નિલેશ કાથડના પુસ્તક ‘સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓ’ની હિન્દી આવૃત્તિનું ઔરંગાબાદમાં લોકાર્પણ થશે
બહુજન સાહિત્યમાં સંશોધન આધારિત પુસ્તકોની અછત જોવા મળી રહી છે, ત્યારે જૂનાગઢના જાણીતા કવિ-લેખક-સંશોધક અને બહુજન સાહિત્યકાર નિલેશ કાથડના બહુચર્ચિત પુસ્તક ‘સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓ’ની હિન્દી આવૃત્તિનું ઔરંગાબાદમાં લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વાંચો આ પુસ્તકની ખાસિયતો અને કાર્યક્રમની વિગતો.
ગુજરાતના જાણીતા કવિ, લેખક, સાહિત્યકાર અને બૌદ્ધ સંશોધક નિલેશ કાથડના બહુચર્ચિત પુસ્તક ‘સૌરાષ્ટ્ર-કચ્છની બૌદ્ધ ગુફાઓ’ની હિન્દી આવૃત્તિનું લોકાર્પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદના શંભાજીનગરમાં આગામી તા. 28 જાન્યુઆરી 2024ને રવિવારના રોજ થશે.
આ પુસ્તકની ગુજરાતીમાં બહુ ઓછા સમયમાં ત્રીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે અને હવે તેની ચોથી આવૃત્તિ પ્રકાશિત થવા જઈ રહી છે. આ પુસ્તકનું મહત્વ એટલા માટે વધી જાય છે કે, કેમ કે તે ગુજરાતની વિવિધ બૌદ્ધ ગુફાઓનો એક સંશોધકની અદાથી તલસ્પર્શી અભ્યાસ રજૂ કરે છે. તેના માટે લેખક નિલેશ કાથડે ભારે જહેમત ઉઠાવી હતી અને ગુજરાતમાં આવેલી મહત્વની તમામ બૌદ્ધ ગુફાઓની જાતે મુલાકાત લઈને આખું પુસ્તક તૈયાર કર્યું છે. જાણીતા બહુજન પુસ્તક પ્રકાશક શરૂઆત પબ્લિકેશન દ્વારા તેનું પ્રકાશન કરાયું છે.
આ પુસ્તકનો હિન્દી અનુવાદ સુરતના પ્રતિભાશાળી લેખિકા ડૉ. હેતલ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો છે અને દિલ્હીના વિખ્યાત પ્રકાશન ગૃહ સમ્યક પ્રકાશને ‘સૌરાષ્ટ્ર-કચ્છ કી બૌદ્ધ ગુફાયેં’ નામથી તેને પુનઃપ્રકાશિત કર્યું છે.
આવતા રવિવારે આ પુસ્તકનું લોકાર્પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ મધ્યપ્રદેશના ગ્વાલિયરની સમાજસેવી સંસ્થા ગોપાલ કિરણ દ્વારા દેશના વિવિધ રાજ્યોમાંથી આવી રહેલા પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને કર્મશીલોની ઉપસ્થિતિમાં યોજાશે. આ પ્રસંગે GKSSS ના પ્રમુખ પ્રકાશસિંહ નીમરાજેને બહુજન સાહિત્યમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
આ પણ વાંચો : ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.