દલિત સગીરા પર ગૌશાળામાં બળાત્કાર, સરપંચે ગર્ભાપાતની ગોળી પીવડાવી
14 વર્ષની દલિત સગીરા ગામની ગૌશાળામાં કામ કરતી હતી. આરોપીએ બંદૂક બતાવી રેપ કર્યો. ગર્ભવતી થઈ જતા સરપંચે ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ધમકી આપી.

એકવીસમી સદીમાં એકબાજુ ચીન ડીપસીક જેવા એઆઈ ટૂલ બનાવી દુનિયા આખીને હંફાવી રહ્યું છે. બીજી તરફ કથિત વિશ્વગુરૂ ભારતમાં દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. એક બાજુ ડબલ ઢોલકી જેવા મનુવાદીઓ દલિતો સાથે આભડછેટ પાળે છે બીજી તરફ તેમની બહેન-દીકરીઓની છેડતી કરવામાં, રેપ કરવામાં તેમને અસ્પૃશ્યતા જરાય આડે આવતી નથી. મનુવાદી તત્વોના આવા કાળા કારનામાઓથી ભારતનું એકેય ગામ બાકી નથી રહ્યું.
આવી જ વધુ એક કાળી કરતૂત સામે આવી છે. જેમાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર ત્યાં કામ કરતા કરતા એક શખ્સે બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરીશ તો આ બંદૂકથી તારા આખા પરિવારને ખતમ કરી નાખીશ. બીકના કારણે સગીરાએ કોઈને જાણ ન કરી અને તે ગર્ભવતી બની ગઈ. એ પછી ગામના સરપંચે તેને ન્યાય અપાવવાને બદલે પાપ છુપાવવા માટે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી હતી. જો કે સગીરાની સહનશક્તિની હદ આવી જતા તેણે જેમતેમ કરીને પરિવારને આખા મામલાની જાણ કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે હવે સરપંચ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધીને તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બાંદાના બઘેલાવાડી ગામની ઘટના
મામલો વધુ એકવાર જાતિવાદના એપીસેન્ટર એવા યુપીનો છે. અહીં બાંદા જિલ્લામાં ગૌશાળામાં કામ કરતી એક દલિત સગીરા પર બળાત્કાર અને બળજબરીથી ગર્ભપાત કરાવવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાના જણાવ્યા મુજબ, રાજાભૈયાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી સરપંચે તેને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી દીધી. પોલીસે આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસ ચાલુ છે.
બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો
આ ઘટના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં બની હતી. ૧૪ વર્ષીય પીડિતા બઘેલાવાડી ગામની ગૌશાળામાં કામ કરતી હતી. પીડિતાના જણાવ્યા મુજબ, ઢોરવાડામાં કામ કરતા રાજારામના ભાઈ રાજાભૈયાએ બંદૂકની અણીએ તેના પર બળાત્કાર કર્યો હતો અને જો તે આ વાત કોઈને કહેશે તો તેને અને તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી હતી. ગભરાયેલી પીડિતાએ આ મામલે કોઈને જાણ ન કરી, પરિણામે તે ગર્ભવતી થઈ ગઈ. એ પછી ગામના સરપંચ બ્રિજેશ (મનુવાદી મીડિયાએ ચાલાકી કરી અહીં સરપંચની અટક નથી જણાવી.) તેને ધમકી આપી અને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ ખવડાવી દીધી હતી. પીડિતાએ કહ્યું કે સરપંચ બ્રિજેશે તેને આ બાબતે કોઈને કંઈપણ કહેવાની મનાઈ કરી હતી.
પોલીસ તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે
જો કે પીડિતા દીકરી તેમ છતાં ગર્ભવતી થઈ ગઈ હતી અને સતત યાતનાઓથી તેની સહનશક્તિની હદ આવી જતા તેણે તેના પરિવારને પોતાની સાથે થયેલા બળાત્કારની જાણ કરી દીધી હતી. જેના પગલે તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજાભૈયા, સરપંચ બ્રિજેશ અને પચુવા નામના શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવી આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે શું કહ્યું?
આ અંગે અટારા રેન્જ અધિકારી પ્રવીણ યાદવે જણાવ્યું કે ઘટના 4 મહિના જૂની છે. દીકરીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે તેમજ નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ મામલાની તપાસ ચાલી રહી છે, તપાસમાં જે તથ્યો બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આઠ દિવસથી ગુમ દલિત સગીરાનો અર્ધનગ્ન હાલતમાં વાડમાંથી મૃતદેહ મળ્યો