આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે
અમેરિકાની વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આજે ડૉ. આંબેડકરના જન્મદિવસ પ્રસંગે ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખતા કવિ ગૌતમ વેગડા પોતાની કવિતાઓ રજૂ કરવા જઈ રહ્યાં છે.

ગુજરાતના એકમાત્ર અંગ્રેજીમાં દલિત સમાજની સમસ્યાઓને વાચા આપતા કવિ ગૌતમ વેગડા આજે 14મી એપ્રિલના રોજ વિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોતાની કવિતાઓ રજૂ કરશે. ગૌતમભાઈ એકમાત્ર ગુજરાતી કવિ છે જેઓ અંગ્રેજીમાં દલિત કવિતાઓ લખે છે. તેમની એન્ટિ કાસ્ટ કવિતાઓ દુનિયાભરમાં જાણીતી છે. દલિત સમાજ માટે આ ગૌરવની ક્ષણ છે કે 14મી એપ્રિલના રોજ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં એક સાવ અંતરિયાળ ગામડાના, અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા અને જાતમહેનતે આગળ આવેલા એક દલિત યુવાનની કવિતાઓ રજૂ થશે.
ખબરઅંતર.કોમ સાથે વાત કરતા કવિ ગૌતમ વેગડા કહે છે, “ આ એક પોએટ્રી રિડીંગ સેશન છે. ગુજરાતમાંથી હું એક જ એવો દલિત લેખક છું જે સીધી અંગ્રેજીમાં કવિતા લખે છે. મારા બે કાવ્યસંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે. એક છે Vultures and other poems(ગીધ અને બીજી કવિતાઓ) અને Strange Case of Flesh and Bones(હાડમાંસનો વિચિત્ર કિસ્સો). આ સિવાય ત્રીજો કાવ્યસંગ્રહ આવી રહ્યો છે. મારું પીએચડી પણ પર્યાવરણીય જસ્ટિસ અને દલિત સાહિત્ય પર છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હું પર્યાવરણને અને દલિતોને લઈને જે કવિતાઓ લખું છે તેનું વાંચન કરવાનો છું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે, 14મી એપ્રિલે તમે આ કવિતાઓ વાંચો અને તેની અંદર જે પોલિટિક્સ છે, ડિગ્નિટીની વાત છે, પર્યાવરણના માધ્યમથી તમે તેને રજૂ કરો. મારી કવિતાઓના શીર્ષક તમે જોશો તો તેમાં અળસિયું, શાહુડી, તેતર, વિંછી, દીપડો, હાથી, લજામણી, ટિટોડી, ગીધ - આવા શીર્ષકો છે. શા માટે હું ગીધની વાત કરું છું? હું મોર, પોપટ કે કોયલ એવા સુંદર પક્ષીની વાત કેમ નથી કરતો? એક દલિત તરીકે મારી કલ્પનામાં ગીધ જ કેમ આવ્યું? કેમ કે તેની સાથે આપણે રહ્યાં છીએ. એની સાથે ખાવાનું શેર કર્યું છે. દલિતો જે ખાતા એ જ ગીધ ખાતું. એટલે આ કાર્યક્રમમાં હું દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ શું છે તેની વાત કરવાનો છું. એ રીતે જોવા જઈએ તો મારી કવિતા માત્ર દલિત કવિતા નથી પરંતુ દલિતોનો પર્યાવરણીય ઈતિહાસ પણ હશે. હું ઝરખની વાત કરવાનો છું. તેને બીજા શબ્દોમાં Bone Collector કહે છે. તે કદી શિકાર નથી કરતું પણ બીજાનો શિકાર છીનવી લે છે અને તેનો સંગ્રહ કરે છે. ઝરખ જ્યાં રહેતું હોય ત્યાં એની બખોલ પાસે હાકડાં ભેગાં કરતું હોય છે. આ પરથી મને યાદ આવે છે કે, દલિતો હાડકા એકઠાં કરતા હતા. તેને બે કે ત્રણ રૂપિયે કિલો વેચતા. જેમાંથી પછી કાંસકા અને બીજી પ્રોડક્ટ બનતી હતી. આ વાત હું ઝરખના માધ્યમથી કરું છું.
આ પણ વાંચોઃ સ્વામી રામભદ્રાચાર્ય ‘રામને નહીં ભજનારને ચમાર’ કેમ કહે છે?
