અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?

કાયદાકીય નિષ્ણાતો કહે છે કે અનામત પર કોર્ટના ચૂકાદાઓ મોટાભાગે કથિત સવર્ણોના પક્ષમાં આપવામાં આવ્યા છે. વાંચો આ વિસ્તૃત લેખ.

અનામત પરના ચુકાદા મોટાભાગે કથિત સવર્ણોની તરફેણમાં અપાયા છે?
image credit - Google images

સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટ, 2024 ના રોજ આપેલા તેના ચુકાદામાં અનુસૂચિત જાતિ (SC)માં પેટા-વર્ગીકરણને મંજૂરી આપી. જેને લઈને આદિવાસીઓમાં પેટા-વર્ગીકરણને પણ લીલીઝંડી આપી દેવામાં આવી છે. સાથે એવું પણ સૂચવાયું કે આ વર્ગમાં એક 'ક્રીમી લેયર' બનાવવું જોઈએ અને તેમને અનામત મેળવવાથી રોકવા જોઈએ. જો કે હજુ સુધી સ્થિતિ સંપૂર્ણ સ્પષ્ટ નથી. 
કથિત સવર્ણોનું વર્ચસ્વ ધરાવતું આપણું પ્રાદેશિક અને નેશનલ મીડિયા સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી ગેલમાં આવી ગયું છે અને સમગ્ર મામલાને ઉપરછલ્લી રીતે જોઈને મનફાવે તેમ ઉછાળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષોથી 'મલાઈ' ખાતા દલિત અને આદિવાસીઓની જગ્યાએ હવે 'નબળા' લોકોને તક મળશે. 

આ પ્રકારની બોદી દલીલ પાછળની માનસિકતા ધરાવતા લોકો અનામતને 'ચેરિટી'નું એક સ્વરૂપ માને છે. આવા તત્વોને કોણ સમજાવશે કે અનામત એ વંચિતોનો બંધારણીય અધિકાર છે? તે 'ચેરિટી' પર નહીં પરંતુ 'પેરિટી'(સમાનતા) પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે. બંધારણમાં અનામત એ સદીઓની લડાઈનું પરિણામ છે. જોતિરાવ ફૂલે, ડૉ. ભીમરાવ આંબેડકર, પેરિયાર જેવા નેતાઓએ તેમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.

આ આંદોલનકારીઓ અને વિચારકો  સામે લાવ્યા કે ભારતમાં 'મેરિટ'નું નિર્ધારણ 'જાતિ'ના આધારે કરવામાં આવે છે. મતલબ કે ભારતમાં 'જાતિ' જ 'મેરિટ' છે. તેમ છતાં અનામત વિરોધી પ્રચાર બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ આવી પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવે છે કે જનરલ કેટેગરીના ઉમેદવારને 90 ટકા આવે તો તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળતો નથી, જ્યારે 'અયોગ્ય' દલિત-બહુજન ઉમેદવાર 40 ટકા મેળવીને ડૉક્ટર બની જાય છે અને દર્દીનો જીવ લઈ લે છે. પરંતુ આ તત્વો ક્યારેય એ વાતની ચર્ચા કરતા નથી કે કેવી રીતે દલિત-બહુજન વિદ્યાર્થીઓ સાથે ડગલેને પગલે ભેદભાવ કરવામાં આવે છે. રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા કરનારા લોકો કોણ છે?

આ પણ વાંચોઃ આરએસએસ અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે, છતાં કેમ સંઘ બાબાસાહેબના વખાણ કરે છે?

એમાં કોઈ શંકા નથી કે, SC-ST અનામતમાં પેટા-વર્ગીકરણ અનામતને નબળી પાડી શકે છે. ચિંતા એવી છે કે જ્યારે 'ક્રીમીલેયર' ના નામે કેટલીક એસસી, એસટી જાતિઓને અનામતમાંથી બહાર કરી દેવામાં આવશે, પછી દલિત, આદિવાસીઓની અનામતની એકેય ખાલી સીટો ભરવામાં નહીં આવે. આમ પણ પહેલેથી આ કેટેગરીની અનામત સીટો પુરેપુરી ભરવામાં આવતી નથી અને ઘણી વાર 'નોટ ફાઉન્ડ સ્યુટેબલ' (NFS) વિશે સાંભળવા મળે છે. પછી અનામત સીટોને જનરલ ક્વોટામાં પરિવર્તિત કરી દેવામાં આવે છે, જેનો સીધો લાભ કથિત સવર્ણ જાતિઓ ઉઠાવે છે.

