વડોદરામાં ચિઠ્ઠીવાળા બાબાને સુથારીકામ કરતા યુવાને પરસેવો છોડાવી દીધો, વીડિયો વાયરલ

એક નાગરિક તરીકે તમે જો થોડા પણ જાગૃત હો તો કહેવાતા બાબાઓના શરણે જવાની જરૂર ન પડે. ઉલટાના તમે તર્કબદ્ધ દલિલોથી તેને પડકારી શકો. આવું જ કંઈક હાલ વડોદરામાં બની ગયું.

વડોદરામાં ચિઠ્ઠીવાળા બાબાને સુથારીકામ કરતા યુવાને પરસેવો છોડાવી દીધો, વીડિયો વાયરલ

એક નાગરિક તરીકે તમે જો થોડા પણ જાગૃત હો તો કહેવાતા બાબાઓના શરણે જવાની જરૂર ન પડે. ઉલટાના તમે તર્કબદ્ધ દલિલોથી તેને પડકારી શકો. આવું જ કંઈક હાલ વડોદરામાં બની ગયું. અહીં મધ્ય પ્રદેશના એક બાબાએ પોતાનો કથિત દિવ્ય દરબાર લગાવ્યો હતો. બાબા ભક્તોની ચિઠ્ઠી ખેંચી તેમના દુઃખ દૂર કરવાનો દાવો કરતા હતા. આ દરબારની પુર્ણાહૂતિના દિવસે એક ભક્તે બાબાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. જેમાં બાબા બરાબરના ભેરવાઈ ગયા હતા. બન્યું હતું એવું કે ભક્તે બાબાને પોતાનું અને પિતાજીનું સાચું નામ બતાવવા પડકાર ફેંક્યો હતો. પણ બાબાએ કરી શક્યા નહોતા. એ પછી બાબા અને ભક્ત વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

શું હતો મામલો? 

બાબા બાગેશ્વરની સફળતાને પગલે તેમના જેવા એક અન્ય બાબાએ વડોદરામાં પોતાનો કથિત દિવ્ય દરબાર ભર્યો હતો. બાબાનું નામ આદર્શકૃષ્ણ શાસ્ત્રી હતું. મધ્યપ્રદેશના સિદ્ધેશ્વરધામ સરકારના આ બાબા ચિઠ્ઠી કાઢી લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરે છે. વડોદરાના છેવાડે સેવાસી પાસેના એક ફાર્મમાં તા. 17-18 ફેબ્રુઆરીના રોજ તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની પૂર્ણાહુતિના દિવસે એક યુવાન બાબાના દરબારમાં પહોંચી ગયો હતો અને તેણે શાસ્ત્રી સમક્ષ બેસી જઈને પોતાનું તથા પિતાનું નામ કહી બતાવવાનો પડકાર ફેંક્યો હતો. અચાનક આવી ચડેલા આ યુવાનની ચેલેન્જથી બાબા ગેંગેફેંફે થઈ ગયા હતા. અને ચેલેન્જ કરનારને તેનું અને તેના પિતાનું નામ જણાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. એ પછી બાબા અને યુવાન વચ્ચે ભારે દલીલો થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ દિવ્ય દરબારમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. પણ સુથારી કામ કરતાં ભક્ત અને બાબા વચ્ચે ચાલેલી પાંચેક મિનિટની ઉગ્ર દલીલો અને બોલાચાલીનો વીડિયો વાયરલ થતા લોકોને તેમાં રસ પડ્યો હતો. ભાજપના નેતા ડો હિતેન્દ્ર પટેલ, નિલેશકુમાર સોલંકી અને રવિકુમાર સોલંકીએ આ દિવ્ય દરબારનું આયોજન કર્યુ હતું. યુવક અને બાબા વચ્ચેની બોલાચાલી રસપ્રદ અને હાજર ભક્તો માટે હાસ્યાસ્પદ બની રહી હતી. યુવાને તેનું અને તેના પિતાનું નામ જણાવવા બાબાને ચેલેન્જ ફેંકી હતી. એ બાબત પર બાબાએ કહ્યું હતું કે, આ રીતે દરેક વ્યક્તિ આવી જાય છે, તો શુ અમે જિંદગીભર પ્રમાણ આપતા રહીશું? નહિ. કોઈએ પ્રમાણ આપ્યું હોય તેવો આવો કોઈ વીડિયો છે કોઈની પાસે. અમે તમને ભક્તિની શક્તિ બતાવી રહ્યાં છીએ. જો કે બાબાની આ દલીલમાં એ પછી કોઈને રસ પડ્યો નહોતો, એટલે આખરે બાબા કારમાં બેસીને જતા રહ્યાં હતા.

સુથારીકામ કરતા યુવાને બાબાની બોલતી બંધ કરી દીધી

આ સમગ્ર મામલે તાર્કિક દલીલ કરનાર યુવકનું નામ શું હતું તે જાણી શકાતું નથી. પરંતુ તે સુથારીકામ કરતો હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ હતી કે, તેનાથી ક્યાંય વધુ ભણેલાં લોકો આ કાર્યક્રમમાં ભક્ત બનીને બાબા પાસે પોતાની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે આવ્યા હતા. જ્યારે તેમની સરખામણીએ ઘણું ઓછું ભણેલા આ યુવાને સાવ સાદી છતાં તર્કબદ્ધ દલીલ કરીને બાબાની બોલતી બંધ કરી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાથી બાબા હાસ્યાસ્પદ ઠર્યા હતા અને પોતાની વધુ ફજેતી થાય એ પહેલા જ કારમાં બેસીને રવાના થઈ ગયા હતા.

આ પણ વાંચો : રામલીલામાં હનુમાન બનેલા શખ્સને આવ્યો હાર્ટઍટેક, મંચ પર જ થયું મોત, લોકો અભિનય સમજી તાળીઓ પાડતા રહ્યાં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.