હું પર્યાવરણના તત્વો પશુ-પંખી-છોડ વગેરેનું દલિતો સાથે શું જોડાણ છે તેની વાત કરીને કવિતા લખું છું. એલોવેરા હાલ ધનાઢ્ય વર્ગ માટે એક બ્યૂરી પ્રોડક્ટ છે, લોકો તેના શેમ્પૂ કે ફેસવોશનો ઉપયોગ કરે છે. પણ મારા માટે તેનો અનુભવ જુદો છે. નાનો હતો ત્યારે ઘરમાં ખાવા માટે કશું હોય નહીં ત્યારે મારી મા ખેતરેથી મજૂરી કરીને પાછી ફરતી ત્યારે વાડમાં ઉગેલા કુંવારપાઠા અને થોરના ફૂલ વીણી લાવતી અને તેનું શાક બનાવી અમને ખવડાવતી. આવું શાક અમે અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ખાતા. એટલે એલોવેરા બીજા લોકો માટે બ્યૂટી પ્રોડક્ટ હશે, પણ મારા માટે તો એ જીવન જીવવાનો એકમાત્ર સોર્સ હતો. કથિત સવર્ણ જ્યારે કુંવારપાઠાને જોશે તો તેને તેમાં બ્યૂટી પ્રોડક્ટ દેખાશે પણ મને એવી લાગણી નથી થતી. એટલે દલિતોનું પર્યાવરણ અલગ છે, પર્યાવરણવાદ અલગ છે. તેનું અર્થઘટન અલગ છે. અને આ બધાંનું કારણ માત્ર અને માત્ર જાતિ છે. કારણ કે ભારતમાં કાસ્ટ નક્કી કરે છે કે કોણ કોની જમીન લેશે, આ પાણી કોનું હશે, ઘોડા પર કોણ બેસશે. ઘોડો પર્યાવરણનો એક ભાગ છે છતાં એ પણ જાતિ વ્યવસ્થામાં વણાઈ ગયો છે.
આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?
અંદાજે 45 મિનિટના મારા સેશનમાં હું આવી રચનાઓ રજૂ કરીને વિશ્વનું ભારતમાં પ્રવર્તમાન જાતિ વ્યવસ્થા, દલિતોનું થતું શોષણ અને તેમના જીવન તરફ લોકોનું દોરવા ખેંચવા માંગુ છું. હું માત્ર કવિતા નથી લખતો, સાથે તેના ચિત્રો પણ દોરું છું. મારી દરેક કવિતાના ઈલસ્ટ્રેશન મેં જાતે તૈયાર કર્યા છે અને તેણે કવિતા કરતા પણ લોકોને વધુ પ્રભાવિત કર્યા છે. એટલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ મને કહ્યું છે કે, આપ દલિત અને પર્યાવરણ સાથેની આપની કવિતાઓ 14મી એપ્રિલે રજૂ કરો જેથી દુનિયાને ખબર પડે કે ભારતમાં કઈ હદે જાતિ વ્યવસ્થા ઘર કરી ગઈ છે અને વ્યક્તિ ચાહીને પણ તેમાંથી છટકી શકતો નથી.”
આગળ વાંચોઃ ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
vikram tejabhai makvanaGautam vegda congratulations ???? ???? ???? I like you story for dalit cast.
-
Jayeshbhai G.Vegdaકવિ શ્રી ગૌતમભાઇ વેગડા જેમની કવિતાઓ ની ઝલકજ ખૂબજ સુંદર અને દિલજીતી લે તેવી છે. ખરે ખર ગૌતમભાઇ વેગડા જેવો સમજનું ગૌરવ કહેવાય. તમે દિવસે ને દિવસે પ્રગતિ કરતાં રહો તેવી શુભેચ્છા ઓ. જય ભીમ નમો બુદ્ધાય.????????
-
Rajen FinavkarVery nice news of Poet Gautam Vegda. Very different words i read. It is energetic& fiery. Dalit & vulture! The beautiful comparison.It describes pathetic situation of dalit in Hindu religion ????
-
HARSHADKUMAR B SOLANKIજબ્બર વિષય સાથે જબબર મૂલ્યાંકન. અત્યારે આ સામાજિક પરિસ્થિતિ નું વર્ણન કરે છે.લખતા રહો, જય ભીમ.ખબર અંતર આભાર????
-
Jeshingbhaiગૌતમભાઈની કવિતાની માત્ર ઝલકે જ મારાં દિલોદિમાગને ઝકઝોરી દીધાં. બસ એક વિનંતી લખતા રહો ગૌતમભાઈ, બસ લખતા જ રહો.