જો એવું માની પણ લેવામાં આવે કે SC-STની અનામતને 'જનરલ કેટેગરી'માં નહીં નાખવામાં આવે, તો પણ એવો ભય છે કે પેટા-વર્ગીકરણ દલિતો-આદિવાસીઓને અંદરોઅંદર વિભાજિત કરશે અને તેમના માટે અનામત મેળવવી વધુ મુશ્કેલ બની જશે.

સવર્ણ લૉબી સીધી બહુજનોની અનામત ખતમ કરવાનું જોખમ લેવા માંગતી નથી, કારણ કે આનાથી તેઓ ખૂલ્લાં પડી જાય. તેમનો કાયમ પ્રયત્ન રહ્યો છે કે અનામત મેળવવાના રસ્તામાં સતત અડચણો પેદા કરવામાં આવે અને કાયદાના પાલનના નામે બહુજનો અનામત મેળવતા પહેલા જ થાકી જાય.

એ દુઃખની વાત છે કે કોર્ટે SC ને પેટા વર્ગીકરણ કરવા અંગે પોતાનો નિર્ણય આપવામાં આટલી ઉતાવળ કરી છે, પરંતુ આ જ કોર્ટે દલિત મુસ્લિમો અને દલિત ખ્રિસ્તીઓને SC કેટેગરીમાં સામેલ કરવાની અપીલના કેસ પર હજુ સુધી નિર્ણય લીધો નથી. એ જ રીતે, બિહાર સરકારે તાજેતરના મહિનાઓમાં વંચિત અને નબળા વર્ગો માટે અનામતની ટકાવારી વધારીને 65 ટકા કરી હતી, પરંતુ ત્યાં પણ પટના હાઈકોર્ટે વંચિતો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. થોડા મહિના પહેલા કોલકાતા હાઈકોર્ટે પણ મુસ્લિમોની અમુક જાતિઓને ઓબીસી કેટેગરીમાં સ્થાન આપવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણય સામે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?

કોલકાતા હાઈકોર્ટે કહ્યું કે મુસ્લિમ જાતિઓને OBC કેટેગરીમાં સામેલ કરવા માટે કોઈ નક્કર ડેટા નથી. પરંતુ રસપ્રદ વાત એ છે કે, સુપ્રીમ કોર્ટ પણ કોઈપણ નક્કર ડેટા વિના EWS અનામતને લીલી ઝંડી આપે છે. ઘણા કાયદાકીય નિષ્ણાતો કહે છે કે અનામત પર કોર્ટના ચૂકાદાઓ મોટાભાગે કથિત સવર્ણોના પક્ષમાં આપવામાં આવ્યા છે અને વંચિતોના અધિકારને 'મેરિટ'ના નામે દબાવી દેવામાં આવ્યો છે.

એ વાત કોઈનાથી છુપી નથી કે દલિતો અને આદિવાસીઓ હજુ પણ સમાજના સૌથી નીચા સ્તરે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેમનામાં "ક્રીમીલેયર" શોધી રહી છે. કોર્ટે તેની આસપાસ શું ચાલી રહ્યું છે તે જોવા માટે ક્યારેય નજર ઉંચી કરીને જોયું નથી. એ હકીકતને નકારી શકાય તેમ નથી કે અમુક જ પરિવારોના લોકો વર્ષોથી દેશના ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે અને ન્યાયાધીશનો પુત્ર ન્યાયાધીશ બની જાય છે.

આવા નિર્ણય પાછળના રાજકારણની અવગણના કરવી મૂર્ખામીભરી ગણાશે. શું એ કોઈ રહસ્ય છે કે હિંદુત્વ પાર્ટીની અંદર એક મજબૂત ઉચ્ચ જાતિની લોબી છે, જે અનામતને ખતમ કરવા માંગે છે અને દલિતો- પછાત જાતિઓમાં ભાગલા પાડવા માંગે છે? એવી વાત પણ ઉઠી છે કે સવર્ણ લૉબીએ એક ઓબીસી નરેન્દ્ર મોદીને પોતાનું મજબૂત સમર્થન એટલા માટે આપ્યું હતું કે તેઓ સત્તામાં આવ્યા પછી અનામત ખતમ કરશે?

આ પણ વાંચોઃ જાણો મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યા

વંચિત વર્ગને ડર છે કે પીએમ મોદીના શાસનમાં આદિવાસીઓની જમીનોને લૂંટવાની અને ખાનગીકરણની નીતિ સવર્ણોના ષડયંત્રનો ભાગ છે. અનામત નાબૂદીનો માર્ગ મોકળો કરવા માટે તેની સામે ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. તેથી જ તેને સતત 'આર્થિક' દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. 

