શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો
બહુજન મહાનાયક, ક્રાંતિકારી શહીદ ઉધમસિંહની આજે જન્મજયંતિ છે ત્યારે આ મહાન ક્રાંતિકારીના જીવન પર એક નજર કરીએ.
આજે ભારત માતાના એ બહાદુર સપૂતની જન્મજયંતિ છે, જેણે દુશ્મનને તેના ઘરમાં ઘૂસીને માર્યા હતા. ગોરાઓ જેમના નામથી પણ થથરી ઉઠતા હતા એવા બહુજન મહાનાયક શહીદ ઉધમસિંહની આ વાત છે. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે આ મહાન ક્રાંતિકારીના જીવન પર એક નજર કરીએ.
ઉધમસિંહનું બાળપણ અનાથ આશ્રમમાં વિત્યું હતું પણ તેમના દિલમાં દેશદાઝની આગ અંગત જીવનની જિજિવિષા કરતા અનેકગણી વધુ પ્રબળ બની રહી. 26મી ડિસેમ્બર 1899ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં શહીદ ઉધમસિંહનો જન્મ થયો હતો. વર્ષ 1901માં ઉધમસિંહના માતા અને 1907માં તેમના પિતાનું અવસાન થયું. આ ઘટના બાદ તેમણે પોતાના મોટાભાઈ સાથે અમૃતસરના એક અનાથાશ્રમમાં આશરો લેવો પડ્યો. ઉધમસિંહનું બાળપણનું નામ શેરસિંહ અને તેમના ભાઈનું નામ મુક્તાસિંહ હતું, જેમને અનાથાશ્રમમાં અનુક્રમે ઉધમસિંહ અને સાધુસિંહ નામ મળ્યું હતું.
બાદમાં, ભારતીય સમાજની એકતા માટે, સરદાર ઉધમ સિંહે તેમનું નામ બદલીને રામ મોહમ્મદ સિંહ આઝાદ રાખ્યું, જે ભારતના ત્રણ મુખ્ય ધર્મોનું પ્રતીક છે. એ પછી ફરી તેમણે પાસપોર્ટ મેળવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું. ગદર પાર્ટીમાં જોડાયા બાદ તેઓ પાંચ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે પાસપોર્ટ મેળવીને વિદેશ જવાનો નિર્ણય કર્યો હતો. ભગતસિંહ તેમના મિત્ર હતા, બંને લાહોર જેલમાં એકવાર મળ્યા હતા. ઉધમ સિંહ ભલે અનાથાશ્રમમાં ઉછરતા હતા, પરંતુ તેઓ પોતાની અંદર દેશભક્તિને પોષી રહ્યા હતા. ઉધમ સિંહનું જીવન અનાથાશ્રમમાં ચાલી રહ્યું હતું ત્યારે તેમના મોટા ભાઈનું પણ 1917માં અવસાન થયું હતું. તેઓ સંપૂર્ણ અનાથ બની ગયા.
.
તેમના જીવનમાં સૌથી મોટો વળાંક આવ્યો વર્ષ 1919માં, જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો અને તેમણે નજર સામે સેંકડો લોકોને મોતને હવાલે થતા જોયા. એ પછી તેઓ અનાથાશ્રમ છોડીને ક્રાંતિકારીઓ સાથે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને દેશની આઝાદી માટે અને જનરલ ડાયરને મારવાની તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે કામે લાગ્યા. જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ ઉધમ સિંહની સામે થયો હતો. તે સમયના જનરલ ડાયરના આદેશ પર ગોળી મારવામાં આવેલા હજારો અનામી ભારતીયોની ઘાતકી હત્યાના તેઓ સાક્ષી હતા.
