મુસ્લિમ પરિવારને ગામે મદદ કરીને હજ માટે મોકલતા ભાવુક દ્રશ્યો સર્જાયા
એક ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા દેશભરમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પડાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે ઉત્તર ગુજરાતનું આ ગામ કોમી એકતાની વાત કરે છે.

જાતિવાદ અને કોમી વૈમનસ્યના વર્તમાન વાતાવરણ વચ્ચે બે ધર્મ વચ્ચે નફરતની દિવાલ દિન પ્રતિદિન મજબૂત થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના એક ગામમાંથી કોમી એકતાનું એક સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ગામમાં મુસ્લિમ સમાજનું એક જ ઘર છે અને આખા ગામ સાથે તેમને એવો તો ઘરોબો છે કે, મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા મક્કા ધામ હજ યાત્રા માટે આ મુસ્લિમ પરિવારને આખા ગામે તમામ મદદ પૂરી પાડી હજ માટે વિદાય આપતા કોમી એકતાના ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
વાત બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રૂપપુરા ગામની છે. આ આખું ગામ હિંદુઓની વસ્તી ધરાવે છે. આ ગામમાં 1960થી એક મુસ્લિમ પરિવાર પણ વસે છે. વર્તમાન કોમી વૈમનસ્યના વાતાવરણમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની જ્યારે વાત આવે ત્યારે લોકોનો દ્રષ્ટિકોણ બદલાઈ જતો હોય છે. પરંતુ રૂપપુરા ગામે કોમી એકતાનું એક અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.
આજ સુધી આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના લોકો સાથે હળી મળીને વિવિધ તહેવારો ઉજવ્યા છે. મુસ્લિમ સમાજનો કોઈ તહેવાર હોય તો હિન્દુ સમાજના લોકો પણ તેમની સાથે જોડાઈને ઉજવણી કરતા હોય છે. ૬૦થી વધુ વર્ષોથી આ ગામમાં ભાઈચારો જળવાઈ રહ્યો છે અને રૂપપુરા ગામના ગ્રામજનો આ મુસ્લિમ પરિવારના લગ્નમાં અને મામેરામાં પણ તમામ મદદ પૂરી પાડી અને અનોખો સંદેશો પણ પૂરો પાડ્યો છે.
ત્યારે વર્ષો બાદ હવે મુસ્લિમ પરિવારના દીકરાઓ અને તેમનો પરિવાર મુસ્લિમ ધર્મના પવિત્ર ગણાતા યાત્રાધામ એવા મક્કા ખાતે જ્યારે હજ પઢવા માટે જઈ રહ્યો છે. ત્યારે સમગ્ર રૂપપુરા ગામ તેમની મદદે આવ્યું છે અને ગામના રામદેવપીરના મંદિરમાં તેમને ફૂલહાર પહેરાવી ગળે લગાવીને હજ માટેની વિદાય આપવા માટે એકઠા થયા હતા. હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય કે લગ્ન પ્રસંગની વાત હોય હંમેશા હિન્દુ સમાજ સાથે આ મુસ્લિમ પરિવાર રહ્યો છે. મુસ્લિમ પરિવાર સાથે તમામ હિન્દુ સમાજના આખા ગામના લોકો રહ્યા છે એટલે કે વર્ષોથી આ ભાઈચારાની ભાવના જોડાઈ રહી છે અને આજે તેઓ હજયાત્રા એ જઈ રહ્યા છે ત્યારે આખા ગામના લોકો પણ ભાવુક બન્યા છે અને તેમની આ યાત્રા સફળ થાય તે માટે શુભકામનાઓ પણ આપી રહ્યા છે.
આ પણ વાંચો: Madhya Pradeshમાં મુસ્લિમ ઉમેદવારો પ્રત્યે દરેક પક્ષે અંતર કેમ રાખ્યું?
રૂપપૂરા ગામ તેમને ફૂલહાર કરીને વિદાય આપવા એકઠું થયું હતું. આ ગામમાં આટલા વર્ષો થી કોઈ દિવસ મુસ્લિમ પરિવાર અને હિન્દુ સમાજના લોકો વચ્ચે કોઈ અણબનાવ બન્યો નથી અને આ ગામ સર્વધર્મ સમભાવની ભાવના સાથે હળી મળી ને રહે છે. રૂપપુરા ગામે રહેતો મન્સૂરી પરિવાર હજયાત્રા માટે ગયો હતો અને તેમને વિદાય આપવા માટે સૌ ગ્રામજનો એકઠા થયા હતા અને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડીને તેમને વિદાય આપવામાં આવી હતી.
ગામલોકોની આવી લાગણી જોઈને મન્સૂરી પરિવાર ગદગદિત થઈ ગયો હતો. આ પરિવારના વડીલ કહે છે, દાયકાઓથી અમે રૂપપુરામાં રહીએ છીએ. ગ્રામલોકોએ કદી અમારી સાથે કોઈ ભેદભાવ નથી કર્યો. વર્ષોથી એક પરિવાર માનીને સાથે રહીને તમામ તહેવારો કે લગ્ન પ્રસંગ દરેક વખતે અમને આમંત્રણ આપવામાં આવે છે. અમે વર્ષોથી હિન્દુ સમાજના લોકો સાથે એક પરિવાર તરીકે રહીએ છીએ. આ ગ્રામજનોએ અમને બોલાવીને અમારું સ્વાગત કર્યું છે અને અમારી વિદાયમાં અમને જે મદદ કરી છે. અમને જે સહકાર આપ્યો છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી અને આ હજની યાત્રામાં અમે દુઆ કરીશું કે રૂપપુરા ગામમાં આ જિલ્લો રાજ્ય અને દેશમાં સુખ શાંતિ રહે અને દરેક ધર્મના લોકો સર્વ ધર્મ સમભાવની ભાવનાથી સાથે રહે.
રૂપપુરા ગામનું મુસ્લિમ પરિવાર ગામમાં હંમેશા હળીમળીને રહ્યું છે તો ગામના હિન્દૂ લોકો પણ કોઈ નાતજાત કે ધર્મના ભેદભાવ વગર જીવી રહ્યા છે. આજદિન સુધી ગામમાં રહેતા મુસ્લિમ પરિવારે કોઈની સાથે ખરાબ વર્તન કર્યું નથી. હજ પઢવા રવાના થતા પહેલા મુસ્લિમ પરિવારે સૌને ભેટીને વિદાય લીધી હતી. તો સામે ગામલોકોએ પણ આ પરિવારની નિખાલસતાને બિરદાવી હતી.
આ પણ વાંચો: દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા