ચંદ્રશેખર રાવણના પિતાને સવર્ણોએ કહ્યું- માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર રાવણના પિતા શિક્ષક હતા, પણ જાતિવાદી તત્વોએ તેમની સાથે જે વર્તન કર્યું હતું, તે આજે પણ ચંદ્રશેખરને રડાવી જાય છે.

ચંદ્રશેખર રાવણના પિતાને સવર્ણોએ કહ્યું- માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?
image credit - Google images

ભીમ આર્મીના વડા(Bhim Army Chief)  ચંદ્રશેખર આઝાદ(Chandra Shekhar Azad) ભલે આજે સાંસદ હોય, તેઓ ભલે સત્તામાં આવ્યા હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમને તેમની જાતિના કારણે ઘણા ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ગરીબીમાં ઉછરેલા ચંદ્રશેખર આઝાદને તેમના ચાહકો ચંદ્રશેખર રાવણ કહીને પણ સંબોધે છે. ભીમ આર્મીનો આજે ઉત્તર ભારત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં દબદબો છે, પણ આ બધું કંઈ રાતોરાત ઉભું નથી થઈ ગયું. તેના માટે ચંદ્રશેખરે ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે તેને ગોળી મારીને મારી નાખવાનું કાવતરું પણ ઘડવામાં આવ્યું હતું. આ સિવાય તેમને 16 મહિના જેલમાં પણ રહેવું પડ્યું હતું. 

આજે તેઓ યુપીની નગીના બેઠક પરથી સાંસદ છે, તેમણે લોકસભામાં આપેલી સ્પીચ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. યોગેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ રાજકીય વિશ્લેષકો તેમને ભવિષ્યના મોટા બૌદ્ધિક નેતા તરીકે જુએ છે. આ બધું આજે ચંદ્રશેખરની સફળતાની ચાડી ખાય છે. પરંતુ તેમના જીવનમાં એક એવો દિવસ પણ હતો જેની યાદ હજુ પણ ભીમ આર્મી ચીફના આત્માને સતાવે છે અને તે યાદ આવતા જ તેઓ અત્યંત નિઃસહાયતા અનુભવે છે. શું છે એ ઘટના ચાલો જાણીએ.

આ પણ વાંચોઃ જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં એસસી, એસટી છે?- ચંદ્રશેખર રાવણ

3 ડિસેમ્બર 1986ના રોજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જન્મેલા ચંદ્રશેખર આઝાદે પ્રાથમિક શિક્ષણ ઠાકુર છજ્જુ સિંહ પુંડીર એએચપી ઇન્ટર કોલેજ સહારનપુરમાંથી મેળવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે સ્કૂલમાં ભણતી વખતે તેમને ઘણાં ભેદભાવોનો સામનો કરવો પડ્યો હતો. ચંદ્રશેખર કહે છે કે ઘણી વખત ઉચ્ચ જાતિના બાળકો અમને મારતા હતા. જ્યારે અમે આ અંગે પ્રિન્સિપાલ કે શિક્ષકને ફરિયાદ કરીએ તો તેઓ અમને ઠપકો આપતા. 

ચંદ્રશેખર આઝાદના પિતા ગોવર્ધન દાસ શિક્ષક હતા. આઝાદને બે ભાઈઓ છે: મોટા ભરત સિંહ અને નાના કમલ કિશોર. આઝાદ કહે છે કે શિક્ષક હોવા છતાં મારા પિતાને જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર જ્યારે તેમને કથિત સવર્ણોના ગામમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેઓ શાળાએ ગયા ત્યારે લોકો તેમને પૂછવા લાગ્યા, "માસ્ટરજી આપકા ગિલાસ કહાં હૈ? યહાં આપકો અપના ગિલાસ અલગ રખના પડતા હૈ." જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમણે મને આખી ઘટના વિશે જણાવ્યું, જે સાંભળીને મને ખૂબ જ ખોટું લાગ્યું.

આ પણ વાંચોઃ સવર્ણોના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતુ, જજોએ તે ચુકાદામાં લખ્યું છે?

ANIને આપેલા ઈન્ટરવ્યુમાં ચંદ્રશેખર આઝાદે 11 વર્ષ પહેલા બનેલી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે આજ સુધી તેને ભૂલી શક્યા નથી. ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'મારા પિતાને કેન્સર હતું. હું તેમને AIIMSમાં દાખલ કરાવવા માંગતો હતો, પરંતુ મારી પાસે કોઈ સંપર્ક કે ભલામણ નહોતી. મેં ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું મારા પિતાને એઈમ્સમાં દાખલ કરાવી શક્યો નહીં. 11 જાન્યુઆરી 2013ના રોજ દેહરાદૂનમાં મારા હાથમાં તેમનું અવસાન થયું હતું. આજે પણ હું એ ઘટનાને ભૂલી શક્યો નથી. હું મારા પિતાને મદદ કરવામાં લાચાર હતો અને તે દિવસથી મેં શપથ લીધા હતા કે હવેથી હું મારા કોઈ પ્રિયજનને આ રીતે મરવા નહીં દઉં. હું મારી ગરીબી અને લાચારીને આ બાબતમાં ક્યારેય અડચણ નહીં બનવા દઉં અને મારા પરિવારના કોઈપણ સભ્યને આ રીતે જવા દઈશ નહીં. મારા પિતા સાથે જે થયું તે હું મારા કોઈ પ્રિયજન સાથે થવા નહીં દઉં.

ભીમ આર્મી ચીફ કહે છે, આજે પણ મારા પિતાએ કહેલા એ શબ્દો, "માસ્ટરજી, આપકા ગિલાસ કહાં હૈ?" મારા મનમાં ગુંજતા રહે છે. જાતિ ભેદભાવનો ડંખ જેમણે સહન કર્યો હોય તેને જ તેની પીડાની ખબર પડે. જેમ એક મહિલા પ્રસવની પીડા કોઈને વાત કરીને ન સમજાવી શકે, તેમ આભડછેટ અને જાતિ ભેદભાવનો અનુભવ પણ કોઈને વાત કરીને સમજાવી શકાતો નથી.

આ પણ વાંચોઃ બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.