ગરીબ દલિત માબાપના 'જયંતિલાલ' ની 'જે.બી. સિમેન્ટ' ના માલિક સુધીની સફર

જૂનાગઢના કેશોદના એક નાનકડા ગામના ગરીબ દલિત પરિવારમાં જન્મેલા 'જયંતિલાલ' કેવી રીતે 'જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ' સહિતની કંપનીના માલિક બન્યા તેની આ કહાની લાખો બહુજનોને પ્રેરણા આપશે.

ગરીબ દલિત માબાપના 'જયંતિલાલ' ની 'જે.બી. સિમેન્ટ' ના માલિક સુધીની સફર
image credit - ભૂપત ચાવડા, ઉના

jayantilal makwana a dalit industrialist from keshod passes away : બહુજન સમાજ અને આંબેડકરી ચળવળ બંને હાલ તેના અસ્તિત્વની લડત લડી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં તેને મોટો ઝટકો લાગ્યો છે. આંબેડકરી વિચારધારાના મજબૂત ટેકેદાર, બહુજન સમાજ માટે સ્થળ-કાળ જોયા વિના મદદે દોડી આવનાર, બહુજન સમાજના રત્ન એવા કેશોદના દિગ્ગજ ઉદ્યોગપતિ જયંતિલાલ ભીખાભાઈ મકવાણાનું અકાળે અવસાન થયું છે.

તેમની અણધારી વિદાયથી સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડયો છે. બહુજન સમાજના યુવાનોને ઉદ્યોગ સાહસિક બનાવવા તરફનું લક્ષ્ય લઈને આગળ વધી રહેલા જયંતિલાલ ઉર્ફે જે.બી. મકવાણા વિખ્યાત ઉદ્યોપતિ હોવા છતાં સમાજ સાથે જમીની સ્તરે જોડાયેલા હતા. આ પ્રકારનું વ્યક્તિત્વ આજના જમાનામાં મળવું અત્યંત દુર્લભ છે. ગત 4 નવેમ્બર 2024ના રોજ રાત્રે તેમને હૃદય અને મગજનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમને જૂનાગઢ ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. એક તબક્કે તેમની તબિયત સુધારા પર હતી પરંતુ 5 નવેમ્બરની સવારે તેમનું અવસાન થયું હતું. તેમની અણધારી વિદાયથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યાં જેવી સ્થિતિ પેદા થઈ છે, તો સૌરાષ્ટ્રભરમાં બહુજન ચળવળને મોટો ફટકો પડ્યો છે. તેઓ પરિવારમાં પત્ની, બે પુત્ર અને એક પુત્રી ઉપરાંત વિશાળ બહુજન સમાજને વિલાપ કરતા છોડી ગયા છે.

ગરીબ પરિવારમાં જન્મેલા જયંતિલાલ આપબળે ઉદ્યોગપતિ બન્યાં
બહુજન સમાજ માટે આજની પરિસ્થિતિમાં ઉદ્યોગસાહસિક બનવું ફરજિયાત બની ચૂક્યું છે ત્યારે દિવગંત જે.બી. મકવાણા બિઝનેસ કરવાનું સપનું જોતા બહુજન સમાજના સેંકડો યુવાનોને પ્રેરણા પુરી પાડે છે. 1 જૂન 1962ના રોજ જૂનાગઢના કેશોદના મોવાણા ગામમાં અત્યંત ગરીબ દલિત પરિવારમાં જન્મેલા જયંતિલાલ મકવાણા આપબળે ઉદ્યોગપતિ સુધીની સફર ખેડી બતાવી હતી. મોવાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેઓ સાયન્સ ભણવા માટે કેશોદની પી.વી.એમ. વિદ્યામંદિર હાઈસ્કૂલમાં દાખલ થયા હતા.

સાયન્સ લીધું પણ ભણતર પુરું ન કરી શક્યાં
જો કે ડો. આંબેડકરથી લઈને દરેક જાણીતા બહુજન મહાનાયકો સાથે થયું છે તેમ કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે જે.બી. આગળ અભ્યાસ ન કરી શક્યા અને વતન છોડીને પેટિયું રળવા માટે 1998માં કેશોદમાં રહેવા આવી ગયા. સાયન્સના વિદ્યાર્થી રહ્યાં હોવાથી દરેક બાબતમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોવાની તેમની ટેવને કારણે તેઓ સતત પ્રગતિ કરતા રહ્યાં અને ધાર્યું લક્ષ્યાંક પાર પાડ્યું. સાયન્ટિફિક દ્રષ્ટિકોણને કારણે તર્કથી વિપરિત વિચાર તેમને ગળે નહોતો ઉતરતો. દરેક મહત્વની બાબતના લાભાલાભનો વિચાર કર્યા પછી જ તેઓ તેમાં આગળ વધવું કે નહીં તે નક્કી કરતા.

ગરીબ માબાપના દીકરાએ આપબળે ઈન્ડસ્ટ્રી ઉભી કરી
કેશોદ આવ્યા બાદ તેમણે સૌથી પહેલા જે.બી. સિમેન્ટ પ્રોડક્ટ નામે કારખાનું શરૂ કરેલું. એ પછી પરિશ્રમ એન્જિનિયરીંગ વર્ક્સ શરૂ કર્યું, જે આજે સમગ્ર ભારતમાં જાણીતું છે. ઉદ્યોગજગતમાં આગળ વધીને તેમણે જે.બી. બ્લોક ટેક અને હમણાં જ આર.જે. ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરી છે, જેમાં બાયો કોલસો બનાવવામાં આવે છે. તેમનું દિમાગ સતત ઉદ્યોગોને આગળ ધપાવવા માટે વિચારતું રહેતું હતું. એટલે જ ગુજરાત, એમાં પણ સૌરાષ્ટ્રમાં તેમની ઉદ્યોગપતિ તરીકે છાપ વધુ મજબૂત બની હતી.

બહુજન સમાજને દરેક મોરચે મદદ માટે તૈયાર રહેતા
તેમનો સરળ સ્વભાવ, ઉદ્યમી, પરિશ્રમી, સતત કાર્યશીલ, કર્મનિષ્ઠ, સત્યવાદી, તર્કશીલ વ્યક્તિત્વ સૌ કોઈને આકર્ષતું હતું. સામાન્ય રીતે બહુજન સમાજના પૈસાદાર વર્ગ પર એક આરોપ કાયમી લાગતો રહ્યો છે કે, તેઓ સમાજને આર્થિક કે અન્ય કોઈપણ રીતે મદદ કરવામાં ઉણાં ઉતરે છે. પણ દિવંગત જે.બી. મકવાણા તેમાં મોટો અપવાદ હતા. તેઓ સતત કોઈને કોઈ સામાજિક કાર્યમાં આર્થિક રીતે મદદરૂપ થતા રહેતા. પછી તે બહુજન સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીને અભ્યાસ અર્થે મદદ કરવાની વાત હોય, દીકરીઓના લગ્નમાં કરિયાવર/દાન આપવાની વાત હોય, કે પછી સમાજમાં બનતા ભવનોમાં દાન કરવાની વાત હોય, તેમણે કદી પાછી પાની નહોતી કરતી.

આંબેડકરી ચળવળ સાથે આજીવન નાતો રહ્યો
દિવંગત જે.બી. મકવાણાની સૌથી મોટી ઓળખ તેમની આંબેડકરી ચળવળ સાથેનું જોડાણ હતું. વર્ષ 1998માં કેશોદમાં રહેવા આવ્યા બાદ તેઓ સૌથી પહેલા બામસેફ સાથે જોડાયા હતા. તેની સાથે તેમણે 25 વર્ષ સુધી જમીની સ્તરે કામ કર્યું હતું. તે સમયે મુવમેન્ટ ચલાવવા માટે તેમના સાથી મિત્રો સાથે તેઓ ગામડે- ગામડે જઈ લોકજાગૃતિનું કામ કરતા હતા. ફૂલે/આંબેડકરી મુવમેન્ટની  સાથે સાચી વિચારધારા ગામોગામ પહોંચે અને લોકો નિર્વ્યસની બને, ઉદ્યોગ-ધંધામાં આગળ વધે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ અંધશ્રદ્ધા નાબૂદ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા.

