અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ, ગુજરાત સુધી દલિતો પર અત્યાચાર
દેશભરમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે સતત વધતી જઈ રહી છે. અયોધ્યાથી લઈ આંધ્રપ્રદેશ અને ગુજરાત સુધી આ રેલો પહોંચ્યો છે.

છેલ્લાં કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં દલિતો પર અત્યાચાર, મારામારી, હત્યાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. થોડા દિવસ પહેલા અયોધ્યામાં એક દલિત યુવતીની રેપ બાદ હત્યા થઈ હતી. ત્યારે હવે એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
લોખંડનો સળીયો મારીને હત્યા
ઉત્તર પ્રદેશનું અયોધ્યા હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા શ્રીરામની સાથે અહીં બનતી દલિત અત્યાચારની ઘટનાઓને લઈને પણ સમાચારોમાં ચમકતું રહે છે. થોડા દિવસ પહેલા એક દલિત દીકરીની અહીં ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જેને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો હતો. હજુ એ ઘટનાને લોકો ભૂલ્યાં નથી ત્યાં એક દલિત સિક્યોરિટી ગાર્ડની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા લોકોએ દલિત સુરક્ષા ગાર્ડને કથિત રીતે માર મારીને હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ 60 વર્ષના ધ્રુવ કુમાર ઉર્ફે બેચાઈ તરીકે થઈ છે, જે એક નવનિર્મિત બિલ્ડીંગમાં ચોકી કરતો હતો.
આ ઘટના રવિવાર/સોમવારની મધરાતે બની હતી. ગાર્ડને લોખંડના સળિયા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સ્થાનિક લોકોએ તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અધિક પોલીસ અધિક્ષક મધુવન કુમાર સિંહે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
દેશભરમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ રાજ્યોમાં દલિતો સાથે ઉત્પીડન, ભેદભાવ અને દુર્વ્યવહારના કિસ્સાઓ વધ્યાં છે. હાલમાં જ અયોધ્યાના એક ગામમાં 22 વર્ષની દલિત દીકરીની હત્યા કરવામાં આવી હતી. યુવતીની આંખો કાઢી નાખવામાં આવી હતી, તેના શરીરના હાડકા તૂટી ગયા હતા અને શરીરને દોરડાથી બાંધી દેવામાં આવ્યું હતું. યુવતી ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળી હતી ત્યારથી તે ગુમ હતી. જ્યારે તે પાછી ન આવી ત્યારે તેના પરિવારે તેને ગામમાં શોધખોળ કરી અને બાદમાં શુક્રવારે અયોધ્યા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. શનિવારે સવારે, તેના સાળાને એક નિર્જન નહેરમાં તેનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પરિવાર અને ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેના શરીર પર ઊંડા ઘા હતા, માથામાં ગંભીર ઈજાઓ હતી અને પગમાં ફ્રેક્ચર હતું.
મધ્યપ્રદેશમાં વાળંદો દલિતોના વાળ નથી કાપતા
દરમિયાન, મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના હીરાનગર ગામમાં દલિત બાંસકર સમાજે સ્થાનિક વાળંદો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જેણે તેમના વાળ કાપવાનો ઇનકાર કર્યો હતો.
ગામના વાળંદોએ દલિત પુરુષોના વાળ કાપવાનો અને મુંડન કરાવવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને 10 કિલોમીટર દૂર ટીકમગઢ શહેરમાં જવાની ફરજ પડી હતી. આ ભેદભાવથી નિરાશ થઈને, ગામલોકોએ પોલીસ હસ્તક્ષેપની માંગ કરી હતી. ગામની એક મહિલાએ કહ્યું. “લગ્ન અને અંતિમ સંસ્કાર સમારોહ દરમિયાન પણ કોઈ વાળંદ અમારા વાળ નથી કાપતા. અમારી પાસે શહેરમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”
આંધ્રપ્રદેશમાં દલિત યુવકને તાલીબાની સજા કરાઈ
ગયા મહિને આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના નરસિમ્પલ્લી ગામમાં 24 વર્ષીય દલિત યુવક અંજનેયુલુને ઓબીસી સમાજની 17 વર્ષની છોકરી સાથે ભાગી જવાના આરોપમાં વીજળીના થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો અને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કરવામાં આવ્યો હતો. છોકરીના પરિવારે દંપતીને પારિગી તાલુકાના ઉટુકુરુ ગામમાંથી શોધી કાઢ્યું હતું અને તેમને બળજબરીથી નરસિમ્પલ્લી પાછા લાવ્યા જ્યાં ગુરુવારે યુવક સાથે આ અમાનુષી ઘટના ઘટી હતી. છોકરીના સંબંધીઓએ ગ્રામજનો સાથે મળીને અંજનેયુલુ પર નિર્દયતાથી ત્રાસ ગુજાર્યો હતો. તેને નગ્ન કરવામાં આવ્યો, ગાડી સાથે બાંધવામાં આવ્યો, શેરીઓમાં ફેરવામાં આવ્યો અને પછી વીજળીના થાંભલા સાથે બાંધવામાં આવ્યો. તેમને જૂતાથી મારી માથે ગાયનું છાણનું પાણી રેડવામાં આવ્યું હતું. આ સિવાય પણ બીજી અનેક એવી નાનીમોટી ઘટનાઓ બની છે, જેની કોઈ નોંધ પણ નથી લેવાઈ.
આ પણ વાંચો: નિર્દોષ દલિત કિશોરને તાલીબાની સજા : જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધીને માર્યો