હાર્ટ એટેકથી મોતને ભેટેલા પોલીસકર્મી માટે પોલીસે 7.25 લાખ એકઠા કર્યા
અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું હૃદય રોગના કારણે અકાળે અવસાન થતા પોલીસ કર્મચારી અને અધિકારીઓ વ્હારે આવ્યા.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસની છાપ સામાન્ય માણસમાં જરા પણ સારી નથી. પોલીસનું નામ પડતા જ લોકો તેમના પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે. પણ હમણાં અમદાવાદમાં પોલીસનું એક અલગ સ્વરૂપ જોવા મળ્યું.
ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ચનાભાઈ સોલંકીનું ગત 27 એપ્રિલ 2024ના રોજ હૃદય રોગના કારણે અકાળે અવસાન થયુ હતું. જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન- 5 બળદેવ દેસાઈ દ્વારા અરવિંદભાઈના પરિવારને શક્ય તેટલી આર્થિક મદદ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને ઝોન - 5 હસ્તકના પોલીસ સ્ટેશન તેમજ વિશેષ કરીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ કર્મચારી અને અધિકારીઓએ કુલ રૂપિયા 7,25,000 ની આર્થિક મદદ કરી છે. જે રકમ નાયબ પોલીસ કમિશનર ઝોન -5 બળદેવ દેસાઈના હસ્તે અરવિંદભાઈના ઘરે જઈ અને તેમના પત્ની અને પિતાજીને આપી હતી.
અરવિંદભાઈનો પુત્ર ખોખરામાં આવેલી જય સોમનાથ સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. ખોખરાના પીઆઈ એન.કે રબારી દ્વારા તે શાળાના ટ્રસ્ટીઓને મળીને અરવિંદભાઈના પુત્રની ધોરણ 12 સુધીની અડધી ફી કરાવી આપી છે અને એ ભરવાની જવાબદારી તેમણે જાતે ઉપાડી લીધી છે. આ સિવાય પણ કોઈ મદદની જરૂર પડે તો તેના માટ નિ:સંકોચ સંપર્ક કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો: જય ભીમ ડૉનર ક્લબનું ઉમદા કાર્ય, ગરીબ પરિવારની દીકરીની રૂ. 25 હજાર શિક્ષણ ફી ભરી આપી