10 વર્ષ 100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડની લૂંટ કરી:ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારના 10 વર્ષ અને 100 દિવસના કાર્યકાળ દરમિયાન 35 લાખ કરોડની લૂંટનો ગંભીર આક્ષેપ કર્યો છે.

10 વર્ષ 100 દિવસમાં મોદી સરકારે 35 લાખ કરોડની લૂંટ કરી:ખડગે
image credit - Google images

એક બાજુ નરેન્દ્ર મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના 100 દિવસની સિદ્ધિઓ વર્ણવી રહી છે, બીજી તરફ કોંગ્રેસે તેમના પર કરોડોની લૂંટ ચલાવવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ભારે ટેક્સ લગાવીને લોકોને લૂંટ્યા છે.

ક્રૂડ ઓઈલની કિંમતો ૩૨.૫ ટકા ઘટી છે પરંતુ ભાજપની ઈંધણ લૂંટ ચાલુ છે. જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં ભાજપ હારશે. ૧૦ વર્ષ અને ૧૦૦ દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી ૩૫ લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા છે.

ખડગેએ કહ્યું કે, ૧૬ મે ૨૦૧૪એ ક્રૂડ ઓઈલની કિંમત ૧૦૭.૪૯ ડોલર પ્રતિ બેરલ હતી. આ દરમિયાન દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૧.૫૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૫૭.૨૮ રૂપિયા હતી. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪એ ક્રૂડ ઓઈલની કિંમત ૭૨.૪૮ ડોલર હતી પરંતુ પેટ્રોલની કિંમત ૯૪.૭૨ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૭.૬૨ રૂપિયા હતી. આ રીતે વર્તમાન ક્રૂડ ઓઈલની કિંમતો અનુસાર પેટ્રોલની કિંમત ૪૮.૨૭ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૯ રૂપિયા હોવી જોઈએ પરંતુ ૧૦ વર્ષ અને ૧૦૦ દિવસોમાં મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને લોકો પાસેથી ૩૫ લાખ કરોડ રૂપિયા લૂંટ્યા છે.

100 દિવસમાં 38 રેલવે અકસ્માતો થયા

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ટ્રેન દુર્ઘટનાઓ મુદ્દે રેલવે મંત્રાલય પર નિશાન સાધતાં કહ્યું કે ૧૦૦ દિવસમાં ૩૮ ટ્રેન દુર્ઘટનાઓ થઈ છે, જેમાં ૨૧ લોકોના મોત થયા છે અને રેલવે મંત્રી ર્નિલજ્જતાથી કહે છે કે આ નાની-નાની ઘટનાઓ છે. દરરોજ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ બને છે. આ મોદીજીનો વિકાસ છે. મોદી સરકારના શરૂઆતી ૧૦૦ દિવસોમાં સરકાર દરેક મુદ્દે નિષ્ફળ રહી છે. આ ૧૦૦ દિવસ આ દેશની સંસ્થાઓ પર ખૂબ ભારે પડ્યાં છે. આ ૧૦૦ દિવસોમાં જાણ થઈ છે કે નરેન્દ્ર મોદીની પાસે આ દેશની સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી. આ દેશના વિપક્ષ અને લોકોએ આ સરકારને યુટર્ન લેવા પર મજબૂર કરી છે.

આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે

જો કોઈ ખોટો નિર્ણય આ દેશને પ્રભાવિત કરશે તો અમે તમને યુટર્ન લેવા મજબૂર કરીશું. લેટરલ એન્ટ્રી, વક્ફ બોર્ડ બિલ, બ્રોડકાસ્ટ બિલ, એનપીએસથી લઈને યુપીએસ બધાં પર યુટર્ન લેવો પડ્યો છે. મોટા-મોટા પુલ ધરાશાયી થયા છે. દેશની સંસદમાં પાણી ટપકી રહ્યું હતું. અટલ સેતુ, સુદર્શન સેતુ પર તિરાડો પડી ગઈ. સૌથી શરમજનક ઘટના ત્યારે થઈ જ્યારે છત્રપતિ શિવાજીની મૂર્તિ તૂટીને પડી ગઈ. 

કાશ્મીરના જવાનોની શહીદી પર પ્રહાર કર્યા

આતંકી હુમલા મુદ્દે સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પીએમ મોટી-મોટી વાતો કરે છે. છેલ્લા ૧૦૦ દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં ૨૬ આતંકી હુમલા થયા છે, ૨૧ જવાન શહીદ થયા છે અને ૧૫ નાગરિકોના મોત થયા છે. હવે કાશ્મીર કરતાં વધુ આતંકી હુમલા જમ્મુમાં થઈ રહ્યાં છે પરંતુ એક શ્રદ્ધાંજલિ શબ્દ નરેન્દ્ર મોદીના મોઢેથી નીકળતો નથી. ત્યાં કાયદો અને વ્યવસ્થા એલજી દ્વારા સીધા તમારા હાથમાં છે. આ દેશની અડધી વસતીની સાથે જે તમારી સરકારે જે કર્યું તે માફ કરી શકાય તેમ નથી. તમે તે છો જે દેશની દીકરીઓનું જાતીય શોષણ કરનારાની સાથે સતત ઊભા રહ્યાં. ૧૦૦ દિવસોમાં ૧૫૭ પીડિતાઓ સામે આવી છે. કાશીમાં જઘન્ય ગેંગરેપનો મામલો સામે આવ્યો છે જે ભાજપ આઈટી સેલનો છે.

પેપર લીકથી લઈને મણિપુરની ઘટનાને યાદ કરી

સુપ્રિયા શ્રીનેતે વધુમાં જણાવ્યું હતું કે, આ ૧૦૦ દિવસોમાં સતત પેપર લીક થયા છે. પરીક્ષાઓ કેન્સલ થઈ છે. નીટનું પેપર લીક થયું છે. નીટ-પીજીની પરીક્ષાઓ રદ થઈ છે. યુજીસી-નેટનું પેપર લીક થયુ છે. જ્યારે તમારી સરકાર આવી ત્યારે રૂપિયો ૫૮ પર હતો પરંતુ તમે તેને ૮૪ પર પહોંચાડી દીધો. ૧૦૦ દિવસ પહેલા ૮૨ પર હતો, તમે એટલો પ્રયત્ન કર્યો પરંતુ ૮૪ સુધી પહોંચવાથી રોકી શક્યાં નહીં. ટોલ ટેક્સ ૧૫ ટકા વધ્યો, સીએનજીના ભાવ વધ્યા. સેબી ચીફે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કર્યો. અદાણી પર ગંભીર આરોપ લાગી રહ્યાં છે. લદ્દાખના પૂર્વ સાંસદ અને કાઉન્સિલરે સતત ત્યાં ઘૂસણખોરીના મુદ્દાને ઉઠાવ્યો પરંતુ તમે કંઈ કર્યું નહીં. મણિપુર ૧૬ મહિનાથી સળગી રહ્યું છે પરંતુ તમારામાં સાહસ અને નિયત નથી કે તમે મણિપુર જાવ. વન નેશન, વન ઈલેક્શનનું રણશિંગૂ ક્યારે ફૂંકાશે? ક્યાં સુધી સૂત્રોના માધ્યમથી સરકાર ચલાવતા રહેશો? સંસદની છત પરથી પાણી ટપકી રહ્યું છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે જોયું નથી.

આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચનાએ કૉંગ્રેસનું નસીબ બદલ્યું!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.