કચ્છના લખપત તાલુકાના મેઘપરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો

કચ્છના લખપતના મેઘપર ગામમાં અનુસૂચિત જાતિ સમાજનો સ્થાનિક પટેલ સમાજ દ્વારા સામાજિક બહિષ્કાર કરાયો છે. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.

કચ્છના લખપત તાલુકાના મેઘપરમાં દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો
image credit - Google images

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મેઘપર ગામમાં સ્થાનિક અનુસૂચિત જાતિ સમાજના લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અહીં સ્થાનિક પટેલ સમાજના લોકો દ્વારા અનુ. જાતિ સમાજના લોકો સાથે ગ્રામ પંચાયતની જૂની મેટરનો ખાર રાખીને, દલિતોને આર્થિક રીતે ફટકો મારવા માટે આખું ષડયંત્ર રચાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. આ મામલે મેઘપરના અનુ. જાતિ સમાજના 17 લોકો દ્વારા સંયુક્ત રીતે નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, મેઘપરમાં વિવિધ જ્ઞાતિ સમાજના 400થી વધુ લોકો વસવાટ કરે છે. ગામમાં પાટીદારોની પૈસેટકે સુખી હોવાથી ધંધાર્થે બહારગામ અને વિદેશમાં વસવાટ કરે છે. તેમની પાસે ખેતીની જમીનો છે અને તેઓ આ જમીનો દલિતો સહિત અન્ય સમાજના લોકોને ભાગમાં વાવવા માટે આપતા હતા. પણ આ વખતે ગામના એક માથાભારે શખ્સના સાથ સહકારથી પાંચ જેટલા ચોક્કસ પાટીદારોએ સમાજના અન્ય લોકોને તેમની ખેડવા આપેલી જમીનો દલિતો પાસેથી પરત લઈ લેવા માટે ઈશારો કર્યો છે. એટલું જ નહીં, ગામના દલિતોમાં અંદરોઅંદર વિખવાદ પેદા થાય તે માટે આ જમીનો આસપાસના હરોડા, જુણાચાય, જુમારા ગામના માથાભારે લોકોને ખેડવા માટે આપી છે. આ લોકોના ઈશારે હવે મેઘપરના પટેલો દલિતોને ખેતમજૂરીએ પણ રાખતા નથી અને રોજિંદા વ્યવહારમાં પણ બહિષ્કાર કરાયો છે. દલિતોની રોજીરોટી બંધ થઈ જતા તેમણે હિજરત કરવાની ફરજ પડે તેમ છે.

જન્માષ્ટમી દરમિયાન શાંતિ ડહોળાય તેવી શક્યતા છે

હવે જ્યારે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે પાટીદારો વતનમાં આવતા હોય છે. ત્યારે ગામના માથાભારે શખ્સની ચઢામણીને કારણે ગામનો ભાઈચારો અને શાંતિનું વાતાવરણ ડહોળાય તેવી સ્થિતિ છે. ત્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દલિત સમાજે ગામમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરીને તેમનો સામાજિક બહિષ્કાર કરનારા તત્વો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પોલીસને રજૂઆત કરી છે.

આ પણ વાંચો: ભૂજમાં દલિતોને 40 વર્ષ પછી પણ તેમના હકની 700 એકર જમીન મળી નથી

આ મામલે નરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.ડી. ગોહિલે જણાવ્યું હતું કે, બે ત્રણ લોકોએ દલિત સમાજને વાવવા માટે આપેલી જમીનો પરત લઈ લીધી છે. દલિત સમાજના સામાજિક બહિષ્કારના મૂળમાં અહીં મે 2024માં પાંચ ગ્રામ વિકાસ સમિતિઓ સામે તલાટીએ નોંધાવેલી ઉચાપતની ફરિયાદ કારણભૂત છે. આ મામલે તપાસ ચાલી રહી છે અને કેટલાક લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાય તેવી શક્યતા છે.

સામાજિક બહિષ્કારના મૂળમાં પવનચક્કીઓનું કૌભાંડ

દલિત સમાજના સામાજિક બહિષ્કારની આખી ઘટનાના મૂળમાં અહીં ગૌચરની જમીનો પર પવનચક્કીઓ નાખીને લાખોનું કૌભાંડ કર્યાનો મામલો રહેલો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગૌચર અને સરકારી જમીનો પર પવનચક્કીઓ અને વીજ થાંભલા નાખવા દેવાના બદલામાં કોન્ટ્રાક્ટરો પાસેથી ગ્રામ વિકાસના નામે લાખોનું વળતર મેળવીને હજમ કરી જવાના કૌભાંડ આચરાયું હતું. આ મામલે મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટી પરેશ આયરે 5 ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખો સામે રૂ. 2.42 કરોડની ઉચાપતની ફરિયાદ નરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ 23 મે 2024ના રોજ નોંધાઈ હતી અને તેમાં મેઘપરનો ભવાન પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. તે મેઘપર ગ્રામ વિકાસ સમિતિનો પ્રમુખ છે. તેની સામે નોંધાયેલી ફરિયાદમાં આરોપ છે કે, તેણે મેઘપર જૂથ ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધાં વિના બારોબાર વિકાસ સમિતિઓ બનાવી હતી અને વર્ષ 2018થી અત્યાર સુધીમાં ગ્રામ વિકાસના નામે કરોડો રૂપિયા મેળવીને ચાંઉ કરી ગયો હતો.

આ કૌભાંડમાં નરા પોલીસે મેઘપર ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ભવાન પટેલ, જુણાચાય ગ્રામ વિકાસ સમિતિના તેજમાલજી જાડેજા, હરોડા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અબ્દુલ મંધરા, અમિયા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ વિજયસિંહ જાડેજા અને માણકાવાંઢ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ ઓસમાણ હુસેન સોતા સામે ફરિયાદ નોંધાવી હતી.

આ મામલામાં મેઘપર જૂથ ગ્રામ પંચાયતના તલાટીએ જે ફરિયાદ નોંધાવી હતી તેમાં અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિ સત્યની પડખે ઉભી રહી હતી. જેની કિંમત હવે મેઘપરના દલિતો સામાજિક બહિષ્કારનો સામનો કરીને ચૂકવી રહ્યાં છે.

જોવાનું એ રહેશે કે, એકવીસમી સદીમાં પણ જાતિવાદને પોષતી આ ઘટનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની જેમના માથે જવાબદારી રહેલી છે તે ગુજરાત સરકાર અને તેમની પોલીસ શું પગલાં લે છે.

આ પણ વાંચો: કચ્છના મોટા રેહા ગામે દલિત યુવકની ભેદી હત્યા, બે દિવસ પછી પણ હત્યારા પોલીસ પકડથી દૂર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Kantibhai Rathod
    Kantibhai Rathod
    આઝાદ ભારત જાતિવાદ થી હજુ આઝાદ થયું નથી
    2 months ago