'ગૌમાંસ રાંધવા'ના આરોપસર 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા

ઓડિશાની એક સરકારી એન્જિનિયરીંગ કોલેજના 7 વિદ્યાર્થીઓને કથિત રીતે ગૌમાંસ રાંધવાના આરોપમાં હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા છે.

'ગૌમાંસ રાંધવા'ના આરોપસર 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કઢાયા
image credit - khabarantar.com

ઓડિશાની એક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 'બીફ રાંધવા'ની ફરિયાદ પર 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કઢાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમાંથી એક વિદ્યાર્થીને હાંકી કાઢવાની સાથે તેને 2000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલેથી આપેલા એક રિપોર્ટ મુજબ, મામલો ઓડિશાના બ્રહ્મપુરમાં સરકારી પરાલા મહારાજા એન્જિનિયરિંગ કોલેજનો છે, જ્યાં સાત વિદ્યાર્થીઓ પર કથિત રીતે બીફ રાંધવાનો આરોપ છે. આ ઘટના બાદ તણાવ વધી જતાં કોલેજ નજીક પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ બાબતને લઈને સ્ટુડન્ટ વેલ્ફેરના ડીને ગુરુવારે 12 સપ્ટેમ્બરના રોજ એક સૂચના બહાર પાડી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓને 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ'માં સામેલ થવા બદલ હાંકી કાઢવામાં આવ્યા હતા. વધુમાં કહેવાયું કે, આ વિદ્યાર્થીઓએ 'હોલ ઓફ રેસિડેન્સના નિયમો અને આચારસંહિતા'નું ઉલ્લંઘન કર્યું હતું. જો કે, આ 'પ્રતિબંધિત પ્રવૃત્તિઓ' શું હતી તે અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

સૂત્રોએ જણાવ્યું કે હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ બુધવારે (11 સપ્ટેમ્બર) રાત્રે હોસ્ટેલ પરિસરમાં બીફ રાંધવામાં કથિત રીતે સામેલ હતા. ત્યારબાદ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના અન્ય જૂથે આ ઘટના અંગે ડીનને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમામ વિદ્યાર્થીઓના મૂલ્યો અને માન્યતાઓનું સન્માન કરવાનું મહત્વ સમજીએ છીએ. કથિત રીતે ગૌમાંસ રાંધવાની ઘટના આ ઘટનાથી અશાંતિ અને અસુવિધા સર્જાઈ છે અને વાતાવરણ તંગ બન્યું છે. હું નમ્ર વિનંતી કરું છું કે આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે."

આ મામલો સામે આવ્યા બાદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકર્તાઓએ પણ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રિન્સિપાલને મળી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

કૉલેજના એક સૂત્રએ જણાવ્યું હતું કે કૉલેજ તંત્રે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના જૂથની ફરિયાદના આધારે આરોપોની તપાસ કરી છે. કોલેજ કેમ્પસમાં અમુક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે, જેને આ વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે. તપાસના તારણોના આધારે આ તમામ વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા આ સાતેય વિદ્યાર્થીઓએ હવે કેમ્પસ છોડી દીધું છે.

આ પણ વાંચોઃ 'તું ગૌમાંસ ખાય છે કે નહીં?' શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થિનીને સવાલ કરતા હોબાળો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.