ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી
બહુજન સમાજના યુવાનો માટે સરકારી નોકરી મેળવવી હવે જાણે સપના જેવી વાત બનતી જઈ રહી છે. એક આરટીઆઈમાં મળેલી જાણકારી પ્રમાણે રાજ્યના વિવિધ વિભાગોમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજની 48 હજાર કરતા વધુ નોકરીઓ ખાલી પડી છે, છતાં ભરતી થતી નથી.
એકબાજુ રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણી કરીને લાખો રોજગારીઓ ઉભી કરી હોવાના દાવાઓ કરી રહી છે, બીજી તરફ રાજ્યમાં દલિત, આદિવાસી અને ઓબીસીની 48 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં સરકારી ભરતીઓમાં ગોટાળાઓ, ખાનગીકરણને પ્રોત્સાહન વગેરેના કારણે મહેનત કરીને પોતાનું ભાવિ ઉજ્જવળ કરવા મથતા દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનોના ભાવિ સાથે સરકાર ચેડાં કરી રહી હોવાની લાગણી તીવ્ર બની રહી છે. સરકાર સમયસર ભરતી કરતી નથી જેના કારણે સેંકડો મહેનતુ યુવાનો ઉંમર વટાવી ચૂક્યાં છે અને સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને આ યુવાનોના બંધારણીય હકો સાથે રમત કરી રહી છે. આશ્ચર્યજનક રીતે આ મામલે સૌ કોઈ ચૂપ છે. સત્તાધારીઓના પાપે આ વિદ્યાર્થીઓએ મહામહેનતે મેળવેલી ડિગ્રીઓ કાગળનો ટુકડો બનીને રહી ગઈ છે.
અમદાવાદના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે કરેલી એક આરટીઆઈમાં મળેલી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના કુલ 26 વિભાગો, 33 જીલ્લા પંચાયતો, 250 તાલુકા પંચાયતો, 08 મહા નગરપાલિકા, 159 નગરપાલિકા, સરકારી નિગમો, રાજ્યની કોર્ટો, પોલીસ તંત્ર, સરકારી દવાખાનાઓ અને રાજ્યના કુલ ગામો 18584 પૈકીની 14017 ગ્રામ પંચાયતોમાં હાલની સ્થિતિએ SC, ST અને OBC સમાજની 48 હજાર કરતા વધુ નોકરીઓ ખાલી પડી છે.
ત્યારે આ મામલે રાજ્ય સરકારે બંધારણના આર્ટિકલ 15(4)(5), 16(4) હેઠળની બંધારણીય જોગવાઈઓ અનુસાર અનામત નીતિ નક્કી કરી તાત્કાલિક આ જગ્યાઓ ભરવી જોઈએ તેવી માંગ ઉઠી છે. એક બાજુ આ સમાજના લાખો બેકાર યુવાનો નોકરીની રાહમાં છે, બીજી તરફ રાજ્ય સરકાર વિવિધ સરકારી વિભાગોમાં યેનકેન પ્રકારે તેમની અનામત મુજબ ભરતી કરવાનું ટાળતી રહી છે, પરિણામે આ સમાજના યુવાનોને મળેલા અનામતના બંધારણીય અધિકારનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.
રાજ્યમાં સરકારી કચેરીઓમાં 40 થી 60 ટકા સ્ટાફની ઘટ
હાલમાં જ સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ વિભાગોમાં 40 થી 60 ટકા સ્ટાફની ઘટ છે. જૂની વસ્તીને ગણીએ તો પણ 2 લાખ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને નવી વસ્તીનો અંદાજ લગાવીએ તો 4 થી 5 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે.
તેમ છતાં સરકારી ભરતીઓ કરવામાં આવતી નથી. હાલ રાજ્ય સરકારના મોટાભાગના વિભાગોમાં અધિકારીઓ પાસે એકથી વિભાગની જવાબદારીઓ છે, અનેક વિભાગોમાં ઈન ચાર્જ અધિકારીઓથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. નિવૃત્ત અધિકારીઓને ફરી ફરી નોકરીઓ પર રાખવામાં આવે છે. જે જગ્યાઓ ભરાય છે તે આઉટ સોર્સિંગ, કરાર આધારિત, કોન્ટ્રાકટ પર અને રોજમદાર તરીકે ભરાય છે. જેમાં કર્મચારીનું ભયંકર શોષણ થાય છે. તેમના હકનો પગાર કોન્ટ્રાક્ટરો મલાઈ તરીકે ખાઈ જાય છે અને કર્મચારી તરીકે તેમના ભવિષ્યની કોઈ સુરક્ષા રહેતી નથી. સત્તા પક્ષના મળતિયા કોન્ટ્રાક્ટરો ઠેકો આપવામાં આવે છે અને તેમની કંપનીઓ કર્મચારીઓને અડધા કરતા પણ ઓછા પગારે નોકરીએ રાખે છે, જે આ સમાજને મળેલી અનામતની બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે અને સમાન કામ, સમાન વેતનની પણ વિરુદ્ધ છે.
મહારાષ્ટ્રની ભાજપ સરકારે કરાર આધારિત ભરતીઓ બંધ કરી છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મહારાષ્ટ્રમાં નવનિયુક્ત શિંદે સરકારે કરાર આધારિત સરકારી ભરતીઓ બંધ કરીને પુરા પગારની કાયમી નોકરીઓ આપવાનું શરૂ કર્યું છે. ઓક્ટોબર 2022માં ખુદ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેની જાહેરાત કરી હતી. ત્યાં ભાજપ-એકનાથ શિંદેની શિવસેનાની જોડાણવાળી સરકાર છે અને ગુજરાતમાં તો છેક 1995 પછીથી ભાજપની જ સરકાર છે, છતાં બંને રાજ્યોમાં જુદા જુદા નિયમો પ્રવર્તે છે. ગુજરાતમાં છેક 2006થી સરકારી ભરતીઓમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ શરૂ થઈ હતી, જે હવે કાયમી બની ગઈ છે. એવામાં બહુજન સમાજના યુવાનો માટે સરકારી નોકરી મેળવી એક સપનાં સમાન બની ગયું છે. અનામતનો બેકલોગ ભરવામાં આવતો નથી. લાખો બહુજન યુવાનો સરકારી નોકરીની રાહમાં છે અને તેમના બંધારણીય હકો, અધિકારીઓનો ભંગ થઈ રહ્યો હોવા છતાં કશું કરી શકતા નથી. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ઉકળતા ચરૂ જેવા આ મામલે સરકાર શું સ્ટેન્ડ લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Bilkis Bano case ના આરોપીઓએ ફરી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને પલટાવ્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.