રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર આપશે

રાજકોટમાં અનુસૂચિત જાતિના યુવાન હમીરભાઈ રાઠોડની કસ્ટોડિયલ ડેથ મામલે સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ચિમકી આપવામાં આવી છે. 

રાજકોટ કસ્ટોડિયલ ડેથ મામલે SSD દરેક જિલ્લામાં આવેદનપત્ર આપશે
image credit - SSD porbandar

રાજકોટના આંબેડકરનગરમાં દલિત યુવક હમીરભાઈ રાઠોડનું માલવીયાનગર પોલીસ સ્ટેશનના અશ્વિન કાનગડ દ્વારા ઢોર માર મારવામાં આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે હવે બહુજન સમાજનું સૌથી મોટું સંગઠન એસએસડી મેદાનમાં આવ્યું છે. એસએસડી દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે આક્રોશ સાથે આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવા અરજી અપાઈ છે. ગઈકાલે પોરબંદરમાં એસએસડી(સ્વયં સૈનિક દળ)ના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં એસએસડીના કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કરવામાં આવશે. ગઈકાલે પોરબંદર ખાતે રાજકોટની ઘટનાને વખોડી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


એસએસડી(SSD)ના કાર્યકર મિલનભાઈએ જણાવ્યું હતું કે, “માણસની જિંદગી કિંમતી છે. કોઈપણ પોલીસ અધિકારી આ રીતે કોઈની જિંદગી છીનવી શકે નહીં. ગુજરાતમાં પોલીસ દલિત સમાજના યુવાનોને કોઈપણ પ્રકારના વાંકગુના વિના અટકાયતમાં લઈને ઢોર માર મારે છે. ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને હાલમાં રાજકોટમાં દલિત સમાજના યુવાન હમીરભાઈ રાઠોડનું આ જ રીતે કસ્ટડીમાં મોત થયું છે. ભારતનો એકેય કાયદો કોઈપણ પોલીસ અધિકારીને આવો અધિકાર નથી આપતો. આથી આ કેસના ભાગેડુ આરોપી અશ્વિન કાનગડને પોલીસે વહેલીતકે ઝડપી પાડીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ગુજરાત આખા દેશમાં કસ્ટોડિયલ ડેથના કેસોમાં પહેલા નંબરે છે. જો ગુજરાત પોલીસમાં જરા પણ શરમ બચી હોય તો અશ્વિન કાનગડ જેવા તેના પોલીસવાળાને પકડીને જેલમાં પુરો.”

આ પણ વાંચોઃ આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત

એસએસડીની ઝલકારી બ્રિગેડની સભ્ય ઝલકારી રોશનીએ કહ્યું હતું કે, “ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર દરરોજ અત્યાચારની ઘટનાઓ બને છે, જેનો કોઈ હિસાબ નથી. પોલીસ ચોપડે જેટલી નોંધાય છે તેના કરતા અનેક ગણી વધુ ઘટનાઓ બને છે અને તેના આરોપીઓની ધાકને કારણે અનુસૂચિત જાતિના લોકો ફરિયાદ કરતા પણ ડરે છે. આવા તત્વોને કડક સજા થાય તે જરૂરી છે. નાની અમથી બાબતોમાં આ લોકો અનુસૂચિત જાતિના લોકો પર હુમલા કરે છે, તેમને વરઘોડો નથી કાઢવા દેતા, ઘોડી પર નથી બેસતા દેતા, તેમની જાન પર હુમલો કરે છે અને તેમ છતાં તેમને સજા નથી થતી. એટ્રોસિટીના કેસોમાં સજાનો દર 3 ટકા કરતા પણ ઓછો છે તેની પાછળ સવર્ણ અધિકારીઓની જાતિવાદી માનસિકતા અને કાયદાની છટકબારીઓ જવાબદાર છે. જો પોલીસ ખરેખર કાયદો અને વ્યવસ્થા જળવાય તેવું ઈચ્છતી હોય તો વહેલીતકે રાજકોટની ઘટનામાં જવાબદાર પોલીસ અધિકારી અશ્વિન કાનગડની ધરપકડ કરી તેમના પર ફરિયાદ નોંધી કાર્યવાહી કરવી જોઈએ.”

એસએસડી(SSD)ના સભ્યોએ સ્પષ્ટ માંગણી કરી હતી કે, જો પોલીસ આરોપીની તાત્કાલિક અટકાયત નહીં કરે, યોગ્ય કલમો નહીં ઉમેરે, પરિવારને યોગ્ય વળતર નહીં ચૂકવે, રક્ષણ નહીં પુરું પાડે તો આગામી દિસવોમાં દરેક જિલ્લા મથકોમાં આંદોલન કરવામાં આવશે.

આગળ વાંચોઃ સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાતમાં 14મી એપ્રિલ ની તૈયારી કેવી છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.