અનામતને ગરીબી નાબૂદી યોજના તરીકે વર્ણવીને પણ ભ્રમ પેદા કરવામાં આવે છે. જોકે, બંધારણમાં ક્યાંય આર્થિક આધાર પર અનામતનો ઉલ્લેખ નથી. એ કડવા સત્યને ભૂલાવી દેવામાં આવ્યું છે કે, જો કોઈ દલિત અધિકારી કે નેતા સવર્ણોના મંદિરમાં પ્રવેશવા માંગે છે અથવા ઉચ્ચ જાતિની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, તો જાતિવાદી સમાજ તેની સામે ઉભો રહી જાય છે.
વાસ્તવમાં, અનામતને બંધારણીય ગેરંટી એટલા માટે આપવામાં આવી છે કારણ કે જ્યાં સુધી તમામ વર્ગો, ખાસ કરીને વંચિતોને પ્રમાણસર અને અસરકારક રીતે પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવે ત્યાં સુધી લોકશાહી સફળ થઈ શકે નહીં. ડો. આંબેડકરે તેમના આખા જીવન દરમિયાન કહ્યું કે ભારતીય સમાજ જાતિગત અસમાનતા પર ટકેલો છે, જ્યાં કથિત ઉંચી જાતિઓ પાસે તમામ સંસાધનો છે, ઉચ્ચ શિક્ષણ છે, ઊંચા પગારની મોટી નોકરીઓ છે, તેઓ સામાજિક, ધાર્મિક, રાજકીય અને વ્યવસાયિક સંસ્થાઓ પર બેઠેલા છે અને તેને કંટ્રોલ કરે છે. જ્યારે મોટા ભાગના દલિતો, આદિવાસીઓ અને પછાત જાતિના લોકો આજે પણ ખેતમજૂર છે અથવા દહાડિયા મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ડો.આંબેડકરે સાબિત કર્યું કે ભારતમાં જાતિ અને શ્રમ વચ્ચે સીધો સંબંધ છે.

આ પણ વાંચોઃ શા માટે સમ્રાટ અશોક ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે 'અસ્પૃશ્ય' છે?

આજે પણ મીડિયા, ફિલ્મો અને બિઝનેસમાં 90 ટકાથી વધુ લોકો કથિત ઉચ્ચ જાતિના છે, જ્યારે સફાઈ કામદારોના જૂથમાં એક-બે સિવાય મોટાભાગના દલિત છે. ભારતમાં આજે પણ લગભગ 70 ટકા દલિતો પાસે જમીનનો ટુકડો પણ નથી. જ્યારે મુઠ્ઠીભર ઉચ્ચ જાતિઓ પાસે પુષ્કળ જમીન છે. સરકારી આંકડાઓ સ્વયં કહે છે કે દર મિનિટે કોઈને કોઈ દલિત મહિલાની અસ્મિતા પર હુમલો થાય છે અને કોઈને કોઈ દલિત સવર્ણોના જુલમનો શિકાર બને છે. આવા નબળા સમાજમાં 'ક્રીમી લેયર' શોધવો કેટલો યોગ્ય છે? શું દેશની સૌથી મોટી સમસ્યા દલિતોમાં પેટા-વર્ગીકરણ છે?

ડો. આંબેડકરે વારંવાર કહ્યું હતું કે એક સારો કાયદો પોતે એ ગેરંટી નથી આપતો કે તેનાથી નબળાં લોકોને ન્યાય મળશે. બાબાસાહેબનો સ્પષ્ટ મત હતો કે, જ્યાં સુધી કાયદાના નિર્માણ અને આયોજનની પ્રક્રિયામાં વંચિતોની ભાગીદારી નહીં વધે ત્યાં સુધી તેમના અધિકારો પર તરાપ પડતી રહેશે. જો આ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો SC- ST અનામતમાં પેટા વર્ગીકરણ અયોગ્ય લાગે છે. કારણ કે આજે પણ એસસી, એસટી અને ઓબીસી સમાજની અનામતનો સંપૂર્ણ અમલ થયો નથી. આજે પણ બહુજનોની 'બેકલોગ' બેઠકો ભરાઈ નથી. દુખની વાત એ છે કે SC-ST અનામતનો ક્વોટા સંપૂર્ણપણે ભરવા અને તેની ખોટી પ્રક્રિયાને સુધારવાને બદલે ક્વોટાની અંદર ક્વોટાની યોજના શરૂ કરવામાં આવી રહી છે.

આગળ વાંચોઃ ભારતીય બંધારણ વિશેની તમામ સમજ, જાણો બંધારણ આપને શું શું આપે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.