ઉધમસિંહે જલિયાવાલા બાગની માટી હાથમાં લીધી અને જનરલ ડાયર અને પંજાબના ગવર્નર માઈકલ ઓડ્વાયરને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી. એ પછી તેઓ ક્રાંતિકારી બન્યા. જો કે ઉધમ સિંહ લંડન પહોંચે તે પહેલાં જનરલ ડાયરનું 1927માં માંદગીને કારણે અવસાન થઈ ગયું હતું, પરંતુ તેઓ માઈકલ ઓડ્વાયરને ખતમ કરવાની તક શોધી રહ્યાં હતાં. કોઈક રીતે 1934માં તેઓ લંડન પહોંચ્યા અને ત્યાં 9, એલ્ડર સ્ટ્રીટ કોમર્શિયલ રોડ પર રહેવા લાગ્યા. ત્યાં તેમણે પોતાનું મિશન પૂરું કરવા માટે એક કાર અને છ ગોળીઓવાળી રિવોલ્વર પણ ખરીદી.
પછી તેઓ માઈકલ ઓડ્વાયરને મારવા માટે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. ઉધમ સિંહને 1940માં તક મળી. 13 માર્ચ, 1940ના રોજ, જલિયાવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષ પછી, કેક્સટન હોલ, લંડન ખાતે રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠક મળી હતી, જેમાં માઈકલ ઓ'ડ્વાયરે પણ હાજરી આપી હતી. તે દિવસે ઉધમ સિંહ સમયસર સભા સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પોતાની રિવોલ્વર એક પુસ્તક વચ્ચે સંતાડી દીધી. આ માટે તેણે પુસ્તકના પાનાને રિવોલ્વરના આકારમાં એવી રીતે કાપી નાખ્યા હતા કે જેથી તેને સરળતાથી છુપાવી શકાય.
.
કાર્યક્રમ પુરો થયા બાદ દિવાલની પાછળથી ઉધમસિંહે માઈકલ ઓડ્વાયર પર ગોળીઓ છોડી. માઈકલને બે ગોળીઓ વાગી અને તેનું સ્થળ પર જ મોત નિપજ્યું. આ રીતે ઉધમસિંહે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરીને દુનિયાને સંદેશો આપ્યો કે અત્યાચારીઓને ભારતીય વીર કદી માફ નહીં કરતા. ઉધમસિંહે ત્યાંથી પછી ભાગવાનો પ્રયત્ન ન કર્યો અને ધરપકડ વહોરી. તેમના પર કેસ ચાલ્યો. કોર્ટમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ડાયરના અન્ય સાથીઓને પણ મારી શકતા હતા છતાં તેમણે એવું શા માટે ન કર્યું?
ઉધમસિંહે જવાબ આપ્યો કે ત્યાં ઘણી બધી મહિલાઓ પણ હાજર હતી અને હું નિર્દોષ લોકોને મારવા નહોતો માંગતો. 4 જૂન 1940ના રોજ ઉધમસિંહને હત્યાના દોષી જાહેર કરાયા અને 31મી જુલાઈ 1940ના રોજ તેમને પેંટનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી. આમ આ મહાન ક્રાંતિકારી ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં અમર થઈ ગયા. 1974માં બ્રિટને તેમના અસ્થિ ભારતને સોંપ્યાં હતા, પણ તેમની પિસ્તોલ અને બીજો કેટલોક સામાન આજે પણ અંગ્રેજો પાસે છે. કમનસીબે જાતિવાદથી ભયંકર ગ્રસ્ત ભારતમાં આજે શહીદ ઉધમસિંહને તેમની દલિત જાતિના કારણે હાંશિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. મનુવાદી વર્ણવ્યવસ્થામાં આસ્થા ધરાવતા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ આઝાદીની લડતના આ મહાન હીરોને પણ તેમની જાતિના આધારે મૂલવી રહ્યાં છે તે કોઈ કાળે માફ ન થઈ શકે.
આ પણ વાંચો : Jyotiba Phule સ્મૃતિ દિવસ સ્પેશ્યિલઃ જ્યોતિબા ફૂલે એટલે 'મહાત્મા' પહેલાના 'મહાત્મા'
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.