કોલંબસે નહીં, ભારતે અમેરિકાની શોધ કરી હતી: મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી

મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતના આપણા પૂર્વજોએ કરી હતી. જાણો મંત્રીજીએ બીજું શું કહ્યું.

કોલંબસે નહીં, ભારતે અમેરિકાની શોધ કરી હતી: મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી
image credit - Google images

મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે એક યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દાવો કર્યો છે કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતે અને આપણા પૂર્વજોએ કરી હતી. તેમણે એમ પણ કહ્યું છે કે ભારતની શોધ વાસ્કો દ ગામાએ નહોતી કરી અને તે આફ્રિકાના ઝાંઝીબારથી ભારતના એક નાગરિક ચંદન સાથે ભારતની યાત્રાએ આવ્યો હતો. પરમાર આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ હાજર હતા. 

કોલંબસે અમેરિકા શોધ્યું ન હતું: મંત્રી ઈન્દરસિંહ પરમાર

મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે દાવો કર્યો છે કે, “ભારતીયોને ઈતિહાસમાં ઘણા જૂઠાણા શીખવવામાં આવ્યા છે. એક જૂઠાણું એ છે કે કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાની શોધ કોલંબસે નહીં પરંતુ ભારતે કરી હતી, આપણાં પૂર્વજોએ કરી હતી.”

ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડો.મોહન યાદવની ઉપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ભારતના ઈતિહાસમાં અનેક પ્રકારની ગેરમાન્યતાઓ છે.

ભારતની શોધને લઈને પણ મંત્રીજીનો મોટો દાવો

ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “અમને શીખવવામાં આવ્યું હતું કે વાસ્કો દ ગામાએ ભારતની શોધ કરી હતી, ભારતનો દરિયાઈ માર્ગ તેણે શોધ્યો હતો. જે વિદ્વાનોએ પુસ્તકોના અભ્યાસક્રમમાં આ વાત મૂકી તેમણે જો વાસ્કો દ ગામાની આત્મકથા વાંચી અને ઈતિહાસ કહ્યો હોત તો ભારતના વિદ્યાર્થીઓ અને સમાજને તેમના પૂર્વજોએ જે કર્યું છે તેના પર ગર્વ અનુભવ્યો હોત.”

આ પણ વાંચો:  ગાંધીનગરમાં ભાજપના નેતા નકલી SC સર્ટિફિકેટ પર કોર્પોરેટર બની ગયા?

ઉચ્ચ શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “વાસ્કો ડી ગામા 1498માં ભારત આવ્યા હતા. અને કેવી રીતે આવ્યા હતા? આફ્રિકાના ઝાંઝીબાર બંદરે આપણા દેશનો ચંદન નામનો એક ગુજરાતી વેપારી હાજર હતો. વાસ્કો દ ગામાએ તેમના દુભાષિયા દ્વારા તેમને કહ્યું કે તેઓ ભારત જોવા માંગે છે. ચંદને કહ્યું, હું જાઉં છું, વહાણ મારી પાછળ લઈ લો.”

ઉચ્ચ શિક્ષણ મંત્રીએ કહ્યું કે, “વાસ્કો ડી ગામા લખે છે કે મારા જહાજ કરતા પણ મોટું જહાજ ચંદનનું હતું અને તે એક બે નહીં પરંતુ ત્રણથી ચાર ગણું મોટું હતું. ભારતના એ ચંદનના વેપારીને પગલે પગલે વાસ્કો દ ગામા ભારત આવ્યા હતા. ઈતિહાસકારોએ ભારતીય વિદ્યાર્થીઓને ખોટું શીખવ્યું કે વાસ્કો દ ગામાએ ભારત કે તેના દરિયાઈ માર્ગની શોધ કરી હતી.”

અમેરિકામાં આદિવાસી સમાજનો નાશ થયો છે: મંત્રીજી

મંત્રી ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “ભારતીય વિદ્યાર્થીઓને એ પણ શીખવવું જોઈએ કે કોલંબસ પછીના લોકોએ અમેરિકામાં કેવી રીતે અત્યાચાર કર્યા અને આદિવાસી સમાજને ખતમ કરવાનું કામ કર્યું. ત્યાંનો સમાજ પ્રકૃતિની પૂજા કરતો હતો અને સૂર્યનો ઉપાસક હતો. કેવી રીતે તેમની હત્યા કરવામાં આવી? પરંતુ કમનસીબે સાચી હકીકતો શીખવવામાં આવી નથી. તેના ઉપર, ભારતીય વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે કોલંબસે અમેરિકાની શોધ કરી.”

ભારતીયો 8મી સદીમાં અમેરિકા ગયા: ઈન્દર પરમાર

મધ્યપ્રદેશના ઉચ્ચ શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, “જો કોઈએ લખવું જ હતું તો એમ લખવું જોઈતું હતું કે ભારતના મહાન નાવિક 8મી સદીમાં ત્યાં જાય છે અને અમેરિકાના સેન્ટ ડિએગોમાં અનેક મંદિરો બનાવે છે. ત્યાંના મ્યુઝિયમમાં હજુ પણ હકીકતો લખેલી છે. હવે કોઈને શીખવવું હોય તો સાચું શીખવજો કે અમેરિકાની શોધ ભારતે કરી હતી અને આપણા પૂર્વજોએ કરી હતી. કોલંબસે અમેરિકા શોધ્યું ન હતું અને અમે ગયા તો માયા સંસ્કૃતિની સાથે મળીને અમે તેનો વિકાસ કર્યો છે.”

આ પણ વાંચો: આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.