ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં ગાયને રાજ્યમાતા જાહેર કરતું બિલ લાવશે
વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે, કોંગ્રેસ ગાયને રાજ્યમાતા જાહેર કરતું બિલ લાવશે.

વિચારધારાની રીતે ભાજપ અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુઓ છે તેવું રાજકીય નિષ્ણાતો કહેતા રહે છે, પણ હવે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની તર્જ પર હવે રાજકીય લાભ ખાટવા અને હિંદુ મતદારોને લલચાવવા માટે ગુજરાત કોંગ્રેસે પણ હિંદુત્વનો માર્ગ અપનાવતા ગાયને રાજ્યમાતા જાહેર કરવા વિધાનસભામાં બિલ લાવવાની જાહેરાત કરી છે.
ગૌ માતા રાષ્ટ્ર માતા અભિયાન અંતર્ગત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું અમદાવાદમાં આગમન થયું છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે તેમ જણાવ્યું છે.
સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે “ગૌ માતા રાષ્ટ્રમાતા અભિયાન” અંતર્ગત ગાયને પશુ સૂચિમાંથી હટાવી રાષ્ટ્રીય દરજ્જો અપાવવાના ધ્યેય સાથે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સાથે દેશભરમાંથી સાધુ સંતો,
ધર્મગુરુઓ અમદાવાદ આવ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ શંકરાચાર્યજીની ગૌ માતાને રાજ્ય માતા ઘોષિત કરવાની વાતને સમર્થન આપે છે અને આવનારા વિધાનસભા સત્રની અંદર તેના માટે બિલ પણ લાવશે.
અગાઉ બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે, “હું જ્યારે ચૂંટણી લડતી હતી તે વખતે જ મેં શંકરાચાર્ય સમક્ષ સંકલ્પ કર્યો હતો કે જો હું ચૂંટણી જીતીશ તો સંસદમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સમગ્ર દેશને આહ્વાન કરીશ, સમગ્ર દેશમાં સૌથી વધારે પાંજરાપોળ એ બનાસકાંઠા વિસ્તારમાં આવેલી છે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા મારું સંપૂર્ણ સમર્થન રહેશે.”
ઉલ્લેખનીય છે કે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માગણી સાથે શંકરાચાર્ય યાત્રા પર નીકળ્યા છે અને તેમણે અમદાવાદના સોલા ભાગવત ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક મોટા નેતાઓ જેમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર, અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ, પૂર્વ મંત્રી બીમલ શાહ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, બળદેવજી ઠાકોર, ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. જીતુ પટેલ, અગ્રણી રાજુભાઈ જોશી, ડામરાજી રાજગોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલ તથા પ્રવક્તા પ્રગતિ આહીર, સોશિયલ મીડિયા ચેરમેન ભૂમન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ હાજર રહીને ગૌમાતા રાષ્ટ્ર માતાનો ઉદ્ઘોષ કર્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની શિંદે સરકારે દેશી ગાયને રાજમાતા-ગૌમાતાનો દરજ્જો આપ્યો