'જેલોમાં ચાલતો જાતિવાદ' બંધ થશે, કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો
નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એ બાબતોનું પાલન કરવાનું રહેશે કે કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જેલોમાં ભેદભાવ અને કેદીઓની જાતિના આધારે થતા વર્ગીકરણને રોકવા માટે જેલ નિયમોમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે કેદીઓ સાથે થતા કોઈપણ જાતિ આધારિત ભેદભાવને ઉકેલવા માટે "આદર્શ જેલ નિયમો 2016" અને "આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ, 2023" માં સુધારો કરવામાં આવ્યો છે.
કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ અંગે સુપ્રીમ કોર્ટના 3 ઓક્ટોબર, 2024ના આદેશને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. જેલના નિયમોમાં કરાયેલા નવા સુધારા મુજબ જેલ સત્તાવાળાઓએ કડક રીતે એનું પાલન કરવાનું રહેશે કે કોઈપણ કેદી સાથે તેની જાતિના આધારે ભેદભાવ, વર્ગીકરણ કે વિભાજન ન થાય.
તેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલમાં કોઈપણ ફરજ અથવા કામની ફાળવણીમાં કેદીઓ સાથે તેમની જાતિના આધારે કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવામાં આવશે. આદર્શ જેલ અને સુધારણા સેવા અધિનિયમ 2023માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કલમ 55(A) તરીકે નવું શીર્ષક 'જેલો અને સુધારણા ગૃહોમાં જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ' ઉમેરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે "મેન્યુઅલ સ્કેવેન્જર્સની કામગીરી પર પ્રતિબંધ અને તેના પુનર્વસન અધિનિયમ 2013" ની જોગવાઈઓ જેલો અને સુધારાત્મક સંસ્થાઓમાં પણ બંધનકર્તા રહેશે. જેમાં કહેવામાં આવ્યું છે કે, "જેલની અંદર હાથથી મેલું સાફ કરવાની કે ગટરની સફાઈ કરવા જેવા જોખમી કામો માટેની મંજૂરી આપવામાં આવશે નહીં."
આ પણ વાંચોઃ જેલમાં પણ જાતિવાદ : દલિતો સફાઈ કરે, સવર્ણો રસોઈ બનાવે
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના અધિકારક્ષેત્રમાં રીઢા ગુનેગારો માટેના કાયદાનો અમલ કર્યો નથી અને વિવિધ રાજ્યોના ઉપલબ્ધ આવા કાયદાની વ્યાખ્યા તપાસ્યા બાદ આદર્શ જેલ નિયમાવલી 2016 અને આદર્શ જેલ અને સુધારાત્મક સેવા અધિનિયમ, 2023માં 'હેબિચ્યુઅલ ઓફેન્ડર એક્ટ'ની હાલની વ્યાખ્યા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં "રીઢા ગુનેગારો" વિશે પણ નિર્દેશો આપ્યા હતા અને કહ્યું હતું કે જેલ નિયમાવલી અને આદર્શ જેલ નિયમાવલી સંબંધિત રાજ્ય વિધાનસભાઓ દ્વારા ઘડવામાં આવેલા કાયદા મુજબની "રીઢા ગુનેગારો" ની વ્યાખ્યા મુજબ હશે. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે જો રાજ્યમાં આવો કાયદો નથી, તો કેન્દ્ર અને રાજ્ય સરકારો ત્રણ મહિનાની અંદર પોતાના નિર્ણયને અનુરૂપ નિયમાવલી અને નિયમોમાં જરૂરી ફેરફારો કરશે.
ઉલ્લેખનીય છે કે એક ડઝન રાજ્યોની જેલ નિયમાવલીઓમાં જાતિ આધારિત ભેદભાવપૂર્ણ જોગવાઈઓ હતી, જેમાં જાતિના આધારે કેદીઓને અલગ બેરેકમાં રાખવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલના એ નિયમોને "ગેરબંધારણીય" જાહેર કર્યા હતા જેમાં માત્ર કથિત ઉચ્ચ જાતિના કેદીઓને જ જમવાનું બનાવવાનો, અનુસૂચિત જાતિઓ, ખાસ કરીને સફાઈ કામદારોએ શૌચાલય સાફ કરવા પડશે અને અન્ય જનજાતિઓ તથા રીઢા ગુનેગારો વિરુદ્ધ જાતિના આધારે ભેદભાવ કરવામાં આવતો હતો.
આ પણ વાંચોઃ શું જેલોમાં પણ થાય છે જાતિ આધારિત ભેદભાવ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યો પાસે માંગ્યો જવાબ