ગણેશ ગોંડલે જેલમાં રહીને ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જીત મેળવી
એટ્રોસિટીના કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગણેશ જાડેજાએ સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને ચૂંટણી જીતવાનો ઈતિહાસ બનાવ્યો છે.
જૂનાગઢના દલિત યુવકને ગોંધી રાખી, માર મારવાના કેસમાં જેલની હવા ખાઈ રહેલા ગણેશ જાડેજાએ જેલમાં રહીને ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જીત મેળવી છે. આ સાથે જ રાજ્યના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહીને આ રીતે ચૂંટણી જીતવાની આ પહેલી ઘટના બની છે. વર્ષો પહેલા અમદાવાદમાં ડોન લતીફે જેલમાં રહીને એક સાથે પાંચ વોર્ડમાં ચૂંટણી જીતી હતી. એ પછી સહકારી ક્ષેત્રમાં આ પહેલી ઘટના છે જેમાં કોઈ આરોપી જેલમાં હોવા છતાં કોઈ સહકારી બેંકની ચૂંટણીમાં જીત્યો હોય.
અમદાવાદના ડોન લતીફની જેમ જેલમાં રહીને ગણેશ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી લડી રહ્યો હોવાથી રાજ્યભરમાં આ મામલે ચર્ચા છેડાઈ હતી. ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી માટે ગઈ કાલે મતદાન થયું હતું, એ પછી સૌ કોઈની નજર તેના પરિણામો પર હતી. જેમાં ગણેશ સહિત ભાજપના 11 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. પરિણામો બાદ ગણેશ જાડેજા સહિત બીજેપીના ઉમેદવારોની જીત થતા ગણેશના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી હતી.
સહકારી ક્ષેત્રમાં જેલમાંથી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના
આશરે ૫૦૦ કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક બેંકમાં ફરી એકવાર જયરાજસિંહ જાડેજાનો દબદબો જોવા મળ્યો છે. એનું જ કારણ છે કે જેલમાં હોવા છતા તેના છોકરા ગણેશ ગોંડલે જંગી બહુમતીથી જીત મેળવી હતી. જયરાજસિંહ જાડેજાએ ગણેશ અને ભાજપના ઉમેદવારો મહત્તમ લીડ મેળવે તે માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. આ ચૂંટણી ગણેશ માટે ખૂબ મહત્વની હતી, જાણકારોને તેને વર્ચસ્વની લડાઈ તરીકે જોઈ રહ્યા હતા. એ રીતે જોઈએ તો ગોંડલમાં ફરી એકવાર ગણેશે તેના પિતાની ધાકના સહારે વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ સાથે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે. ગણેશ જાડેજાએ જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતી છે તેનાથી વિરોધીઓને મોટો સંદેશ ગયો છે.
ભાજપ, કોંગ્રેસ અપક્ષ સહિત 23 ઉમેદવારો મેદાનમાં હતા
ગોંડલ નાગરિક બેંકની આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ ૨૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના તમામ ૧૧ ઉમેદવારનો જંગી લીડથી વિજય થયો છે. નાગરિક બેંકની ચૂંટણી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળિયા અને પૂર્વ ચેરમેન એવા કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈ માટે પ્રતિષ્ઠાના જંગ સમી બની હતી. જેમાં કોંગ્રેસ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જેલમાં હોવા છતા ભાજપના ગણેશ ગોંડલની જીત થઈ છે. કોંગ્રેસના ભાજપની જીત થતા સમર્થકોએ ઢોલ-નગારા વગાડી, ફટાકડા ફોડી વિજયને વધાવ્યો હતો.
આ પણ વાંચો: ગણેશ જાડેજા સામે કેસ કરનાર પરિવાર સામે GUJCTOC નો શું અર્થ છે?
ભાજપ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યાં?
અશોક પીપળીયા– ૬૩૨૭
હરેશ વાડોદરીયા – ૬૦૦૦
જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) – ૫૯૯૯
ઓમદેવસિંહ જાડેજા – ૫૯૪૭
કિશોર કાલરીયા – ૫૭૯૫
પ્રહલાદ પારેખ – ૫૭૬૭
પ્રમોદ પટેલ – ૫૬૯૦
પ્રફુલ ટોળીયા – ૫૪૮૧
ભાવના કાસોંદરા – ૬૧૨૦
નીતા મહેતા – ૫૮૯૩
દિપક સોલંકી – ૫૭૩૮
કોંગ્રેસ પ્રેરીત પેનલમાં કોને કેટલા મત મળ્યાં?
યતિષ દેસાઈ - ૩૫૨૭
કલ્પેશ રૈયાણી – ૩૦૯૫
લલીત પટોળીયા – ૩૦૬૩
જયદીપ કાવઠીયા – ૩૦૩૧
સંદીપ હીરપરા – ૨૮૯૨
રમેશ મોણપરા – ૨૮૭૫
વિજય ભટ્ટ – ૨૮૦૭
કિશોરસિંહ જાડેજા – ૨૮૦૦
ક્રિષ્ના તન્ના – ૩૩૩૫
જયશ્રી ભટ્ટી – ૩૦૧૧
જયસુખ પારઘી – ૨૮૬૮
આ પણ વાંચો: ગણેશ જાડેજાએ દલિત યુવકનું અપહરણ કરી, કપડાં ઉતરાવી માર માર્યો