આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ

આંધપ્રદેશના વિજયવાડામાં ગઈકાલે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ભારતમાં સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. શું છે આ પ્રતિમાની ખાસિયત અને શા માટે ભારત સહિત દુનિયાના એક પછી એક દેશોમાં બાબાસાહેબનો મોભો સતત વધતો જઈ રહ્યો છે તે સમજીએ.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
image credit - Google images

- હિદાયત પરમાર

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ ગઈકાલે ૧૯મી જાન્યુઆરીએ અહીંના વિજયવાડા જિલ્લામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જનગ મોહન સરકારે તેને  "સામાજિક ન્યાયની પ્રતિમા" કહેવાનું નક્કી કર્યું છે.

આ ઘટનાનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કેમ કે એ જ વખતે કટ્ટર જાતિવાદી રાજ્ય ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લામાં ભારતીય બંધારણના એકમાત્ર ઘડવૈયા એવા ડૉ. આંબેડકરની પ્રતિમાને અપમાનિત કરવામાં આવી હતી. ત્યારે આંધ્રપ્રદેશનો આ પ્રતિમા અનાવરણ સમારોહ સ્પષ્ટ સંદેશો આપે છે કે અસામાજિક તત્વો, જાતિવાદીઓના તેમની પ્રતિમાઓ પરના નિંદનીય હુમલાઓ છતાં ડૉ. આંબેડકરનું કદ સતત વધતુ જ રહેશે.

જમીનથી ૨૦૬ ફૂટની ઊંચાઈ પર ઉભેલી આ પ્રતિમામાં ૮૧ ફૂટના પગથિયાં અને ડૉ. આંબેડકરની ૧૨૫ ફૂટની મૂર્તિનો સમાવેશ થાય છે. તે સ્વરાજ મેદાનમાં સ્થિત છે, જે ૧૮.૮૧ એકર વિસ્તારને આવરી લે છે અને ૪૦૪.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ પ્રતિમા ૪૦૦ ટન સ્ટીલમાંથી બનાવવામાં આવી છે. બંધારણના ઘડવૈયાની વિશાળ પ્રતિમા જે સ્થળે આવી છે ત્યાં અનુભવ કેન્દ્ર, ૨૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું સંમેલન કેન્દ્ર, ફૂડ કોર્ટ, બાળકો માટે રમત-ગમતનું મેદાન, વોટર બોડીઝ, મ્યુઝિકલ ફાઉન્ટેન અને વોકવે જેવી સુવિધાઓ પણ છે.

સ્થળ પર એક પ્રભાવશાળી સભાને સંબોધતા, સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું હતું કે, “આ પ્રતિમા ૫૬ મહિનામાં અમારી સરકાર દ્વારા અનુસરવામાં આવેલ સામાજિક ન્યાયની સ્થાયી સાક્ષી છે, જે એક એવા સમાજ સુધારક અને અમર નેતાનું પ્રતિનિધિત્વ કરે છે જેમણે આ દેશના હજારો વર્ષોના સામાજિક, આર્થિક અને મહિલાઓના ઈતિહાસને બદલી નાખ્યો હતો."

આ કાર્યક્રમમાં હાઉસિંગ મિનિસ્ટર જે. રમેશ, મુખ્ય સચિવ ડૉ. કે.એસ. જવાહર રેડ્ડી, એપીએચસીના ચેરમેન શર્મિલા રેડ્ડી, એમડી લક્ષ્મી શાહ અને સ્પેશિયલ સીએસ (હાઉસિંગ) અજય જૈન હાજર રહ્યા હતા. પ્રતિમાનું ઉદ્ઘાટન એ દિવસે થયું જ્યારે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં ભારતીય બંધારણના પિતાની પ્રતિમાને અપમાન કરવામાં આવી હતી.

ડૉ. આંબેડકરનું મહત્વ દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને ન્યાયિક એમ દરેક મોરચે સતત વધી રહ્યું છે. આવું એટલા માટે કહી શકાય કેમ કે, હજુ ગયા વર્ષે જ તેલંગાણામાં ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું હતું. એ વાતને હજુ વરસ પણ નથી થયું ત્યાં તેના પડોશી રાજ્યમાં તેનાથી પણ ઊંચી બાબાસાહેબની મૂર્તિ બની છે. તેલંગાણામાં આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા 125 ફૂટ ઊંચી હતી, જેનું 14મી એપ્રિલ 2023ના રોજ અનાવરણ કરવામાં આવ્યું હતું. તેના થોડા મહિનાઓ બાદ ભારત બહાર બાબાસાહેબની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ 14મી ઓક્ટોબર 2023ના રોજ અમેરિકામાં વૉશિંગ્ટનના ઉપનગર મેરીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. તેના બીજા જ મહિને તા. 26મી નવેમ્બર 2023ને બંધારણ દિવસના રોજ ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ બાબાસાહેબની પ્રતિમા મૂકવામાં આવી હતી જેની લાંબા સમયથી માંગણી કરાઈ રહી હતી.

આંધ્રપ્રદેશમાં જો કે, પ્રતિમાના ઉદ્ઘાટન પહેલા, વાયએસઆર કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું હતું. બાદમાંના સમર્થકોએ દાવો કર્યો કે આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ તેમના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટ માટે રૂ. ૧૦૦ કરોડની રકમ ફાળવી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ૨૦૧૭માં રાજ્યની રાજધાની અમરાવતીમાં ૧૦૦ કરોડના આંબેડકર પાર્ક માટે શિલાન્યાસ કર્યો હતો; જો કે, તેમના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો હતો. બાદમાં જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી બનતા તેમણે ૨૦૨૧માં ફરી આ પ્રોજેક્ટની જાહેરાત કરી અને ડિસેમ્બર ૨૦૨૧માં કામ શરૂ કર્યું.

જગન મોહને ભવ્ય પ્રોજેક્ટ માટે વિજયવાડાની પસંદગી કરી અને પ્રતિમાને ‘સામાજિક ન્યાયની પ્રતિમા’ નામ આપ્યું. તેમણે ટીકા કરી હતી કે, જેમ અમેરિકા વિશે વિચારીએ ત્યારે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મનમાં આવે છે, તેવી જ રીતે હવેથી વિજયવાડા વિશે વિચારતા જ લોકોને સૌથી પહેલા ‘સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ’ યાદ આવશે. ઉલ્લેખનીય છે કે, વિજયવાડા આંધ્ર પ્રદેશનું બીજું સૌથી મોટું શહેર છે જે કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. અહીં ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ થવું તે સ્પષ્ટ કરે છે કે, ભારતનો એકેય રાજકારણી આ મહાનાયકની અવગણના કરી શકે તેમ નથી. જો કે એ વાત પણ સમજવી જરૂરી છે કે, બાબાસાહેબની સૌથી ઊંચી પ્રતિમાઓ બનાવડાવતા નેતાઓ, રાજકારણીઓ જ્યારે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતીઓના બંધારણીય હકોની વાત આવે ત્યારે ફરી જતા હોય છે. બાબાસાહેબને માનતો વર્ગ હવે તેમની મસમોટી પ્રતિમાઓ નહીં પરંતુ રોટી, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ અને ન્યાય ઝંખે છે અને નેતાઓ તે આપવામાં કાયમ આડોડાઈ કરે છે.

(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર એન્જિનિયર અને બહુજન સમાજના પ્રશ્નો પ્રત્યે જાગૃત નાગરિક છે.)

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પરિસરમાં લાગી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું અનાવરણ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.