ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં
કાયદાના રક્ષકે જ ખૂલ્લેઆમ ગુજરાતની દારૂબંધીના ધજાગરા ઉડાડતા પ્રોહીબીશનનો ગુનો નોંધાયો
ડાકોર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી દારૂ પી ને જવાબ લખાવવા ઉપલી જિલ્લા કક્ષાની વડી કચેરીએ પહોંચતા સમગ્ર બનાવ મામલે પોલીસે જ પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે ટેલીફોનિક વર્ધી લખાવ્યા બાદ આ મામલે એ.એસ.આઇ વિરુદ્ધ નડિયાદ ટાઉન મથકે પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધાયો છે.
ડાકોર પોલીસ મથકે એએસઆઈ તરીકે ફરજ બજાવતા ધનાભાઈ વાઘેલા નડિયાદ ખાતે નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ખાતાકીય તપાસના કામે જવાબ લખાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ નશાના હાલતમાં હોવાથી ડીવાયએસપી કચેરીમાં હાજર પોલીસ કર્મચારી દ્વારા કંટ્રોલમાં ટેલીફોનિક વર્ધી લખાવવામાં આવી હતી. તેના આધારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીએ તપાસના કામે ડીવાયએસપી કચેરી પહોંચ્યા હતા. જ્યાં હાજર પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરતા ધનાભાઈ વાઘેલા જેઓ પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા હોય અને ખાતાકીય તપાસ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં આવ્યાં હોવાની જાણ થઈ હતી.
જેથી ટાઉન પોલીસના કર્મચારીઓએ આ બાબતે પંચોને બોલાવી તપાસ કરતા ધનાભાઈ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. તેમજ તેમની પાસે દારૂ પીવાનું કોઈ પરવાનો પણ મળ્યો નહોતો. જેથી આ સમગ્ર મામલે એએસઆઈ ધનાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે. આ બનાવ મામલે ડીવાયએસપી સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ કરવામાં આવશે અને જરૂર પડે તો ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.