રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવી 9 મહાનગરપાલિકાને મંજૂરી અપાઈ છે. આ સાથે જ રાજયમાં મહાનગરપાલિકાની સંખ્યા 8 થી વધીને 17ની થઈ ગઈ. 

રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો
image credit - Google images

વર્ષ 2025ના પ્રથમ દિવસે રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી રાજયમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 8 હતી તે વધીને હવે 17 થઈ છે. સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ આજે સંતોષાઈ હોવાનું સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને બહાલી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, ગાંધીધામ, પોરબંદર-છાયા, નવસારી અને વાપી એમ કુલ નવ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, રાજ્ય સરકાર દ્વારા આ નવ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓને તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા જે નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણાં લાંબા સમયથી આ તમામ નગરોના નાગરિકોની માગ હતી, જે હવે પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.  

હાલમાં રાજ્યમાં આઠ મહાનગરપાલિકા કાર્યરત છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાતાં હવે મહાપાલિકાઓની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

કઈ મહાનગરપાલિકામાં ક્યા ક્યા વિસ્તારનો સમાવેશ કરાયો?

રાજ્ય સરકાર દ્વારા નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, તેમાં આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ, પોરબંદર, નવસારી અને વાપી મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા આ નવ નગરપાલિકાને મહાપાલિકા બનાવાઇ છે. ત્યારે આ મહાપાલિકાઓમા જે તે નગરપાલિકા વિસ્તારની સાથોસાથ આસપાસની ગ્રામ પંચાયત વિસ્તારોની સમાવેશ કરાયો છે. નવી બનેલી મહાપાલિકામાં ક્યાં વિસ્તારોનો સમાવેશ કરાયો છે તે અત્રે પ્રસ્તુત છે.  

આણંદ મહાનગરપાલિકા

રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર આણંદ મહાપાલિકામાં આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા ઉપરાંત મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો કરાયો છે. આમ આણંદ મહાપાલિકામાં ત્રણ નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે.

નડિયાદ મહાનગરપાલિકા

રાજ્યમંત્રી મંડળના નિર્ણય મુજબ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ નડિયાદ મહાપાલિકા વિસ્તારમાં એક નગરપાલિકા અને 10 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહેસાણા મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી મુજબ મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહેસાણા નગરપાલિકા ઉપરાંત રામોસણા નોટિફાઈડ એરિયા (એનએ) વિસ્તાર તેમજ રામોસણા, ફતેપુરા, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ મહેસાણા મહાપાલિકામાં એક નગરપાલિકા, એક નોટિફાઇડ એરિયા, આઠ ગ્રામ પંચાયતો અને છ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત સુરેન્દ્રનગર મહાપાલિકા વિસ્તારમાં સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો છે. આમ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક નગરપાલિકા અને પાંચ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોરબી મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા-વનાળિયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે. આમ મોરબી મહાપાલિકામાં એક નગરપાલિકા અને નવ ગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીધામ મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત ગાંધીધામ મહાપાલિકા વિસ્તારમાં ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ ગાંધીધામ મહાપાલિકામાં એક નગરપાલિકા અને છ ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પોરબંદર મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત પોરબંદર મહાપાલિકા વિસ્તારમાં પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા(વિરપુર), દિગ્વિજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ પોરબંદર મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

નવસારી મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત નવસારી મહાપાલિકા વિસ્તારમાં નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ નવસારી મહાપાલિકામાં એક નગરપાલિકા અને ચાર ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

વાપી મહાનગરપાલિકા

રાજ્ય સરકારની કેબિનેટમાં અપાયેલી મંજૂરી અંતર્ગત વાપી મહાપાલિકામાં વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે. આમ વાપી મહાપાલિકામાં એક નગરપાલિકા અને 11 ગ્રામ પંચાયત વિસ્તારોનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.