ઉદ્યોગપતિ હોવા છતાં બુદ્ધને કારણે સાદું જીવન જીવ્યાં
બુદ્ધ અને બુદ્ધિઝમ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાત લેવી, તેના વિશે જાણવું એ તેમનો કાયમી શોખ હતો. તેમણે ફૂલે/આંબેડકર/બૌદ્ધ સાહિત્યનું વાંચન અને ગહન અભ્યાસ કર્યો હતો. બુદ્ધના કારણે તેમણે ઉદ્યોગપતિ હોવા છતાં સાદુ જીવન જાળવી રાખ્યું હતું. તેઓ પંચશીલનું પાલન કરતા અને આજીવન બહુજન મહાનાયકોની વિચારધારાને વળગેલા રહ્યાં. બહુજન સમાજના ઉત્થાન માટે તેઓ વહેલી સવારે મોર્નિંગ વોક કર્યા બાદ કામે લાગી જતા અને છેક મોડી રાત સુધી કોઈ અંતરિયાળ ગામમાં મુવમેન્ટનું કામ પતાવીને પરત ફરતા. તેમના પરિવારે જાણે તેમને સમાજને અર્પણ કરી દીધા હોય તેવી સ્થિતિ હતી. હવે તેઓ આપણી વચ્ચે નથી, ત્યારે તેમના પુત્રો પ્રતિક અને મયૂર તથા સાસરે રહેલા તેમના દીકરી તેમણે અધૂરી છોડેલી બહુજન ચળવળની મશાલને આગળ ધપાવે એ જ દિવંગત જે.બી. મકવાણાને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ હશે.

વિશેષ માહિતીઃ ભૂપતભાઈ ચાવડા, ઉના

આ પણ વાંચોઃ નિલેશ કાથડના પુસ્તક 'સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ'ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ થશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Prakash v
    Prakash v
    સમાજરત્ન,ઉદ્યોગપતિ,વિચારધારા ના વાહક, નિરંતર કાર્યરત,સંઘર્ષકર્તા,સમાજ સુધારક, સુખ દુખ ના સાથીદાર, સાચા વિચારો નું આદાન પ્રદાન કરનાર, શૂન્ય માંથી સર્જન કરનાર,દીર્ઘ દ્રષ્ટા, જીવનભર મહા નાયકો ની વિચારધારા ને જીવંત રાખનાર..... આપનું સંઘર્ષમય જીવન અમને સદા ને માટે પ્રેરણા દાઈ બનતું રહેશે, આપમા રહેલી અપાર ઊર્જા અમ જીવન માં સદા ને માટે ધબકતી રહેશે... આપનું માનવ હિત નું ઉમદા કાર્ય હંમેશા માટે જીવંત રહેશે, આપ નથી રહ્યા અમ વચ્ચે પણ આપની જીવન પ્રણાલી સદા ને માટે યાદગાર રહેશે... આપનું ખૂબજ સરળ જીવન હજારો ના દિલ મા જળહળ તું રહેશે, જન્મ ને મૃત્યુ પ્રકૃતિ નો નિયમ છે,ફૂલ નું ખીલવુ ને મુરજાઈ જવું તે પ્રકૃતિ નો નિત્ય ક્રમ છે.... પણ આપની જીવન યાત્રા અંત સુધી,લોક હિત મા રહી, ને જીવન ના દરેક ચઢાવ-ઉતાર ને સહજતા થી નિભાવી ગયાં... આપે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ નહીં જાય, આપે કરેલ વિચારધારા નું વાવેતર સદા ને માટે ફળ પ્રદાન કરતું રહેશે.... આપના ચરણોમાં લાખ-લાખ વંદન.....
  • Punjalal Pandavadara
    Punjalal Pandavadara
    જેન્તી ભાઈ મકવાણા નું જીવન ચરિત્ર જોઈ ને ખરેખર બહુ જ પ્રેરણા મળે છે, કેવા કેવા દિવસો જોયા હશે એમણે. એક પ્રોફેસર સાહેબ મને કહેતા કે જેન્તી ભાઈ એ શૂન્ય માંથી સર્જન કર્યુ છે, અને ઇ વાત કરી'તી 2008 માં. અને 2008 પછી ની પ્રગતિ નો હું સાક્ષી છું.
    10 days ago