બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ

યુનિસેફના ચિલ્ડ્રન ફૂડ પોવર્ટી રિપોર્ટ મુજબ ભારતમાં બાળકોની ખાદ્ય સુરક્ષાને મામલે ભારત વિશ્વનો આઠમો સૌથી ખરાબ દેશ છે. વાંચો વિસ્તૃત રિપોર્ટ. 

બાળકોમાં પોષણ મામલે ભારત દુનિયાનો 8મો સૌથી ખરાબ દેશ
image credit - Google images

યુનિસેફે હાલમાં જ બાળ ગરીબીને લઈને પોતાનો એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે વિશ્વમાં દર ચોથું બાળક ભોજન માટે વલખાં મારી રહ્યું છે. આ રિપોર્ટ મુજબ ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ ભારત વિશ્વનો ૮મો સૌથી ખરાબ દેશ છે. અફઘાનિસ્તાન પછી ભારત દક્ષિણ એશિયામાં સૌથી ખરાબ સ્થિતિમાં છે. આ મામલે પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છે. રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વમાં દર ચોથું બાળક ભૂખમરીનો શિકાર છે અને સારો આહાર મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ૧૮૧ મિલિયન બાળકોમાંથી, ૬૫ ટકા ગંભીર ભૂખમરોમાં જીવવા માટે મજબૂર છે.

યુનિસેફનો ડેટા જણાવે છે કે વૈશ્વિક સ્તરે દર ૪ માંથી ૧ બાળક ગંભીરની શ્રેણીમાં આવે છે અને ખૂબ જ નબળા આહાર સાથે જીવે છે. યુનિસેફે તેના ‘બાળ પોષણ રિપોર્ટ ૨૦૨૪’માં ૯૨ દેશો પર સંશોધન કર્યું હતું. બાળ ખાદ્ય ગરીબી અંગેના યુનિસેફના અહેવાલમાં ૫ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ તપાસવામાં આવે છે કે બાળકોને પોષણયુક્ત અને વૈવિધ્યસભર આહાર મળી રહ્યો છે કે નહીં? સાથે જ નબળો ખોરાક, નબળું વાતાવરણ અને ઘરની આવક જે બાળકો અને તેમના પરિવારોને અસર કરે છે તેનો પણ સમાવેશ થાય છે. 

આજે પણ એવા ઘણાં દેશો છે જે રોગચાળાની અસરમાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યા નથી. તેના ઉપર વધતા સંઘર્ષ, આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે પરિસ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ઘણા દેશોમાં બાળકોને પૂરતો ખોરાક પણ મળતો નથી. જેના કારણે આ બાળકો જ નહીં પરંતુ તેમના પરિવારો પણ ગરીબીના વમળમાં ફસાઈ જાય છે. નિષ્ણાતોના મતે, ભૂખમરાના કુલ કેસોમાંથી લગભગ અડધા એવા પરિવારોમાં નોંધાયેલા છે જેઓ પહેલેથી જ ગરીબી સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા

અહેવાલ મુજબ ખોરાકની ગંભીર અછતમાં જીવતા બાળકોની ટકાવારી બેલારુસમાં ૧% અને સોમાલિયામાં ૬૩% છે. સોમાલિયા પછી ગિની (૫૪%), ગિની-બિસાઉ (૫૩%), અફઘાનિસ્તાન (૪૯%), સિએરા લિયોન (૪૭%), ઇથોપિયા (૪૬%) અને લાઇબેરિયા (૪૩%)માં સ્થિતિ સૌથી ખરાબ છે. 

ભારતમાં બાળ ગરીબીનો આંકડો ૪૦% છે જે ખૂબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતાં સારી છે, અહીંના ૩૮ ટકા બાળકો ભૂખમરાનો શિકાર છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત એવા ૨૦ દેશોમાંનો એક છે જ્યાં બાળકોને જરૂરી પોષણયુક્ત ખોરાક મળતો નથી. આ શ્રેણીમાં ભારતની સાથે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પણ સામેલ છે.

રિપોર્ટ અનુસાર, વિશ્વમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના ૩માંથી ૨ બાળકો (૬૬%) ભૂખમરાનો શિકાર છે. આ અંદાજિત ૪૪૦ મિલિયન બાળકોની સમકક્ષ છે જેમને પોષણયુક્ત અને પર્યાપ્ત આહાર નથી મળતો. ભારત અંગેનો અહેવાલ પણ ચોંકાવનારો છે કારણ કે ગંભીર બાળ ખાદ્ય ગરીબીની શ્રેણીમાં ૪૦ ટકા ઉપરાંત ભારતમાં ૩૬ ટકા બાળકો મધ્યમ ચાઇલ્ડ ફૂડ ગરીબીની પકડમાં છે. આ મુજબ, બંનેના આંકડા મળીને ૭૬ ટકા સુધી પહોંચે છે, જે દર્શાવે છે કે અફઘાનિસ્તાન પછી ભારત દક્ષિણ એશિયામાં બીજા નંબરનો સૌથી ખરાબ દેશ છે.

યુનિસેફ દ્વારા કહેવામાં આવ્યું છે કે નાના બાળકોને દરરોજ ૮માંથી ઓછામાં ઓછો ૫ પ્રકારનો ખોરાક આપવો જોઈએ. જો તેઓને આના કરતાં ઓછો ખોરાક મળે છે, તો તેઓ ગંભીર ફૂડ પોવર્ટીમાં આવી જાય છે. આ ખોરાકમાં માતાનું દૂધ, અનાજ, કંદમૂળ (ગાજર, બીટ, બટાકા, લસણ), કેળા, કઠોળ, ડેરી ઉત્પાદનો, માંસ (મરઘાં અને માછલી), ઇંડા, વિટામિન સીથી ભરપૂર ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.