાયની માંગ સાથે ચોટીલા હાઇવે ચક્કાજામ કરતા અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો.
લોકોના ટોળા દ્વારા હાઇવે ચક્કાજામ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિવારજનોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચક્કાજામને લઇને હાઇવે પર વાહનોની લાંબી લાઇનો જાેવા મળતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
જો કે, અંતે પોલીસ દ્વારા સમજાવટના અંતે ચક્કાજામ ખોલી ટ્રાફિકને પૂર્વવત કરવામાં આવ્યો હતો. આ બનાવ મામલ હાલ ચોટીલા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ શકમંદોને હસ્તગત કરી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે પરંતુ ચોટીલામાં તંગદીલીના માહોલને લઇને ચોટીલા હાઇવે તેમજ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી