જય ભીમ ડૉનર ક્લબનું ઉમદા કાર્ય, ગરીબ પરિવારની દીકરીની રૂ. 25 હજાર શિક્ષણ ફી ભરી આપી
બહુજન સમાજ પર એક આરોપ કાયમ લાગતો રહ્યો છે કે, આર્થિક મદદ કરવાની વાત આવે ત્યારે તે કદી આગળ આવતો નથી. મહદઅંશે આ વાત સાચી હશે, પણ અમદાવાદની જય ભીમ ડૉનર ક્લબ આ આરોપોને કાયમ ખોટો પાડવા માટે જાણીતી છે. આ રહ્યો તેનો વધુ એક પુરાવો.
અમદાવાદમાં આવેલી જય ભીમ ડૉનર ક્લબ તેની સુંદર સમાજલક્ષી કામગીરીને લઈને પ્રખ્યાત છે. બહુજન સમાજના જરૂરિયાતમંદ લોકોને તેમની આ કામગીરીનો લાભ સતત મળતો રહ્યો છે, ત્યારે ફરી એકવાર આ ક્લબના ઉમદા સેવાકાર્યની સુવાસ ફેલાઈ છે. જેમાં તેણે એક જરૂરિયાતમંદ પરિવારની ભણવામાં હોંશિયાર દીકરીની ફી ફરી આપી છે.
મહેસાણા જિલ્લાના ઊંઝામાં રહેતી દીકરી જૉલી પરમાર ભણવામાં હોંશિયાર છે અને હાલ મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેન્ક ઓફ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. તેના માતાપિતા કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, એવામાં દીકરી જૉલીના શિક્ષણની ફી ભરી શકાય તેવી સ્થિતિ નહોતી. આ મામલો જય ભીમ ડૉનર ક્લબ સુધી પહોંચ્યો હતો અને ક્લબના સભ્યો તરત કામે લાગી ગયા હતા.
ગાંધીનગર સચિવાલયમાં અન્ડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા પિયુષ રાજવંશીએ આ મામલે ધ્યાન દોરતા જય ભીમ ડૉનર ક્લબના એડમિન રવિભાઈએ ક્લબના સભ્ય ચંદ્રભાઈ બારોટને જાતતપાસ માટે જૉલીના ઘરે મોકલ્યા હતા. ચંદ્રભાઈને રૂબરૂ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, દીકરી જૉલીના પરિવારની આર્થિક સ્થિતિ સાનુકૂળ નથી. તેના માતાપિતા કડિયાકામ કરતા હોવા છતાં ત્રણ દીકરીઓ અને ધોરણ 10માં રહેલા એક દીકરાના ભણતરનો ખર્ચ ઉપાડે છે. જો કે જૉલીની નર્સિંગની ફી તેઓ ભરી શકે તેમ નહોતા અને ફી ન ભરાય તો દીકરીનું આગળનું ભણતર અટકી પડે તેમ હતું. આ તમામ બાબતોની ખરાઈ કર્યા પછી જય ભીમ ડૉનર ક્લબના સભ્યોએ જૉલીને મદદ કરવાનું નક્કી કર્યું હતું.
એ પછી તા. 9 જાન્યુઆરીના રોજ ક્લબના સભ્યો ચંદ્રભાઈ બારોટ, નાગરાજભાઈ સુવાતર, શહીદવીર ભાનુભાઈના ધર્મપત્ની ઈન્દુબેન, રજનીકાંતભાઈ મેઉવા, ચમનભાઈ સોલંકી, છગનભાઈ સોલંકી, ઉર્વેશ જાસકીયા, મેહુલ પરમાર અને ગૌતમ પરમારે દીકરી જૉલીના ઘેર જઈને તેને રૂ. 25,000ની મદદ કરી હતી. આ સમયે જૉલીના દાદા-દાદી ભારે લાગણીશીલ બની ગયા હતા અને જય ભીમ ડૉનર ક્લબની આ ઉમદા કામગીરીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા. સાથે જ તેમની પૌત્રી જૉલી પણ ભણીગણીને આગળ જતા પે બેક ટુ સોસાયટીના આ ઉમદા કાર્યમાં તેમની સાથે જોડાશે તેવી હૈયાધારણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે જય ભીમ ડૉનર ક્લબના સભ્યો દર મહિને પોતાની અંગત આવકમાંથી અમુક રકમ સામાજિક કાર્યો માટે ફાળવે છે. ક્લબની આ કામગીરીનો લાભ અત્યાર સુધીમાં બહુજન સમાજના અનેક ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મળ્યો છે.
આ ક્લબના સભ્યોમાં રવિ મહેતા, નાગરાજ સુવાતર, એસ.વી. સોલંકી, મિલિન્દ બૌદ્ધ, દિપેશ રેવર, ઉમેશ પરમાર, રાકેશ સોલંકી, હાર્દિક સોલંકી, ભરત મંજુલાબહેન, ડૉ. પ્રશાંત જાદવ અને બિપિન ખંડવીનો સમાવેશ થાય છે. આ તમામ મિત્રો ડૉ. બાબાસાહેબ આંબેડકરના મિશનને બરાબર સમજીને તેને આગળ ધપાવી રહ્યાં છે, જેના માટે તેઓ સૌ અભિનંદનને પાત્ર છે.
આ પણ વાંચો : JAI BHIM Donors Clubની જય હો! NEETની તૈયાર કરતા ગરીબ વિદ્યાર્થીની ફી ભરી આપી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.