ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનો મામલો ઉગ્ર બન્યો, 16 જાન્યુઆરીએ અમદાવાદમાં જંગી દેખાવો

અમદાવાદના રાણીપ ખાતે આવેલા ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના અધૂરાં કામો છેલ્લાં 15 વર્ષ કરતા વધુ સમયથી અધુરાં પડ્યાં છે. આ મામલે સરકારને અનેક રજૂઆતો પછી પણ કોઈ પ્રગતિ ન જણાતા આખરે બહુજન સમાજના આગેવાનો લડતના માર્ગે વળ્યાં છે.

ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનો મામલો ઉગ્ર બન્યો, 16 જાન્યુઆરીએ અમદાવાદમાં જંગી દેખાવો

અમદાવાદના રાણીપ ખાતે આવેલા ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના દોઢ દાયકાથી અધુરાં પડેલાં અનેક કાર્યોને લઈને હવે બહુજન આગેવાનો આર યા પારની લડતના મૂડમાં આવી ગયા છે.  આ માટે નિમવામાં આવેલી ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ લડત સમિતિએ આગામી તા. 16મી જાન્યુઆરીના રોજ અમદાવાદ સુભાષ બ્રીજ ખાતે આવેલી કલેક્ટર કચેરીએ સવારે 12 થી બપોરના 2 વાગ્યા સુધી જંગી દેખાવો અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં બહુજન આગેવાનો, સામાજિક કાર્યકરો, સ્વયંસેવકો, ચળવળકારો, યુવાનો અને મહિલાઓ ઉમટી પડશે.

આંદોલન સમિતિના આગેવાનોની માગણીઓ એકદમ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે, ડૉ. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું ઉદ્ઘાટન વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. એ વખતે અહીં રૂ. 5 કરોડ જેવી માતબર રકમ ખર્ચીને ફોટો-મલ્ટિમીડિયા ગેલેરી, ચલચિત્ર અને મ્યૂઝિક વિભાગ, ઈ લાઈબ્રેરી, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ઍરકન્ડિશનર ઓડિટોરિયમ, ગેસ્ટ હાઉસ અને આધુનિક ઓપન ઍર થિયેટર તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ વાતને આજકાલ કરતા 15 વર્ષ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા આ કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. સરકારને અનેક વાર રજૂઆતો કરી છે છતાં કામોમાં કોઈ પ્રગતિ જણાતી નથી તેથી ત્યારે આ મામલે લડત આપવી જરૂરી બની છે.

લડત સમિતિના એક સભ્યે જણાવ્યું હતું કે, પી.કે. ગઢવી સાહેબ જ્યારે નિયામક હતા ત્યારે તત્કાલિન કેબિનેટ મંત્રી ફકીરભાઈ વાઘેલાએ તેમને ડૉ. બાબાસાહેબના નાગપુર અને મુંબઈ ખાતે આવેલા મ્યુઝિયમની ડિઝાઈન અને ફોટોગ્રાફ્સ લેવા માટે મોકલ્યા હતા. અમે નાગપુર, મુંબઈ અને ચિંચોલીની મુલાકાત લઈને ત્યાંના મ્યુઝિયમની વિગતો લઈને સરકારને આપી હતી. તેને પણ આજે 12 વર્ષ વીતી ગયા છે, છતાં લેશમાત્ર કામ થયું નથી. છેલ્લાં એક વર્ષથી ચોતરફ રજૂઆતો થઈ રહી છે પણ પરિણામ કશું આવતું નથી. આથી હવે ધારદાર રજૂઆતો સાથે આ લડત ઉપાડી લેવી જરૂરી છે.

12 દિવસ પહેલા જ રાણીપ ખાતે આગેવાનો એકઠાં થયા હતા

અહીં એ યાદ રાખવું જોઈએ કે ગત તા. 31 ડિસેમ્બરના રોજ જ ફાઉન્ડેશન ખાતે નિવૃત્ત નાયબ કલેક્ટર અશોક વાણિયાના પ્રમુખસ્થાને એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.આંબેડકર વિચાર મંચ રાણીપના કન્વીનર જે. સી.પરમારે સ્થાનિક રીતે કરવામાં આવેલ તમામ રજૂઆતોની વિસ્તારથી માહિતી આપી હતી. ત્યારબાદ મિટિંગના મુખ્ય આયોજક દીક્ષાદૂત આનંદે આગામી લડતના કાર્યક્રમોની વિગતો આપી હતી. જેમાં અમદાવાદથી ગાંધીનગર સુધીની લોંગમાર્ચ, અમદાવાદના તમામ વોર્ડમાં સભાઓ, ધરણાં, દેખાવો, સૂત્રોચ્ચાર, અનુ.જાતિના મંત્રીઓના કાર્યક્રમોનો બહિષ્કાર, અનુ.જાતિ ના MP -MLAના નિવાસે એક દિવસીય ધરણાં, ધિક્કાર સભાઓ, પોસ્ટર, પત્રિકાઓ, વોલ રાઈટિંગ, વાહન રેલી, જિલ્લા - તાલુકા મથકોએ આવેદન પત્રો આપવા, પોસ્ટર ઝુંબેશ જેવા કાર્યક્રમોનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત 16મી જાન્યુઆરી આ કાર્યક્રમથી શરૂ થશે.

આ પણ વાંચો : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.