એક મુસ્લિમ સિપાહી, જેણે ભાગલા વખતે ભારતને માતૃભૂમિ માની પાકિસ્તાન જવા ઈનકાર કરેલો

સાંપ્રદાયિકાનું ઝેર ચોતરફ ઘોળાઈ ચૂક્યું છે ત્યારે એક એવા મુસ્લિમ સિપાહીની વાત કરીએ, જેણે દેશના ભાગલા ટાણે ભારતને પોતાની માતૃભૂમિ માનીને પાકિસ્તાન જવાનો ઈનકાર કરી દીધેલો.

એક મુસ્લિમ સિપાહી, જેણે ભાગલા વખતે ભારતને માતૃભૂમિ માની પાકિસ્તાન જવા ઈનકાર કરેલો
Photo credit: Google Images

1947નો દૌર હતો, જ્યારે ભારતને આઝાદીની સૌગાતની સાથે વિભાજનનું જખમ પણ મળ્યું હતું. પાકિસ્તાનથી ઘણા લોકો જીવ બચાવી જલ્દીથી ભારત પહોંચવા માંગતા હતા, કેમકે ગઈકાલે જે પોતાનો દેશ હતો આજે તે બીજા કોઈનો થઈ ગયો. એ જ રીતે ઘણા લોકો ભારતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.


તેનો પરિવાર ખૂબ ઈજ્જત અને રુતબાવાળો હતો, પરંતુ વતનની મહોબ્બત માટે તેમણે પરિવારના ઘણા લોકોને પણ ખુદા-હાફિઝ કહીને ભારતની રાહ પકડી. એ શખ્સ હતો આઝાદ હિંદ ફૌજનો એક વફાદાર સિપાઈ જેણે આઝાદીની જંગમાં અંગ્રેજી સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો. ફૌજના સુપ્રીમ કમાન્ડર નેતાજી સુભાષચંદ્ર બોઝને તેના પર ખૂબ ગર્વ હતો. તેનું નામ હતું જનરલ શાહનવાઝ ખાન.

ભારત-પાક વિભાજનમાં જ્યારે લાખો મુસલમાન ભારત છોડી પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મારો દેશ હિન્દુસ્તાન છે અને તે જ રહેશે. એટલા માટે હું માતૃભૂમિની સેવા માટે ભારત જઈ રહ્યો છું. એ વખતે ઘણા લોકોએ તેમને સમજાવ્યા અને ભડકાવ્યા પણ ખરા. કોઈએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ તમને પાણી માટે પણ નહીં પૂછે અને શક્ય છે કે કોઈ તમારા નામની સાથે જોડાયેલો ખાન શબ્દ સાંભળીને તમને મારી પણ નાંખે. પરંતુ જનરલ શાહનવાજને કોઈ પ્રલોભનો કે નસીહતો ડગાવી શકી નહીં. તેઓ ભારત આવ્યા અને આ જ ધરતીની સેવા કરતાં તેમણે આખરી શ્વાસ લીધા. 


જ્યારે તેઓ આઝાદ હિંદ ફોજમાં હતા, ત્યારે તેમણે તેમના રણકૌશલ્યથી અંગ્રેજોની ચિંતા વધારી દીધી હતી. તેમના એક હુકમ પર આઝાદ હિંદના સિપાહીઓ જાન કુરબાન કરવા માટે તૈયાર થઈ જતા હતા. યુદ્ધની બદલાયેલી પરિસ્થિતિઓને કારણે તેમને બ્રિટિશ સરકારે કેદ કરી લીધા અને એમના ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો.


નેતાજી સુભાષના સહયોગી હોવાને કારણે અંગ્રેજો તેમને મૃત્યુદંડ આપવા ઇચ્છતા હતા, પરંતુ શાહનવાઝને મોતનો કોઈ ખોફ ન હતો. તે અંગ્રેજ સરકારથી ન દબાયા કે ન ઝૂક્યા. છેલ્લે તેઓ બરી થયા અને દેશની આઝાદી બાદ સક્રિય રાજનીતિમાં સામેલ થયા. 

આઝાદીના આ સિપાહી જાણતા હતા કે આઝાદ થયેલા દેશમાં રાજનેતાઓની પણ એટલી જ જવાબદારી છે, જેટલી સરહદ પર તૈનાત એક સૈનિકની. તેઓ 1952માં મેરઠથી સાંસદ તરીકે ચૂંટાયા. એના પછી પણ તેઓ 1957, 1962 અને 1971માં પણ અહીંથી જ જીત્યા. તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પદ પર પણ રહ્યા. 

તેમને એ વાતનો વસવસો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ જે સપનું લઈને ચાલ્યા હતા એવું ભારત ન બનાવી શક્યા, પરંતુ તેમણે નેતાજીના નામ પર એક ગામ જરૂર વસાવ્યું હતું. તે ગામનું નામ છે 'સુભાષ ગઢ', જે ઉત્તરાખંડમાં હરિદ્વારની નજીક આવેલું છે.


1940માં તેઓ બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં સામેલ થયા. પરંતુ જ્યારે નેતાજીએ દેશની આઝાદી માટે આહ્વાન કર્યું તો તેઓ બોલ્યા - હું હાજર છું. અને તેઓ નેતાજીના મજબૂત તથા વિશ્વાસપાત્ર સાથી બની ગયા. 9 ડિસેમ્બર 1987ના દિવસે તેમનું અવસાન થયું.


આજે દેશમાં સાંપ્રદાયિકતાનું ઝેર ઘોળાઇ રહ્યું છે, દેશભક્તિ અને ધર્મની નવી નવી વ્યાખ્યાઓ સામે આવી રહી છે. આ શોરબકોરમાં રોજ ઘણા નવા અવાજો ઊઠે છે અને ઘણા ગુમ થઈ જાય છે. એ ગુમ થઈ ગયેલા અવાજમાં એક અવાજ જનરલ શાહનવાઝ ખાનનો પણ છે, જેમણે હિન્દુસ્તાનની સેવા માટે પાકિસ્તાનને અલવિદા કહી દીધું હતું. જે લડાઈ શાહનવાઝ અને તેમના સાથીઓએ અંગ્રેજોથી જીતી હતી, આપણને આઝાદી સોંપીને કદાચ તે આપણાથી હારી ગયા.

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર હાર્ડવેર નિષ્ણાત, ખેડૂત અને વૈવિધ્યપૂર્ણ વાંચનના શોખીન છે.)

આગળ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.