"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."

"સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."

મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ ‘Sairat’ ના દિગ્દર્શક, મરાઠી ‘Kaun Banega Crorepati’ના હોસ્ટ અને Amitabh Bachchan અભિનીત સુપરહિટ ફિલ્મ ‘Jhund’ના ડિરેક્ટર નાગરાજ મુંજળે(Nagraj Manjule) આજકાલ તેમની શિવાજી મહારાજ પરની આગામી ફિલ્મના કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં દેશમાં પ્રવર્તમાન જાતિવાદ ઉપરાંત આ મામલે તેમના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

Writer, Director, Film Producer જેની બહુમુખી પ્રતિભા ધરાવતા નાગરાજ મંજુલેએ મુલાકાતમાં તેમની કારકિર્દીની સાથે સાથે તેમણે બનાવેલી ફિલ્મો વિશે પણ દિલ ખોલીને વાત કરી હતી અને ઘણાં પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે દલિત હોવાને કારણે કેવી કેવી સમસ્યાઓ વેઠવાની આવી તેની પણ વાત કરી હતી. સામાન્ય રીતે એક સ્તર સુધી પહોંચી ગયા પછી જાતિવાદથી ગ્રસ્ત સમાજમાંથી આવતી વ્યક્તિ પણ તે મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળતી હોય છે. પણ નાગરાજ મંજુળેને આ બાબતે સલામ કરવી પડે, કેમ કે તેઓ મરાઠીમાં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિના હોસ્ટ રહી ચૂક્યા છે, Jhund જેવી સુપરહિટ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને ડિરેક્ટર કરી ચૂક્યાં છે, મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ Sairat તેમના નામે બોલે છે, તેમ છતાં જાતિવાદ અને અસ્પૃશ્યતા વિશે તક મળ્યે પોતાના અનુભવો અને વર્તમાન પરિસ્થિતિ વિશે બોલવાનું ચૂકતા નથી.

નાગરાજ મંજુળેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે એક દલિત છોકરો હોવાને કારણે તેમણે ઘણાં નિયમોનું પાલન કરવું પડ્યું હતું. તેઓ કહે છે કે, હું જ્યારે નાનો હતો ત્યારે મારી જાતને એક માણસ તરીકે જ જોતો હતો. પણ મોટો થયો અને એક પ્રસંગે મને મારી જાતિને કારણે હડધૂત કરવામાં આવ્યો એ પછી મને સમજાયું કે હું અન્ય લોકો જેવો સામાન્ય માણસ નથી. દલિત હોવાને કારણે મારે અનેક મર્યાદાઓનું પાલન કરવું પડશે, જે બીજા કોઈપણ માણસે ફક્ત ચોક્કસ જાતિના હોવાના કારણે નથી કરવું પડતું.

અસ્પૃશ્તાને લીધે હું ઘણાં મિત્રોના ઘરોમાં જઈ શક્યો નહોતો

નાગરાજ મંજુલેએ દલિત હોવાને કારણે શું સહન કરવું પડ્યું? આ પ્રશ્ન પર તેમણે કહ્યું કે, “જ્યારે હું નાનો હતો ત્યારે મને લાગતું નહોતું કે આવું કશું હોય છે. કદાચ આ મારી સાથે થઈ રહ્યું હશે, પરંતુ મને તેની જાણ નહોતી. પણ પછી મને આ મામલો સમજાવા લાગ્યો હતો. કેટલાક ઘર એવા હતા જેમાં હું જઈ શકતો નહોતો, પાણીને સ્પર્શી શકતો ન હતો, ખોરાકને સ્પર્શ કરી શકતો નહોતો. અમુક ઘરોમાંથી ખાવાનું આવતું હતું, પણ અમારા ઘરેથી ત્યાં જઈ શકતું ન હતું. આનું કારણ મને પાછળથી સમજાયું. જ્યારે તમે નાના હો છો ત્યારે તમને સમાજમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા પણ નથી હોતી. તમે કઈ જ્ઞાતિના છો? તમારે આગળ ક્યાં જવું છે? પરંતુ જેમ જેમ તમે સમજો છો, ત્યારે તમે અમુક સીમાઓ પાર કરવાનો પ્રયાસ કરો છો ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.”

આ પણ વાંચોઃ બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?

નાગરાજે મંજુળેએ જણાવ્યું કે તેમને આ બધી બાબતોની ત્યારે ખબર પડી જ્યારે તેમણે ભણવાનું શરૂ કર્યું અને પોતાની જાતને સમજવા લાગ્યા. ત્યારે તેમને ખબર પડી કે તેઓ દલિત છે. તેઓ કહે છે કે, મને લાગતું હતું કે ડો. બાબા સાહેબ આંબેડકરના કારણે જે લોકો જાગ્યા છે તેઓ જ દલિત છે. હું દલિત નથી. મને ખ્યાલ નહોતો કે હું દલિત છું. પરંતુ ધીમે ધીમે જ્યારે મેં એ બાબતોને જોવાનું શરૂ કર્યું ત્યારે મને ખ્યાલ આવવા લાગ્યો કે દલિતો માટે પરિસ્થિતિ હજુ બદલાઈ નથી. પછી તમે ક્યાંય પણ જતા રહો. ત્યારે મને સમજાયું કે જ્યારે અમે પાણી ભરવા જતા ત્યારે કેટલાક લોકો અમારા હાથ અડ્યા હોય એ નળ શા માટે ધોતા હતા."

મંજુળેએ વધુમાં કહ્યું કે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ અને તેના બધા ભાઈઓ અભ્યાસ કરે અને આગળ વધે. પરંતુ તેમણે જોયું કે તેમના પિતા અને તેમની આસપાસના લોકોએ શું સહન કર્યું હતું, એટલે અમે વહેલીતકે કમાવાનું નક્કી કર્યું.

'જ્યારે રેલ્વે લાઇન પર ભૂંડ મરી ગયું હતું...' એક ઘટનાનો ઉલ્લેખ કરતા નાગરાજ મંજુળેએ જણાવ્યું કે તેમના ઘરની નજીક રેલવે લાઇન પર એક ડુક્કર કપાઈ ગયું હતું. એ પછી રેલ્વેનો એક વ્યક્તિ તેમનું ઘર શોધીને આવ્યો અને તેને ત્યાંથી ભૂંડને હટાવવાનું કહ્યું, આના પર મંજુલેએ વ્યક્તિને કહ્યું, “તમે મારા ઘરે કેમ આવ્યા છો, જાતે ઉપાડીને ફેંકી દો. જાઓ રેલ્વેને કહો. મને એના પર ખૂબ ગુસ્સો આવ્યો તેથી મારી માતાએ મને કહ્યું કે એની સાથે માથાકૂટ કરવી રહેવા દે. હજુ પણ અનેક જગ્યાએ આવું બને છે પરંતુ આશા છે કે વિશ્વ બદલાશે.

ભાઈએ સલાહ આપી, પણ સાંભળ્યું નહીં

નાગરાજ મંજુળેએ તેમની શોર્ટ ફિલ્મ pistulya માટે National Award સમયે આપેલા ઈન્ટરવ્યૂ વિશે પણ વાત કરી. એ ઈન્ટરવ્યૂમાં તેમણે પોતે દલિત જાતિમાંથી આવે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. તેના પર તેમના નાના ભાઈ અને મિત્રએ તેમને પૂછ્યું કે તું આ બધું કેમ બોલે છે. તેમના મિત્ર અને ભાઈએ તેમને આવી વાત ન કરવાની સલાહ આપી. તેની પાછળનો તેમનો તર્ક હતો કે હું હજુ હમણાં જ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો છું. જો મારી જાતિની ઓળખ છતિ થઈ જશે તો મારી કરિયર ખતમ થઈ જશે.

આ મામલે નાગરાજ મંજુળે કહે છે, મેં મારા ભાઈને કહ્યું કે આ જ સત્ય છે. હું દલિત સમાજમાંથી આવું છું, મારા પિતા પથ્થર તોડવાનું કામ કરતા હતા. આ વાત જો હું છુપાવીશ તો પછી બીજું શું કહીશ? એટલે મેં કશું પણ છુપાવ્યા વિના બધું જ કહેવાનું ચાલું રાખ્યું. એ પછી મેં બીજી ફિલ્મ fandry લખી અને નિર્માતાઓને તેને બનાવવામાં કશો વાંધો નહોતો.

જાતિ બાબતે બોલવાનું દબાણ

દેશમાં કોઈ ચોક્કસ જાતિ વિશે વાત કરવા અને તેના પર કોઈના મંતવ્યો વ્યક્ત કરવાના દબાણના મુદ્દે, મંજુળેએ કહ્યું કે, "લોકો ઇચ્છે છે કે હું આવા મુદ્દાઓ પર મારા વિચારો વ્યક્ત કરું. પણ મને ખરાબ લાગે છે કે માત્ર હું જ બોલી રહ્યો છું. જરૂરી નથી કે મારી જ્ઞાતિ છે તો જ હું બોલીશ. સંવેદનશીલ બનવું એ એક વાત છે અને જે તે જાતિના હોવું ને બોલવું એ અલગ વાત છે."

નાગરાજ મંજુળે આ બધી બાબતોનો સાર વ્યક્ત કરતા કહે છે કે, આ બધી બાબતોનો અર્થ એ નથી કે મારે આ વિશે વાત કરવાની હવે જરૂર નથી. મેં આ બાબતે બોલવાની શરૂઆત કરી છે તેથી હું જ્યાં પણ આવું જણાશે ત્યાં તેના વિશે બોલવાનું ચાલું રાખીશ. મને દુઃખ એ વાતનું છે કે, દલિતોની વાત માત્ર દલિતો જ કરે છે. તેમને થઈ રહેલા અન્યાય બાબતે બીજું કોઈ બોલતું નથી. મને લાગે છે એક માણસ હોવાને નાતે બીજાઓએ પણ આ અન્યાયી બાબત સામે અવાજ ઉઠાવવો જોઈએ.

આ પણ વાંચોઃ MP Sidhi પેશાબકાંડઃ પીડિત આદિવાસી દશમત રાવત કહે છે, "CM શીવરાજસિંહ તેમના સુદામાને ભૂલી ગયા છે..."


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Rajendra Sutariya
    Rajendra Sutariya
    ખરેખર દરેક વ્યક્તિએ અવાજ ઉઠાવવો જ જોઈએ, ખુબ ખુબ અભિનંદન
    3 months ago