રૂપાણી સરકારના ચાર પૂર્વ મંત્રીઓને હજુ સરકારી બંગલાનો મોહ છુટતો નથી
મંત્રી પદ ગયું હોવા છતાં પૂર્વ મંત્રીઓને સરકારી બંગલાનો મોહ છૂટતો નથી. રૂપાણી સરકારના ચાર પૂર્વ મંત્રીઓએ હજુ પણ સરકારી બંગલો ખાલી કર્યો નથી.
રાજયના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ બન્યાને આજે ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ રૂપાણી સરકારમાં મંત્રી પદ ભોગવી ચૂકેલા ચાર જેટલા મંત્રીઓએ હજુ સુધી સરકારી બંગલો ખાલી કર્યા નથી. આ ઉપરાંત કેટલાક બોર્ડ નિગમના પૂર્વ પદાધિકારીઓએ પણ પોતાના બંગલા ખાલી કર્યા નથી. જેના કારણે અનેક અધિકારીઓને મકાન ફાળવણી થઈ શકતી નથી.
વિજય રૂપાણીની સરકારમાં મંત્રી રહી ચૂકેલા ચાર જેટલા મંત્રીઓએ પોતાનું મંત્રી પદ છીનવાઇ ગયા બાદ અને ધારાસભ્ય પદ પણ ન હોવા છતાં ત્રણ ત્રણ વર્ષથી સરકારી બંગલા પર કબ્જો જમાવી રાખ્યો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સરકાર દ્વારા અનેક નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં સરકારી બંગલા ખાલી કરવામાં આવતા નથી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી SC સર્ટિ પર ચૂંટણી જીતી મંત્રી બની ગયા?
સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર વિજય રૂપાણીમાં મંત્રી પદ ભોગવી ચૂકેલા ચાર જેટલા પૂર્વ મંત્રીઓએ ત્રણ ત્રણ વર્ષથી સરકારી બંગલા પર કબજો જમાવી રાખ્યો છે. જેમાં રમણ પાટકર, જયદ્રથસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા) અને આત્મારામ પરમારનો સમાવેશ થાય છે.આ ચાર પૂર્વ મંત્રીઓમાંથી બે તો હાલમાં ધારાસભ્ય પદ પર પણ નથી. આ ઉપરાંત કેટલાક બોર્ડ- નિગમના પૂર્વ પદાધિકારીઓએ પણ તેમને ફાળવેલા સરકારી બંગલાને ખાલી કર્યા નથી. આ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરાયેલા ખાસ ફરજ ઉપરના અધિકારી હિતેશ પંડયાએ પણ સરકારી આવાસ ખાલી કર્યું નથી.
રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકાર પણ ત્રણ વર્ષ પૂર્ણ કરવાની નજીક પહોંચી ગઈ છે. ત્યારે બદલી પામીને ગાંધીનગર આવેલા આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ સહિત સ્ટેટ કેડરના વર્ગ-1ના અધિકારીઓને સરકારી આવાસ ન મળવાથી તેઓ ફસાયા છે.
હવે ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદ સ્થિત સરકારી બંગલા ખાલી કરાવવાનો આદેશ કર્યો છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરમાં ફાળવાયેલા સરકારી આવાસોને રાજકીય નેતાઓ દ્વારા પદ છોડયા પછી પણ ખાલી કરવામાં આવતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પૂર્વ મંત્રી રમણ પાટકર અને જયદ્રથસિંહ પરમાર દ્વારા સંતાનોના અભ્યાસના બહાના હેઠળ સરકારી આવાસ ખાલી કરવામાં આવતું નથી.
આ પણ વાંચો: આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
રજનીકાન્તકોઈ ના બાળકો નો ભણતર માટે ની અગવડતા હોય તો તે પહેલાં સોલ કરો અને પછી સરકારી આવાસ ખાલી કરાવો મારી નજર માં આ એક માત્ર ઉપાય છે