ડૉ. આંબેડકરને મળનાર છેલ્લાં ગુજરાતી જનબંધુ કૌસંબીનું અવસાન

ડો. બાબાસાહેબ આંબેડકરને મળ્યાં હોય, માન્યવર કાંશીરામ સાથે કામ કર્યું હોય તેવા મોટાભાગના ગુજરાતી બહુજન યોદ્ધાઓ હવે હયાત નથી. એકમાત્ર જનબંધુ કૌસંબી જીવીત હતા, હવે તેમણે પણ વિદાય લીધી છે.

ડૉ. આંબેડકરને મળનાર છેલ્લાં ગુજરાતી જનબંધુ કૌસંબીનું અવસાન
image credit - khabarantar.com

બહુજન સમાજના વધુ એક વડીલે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા જનબંધુ કૌસંબી હવે આપણી વચ્ચે નથી રહ્યાં. તેઓ 83 વરસના હતા અને લાંબા સમયથી બિમાર હતા. છેલ્લાં દોઢ મહિનાથી તેઓ સાવ પથારીવશ હતા. ડૉ. બાબાસાહેબ આંબેડકરને મળનાર તેઓ એકમાત્ર જીવીત ગુજરાતી હતા. બાબાસાહેબની પેઢીના મોટાભાગના વડીલોએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે અને એકમાત્ર જનબંધુ કૌસંબી જ હયાત હતા. હવે તેમનું પણ અવસાન થતા આંબેડકરી કાર્યકરોની એક આખી પેઢી આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂકી છે. ગઈકાલે સાંજે તેમણે ચાંદખેડા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

15 વર્ષની ઉંમરે ડો. આંબેડકરને મળ્યા હતા
જનબંધુ કૌસંબી માત્ર 15 વર્ષની ઉંમરે ડો. આંબેડકરને મુંબઈ સ્થિત તેમના ઘરમાં મળ્યા હતા. એ વખતનો એ આખો અનુભવ તેમણે ખબરઅંતર.કોમની જ માલિકીની યુટ્યુબ ચેનલ The Untouched Story ના એક વીડિયોમાં વિસ્તારથી વર્ણવી હતી. જનબંધુ કૌસંબીના પિતા રામજી લાલજી મેઉવાળા મજૂર આગેવાન ઉપરાંત ડો. આંબેડકર સ્થાપિત શિડ્યૂલ કાસ્ટ ફેડરેશનનાં મહેસાણા જિલ્લાનાં પ્રમુખ હતાં. એ જમાનામાં ડો. આંબેડકરનાં પગલે તેમણે પણ બૌદ્ધ ધર્મ અંગિકાર કરેલો. જેની નાનકડાં જનબંધુ પર ઘેરી અસર પડેલી. 15 વર્ષની ઉંમરે જનબંધુએ બાબાસાહેબને મળવાની જીદ પકડી એટલે પિતા તેમને મુંબઈ ખાતેનાં ઈનટુકના અધિવેશનમાં સાથે લઈ ગયાં હતા. એ પછીનો આખો ઘટનાક્રમ બહુ હૃદયસ્પર્શી છે. અધિવેશન પૂર્ણ થયા બાદ નાનકડા જનબંધુ પોતાના આઈડલ ડો. આંબેડકરને મળવા અધિરાં થયા હતા. પણ બાબાસાહેબ વ્યસ્ત હોવાથી તેમનાં પી.એ.એ તેમને મળવા માટે સમય આપ્યો નહોતો. એટલે નાનકડાં જનબંધુ રડવા લાગ્યાં. એ જોઈને પિતા રામજી મેઉવાળાનું દિલ દ્રવી ઉઠ્યું હતું. અને ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે તેઓ કોઈપણ ભોગે દીકરાને બાબાસાહેબને મળવીને જ પરત જશે. તરત તેઓ ડો. આંબેડકરનાં પત્ની માતા સવિતાબાઈને મળ્યાં અને દીકરાંની બાબાસાહેબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. સવિતાબાઈ કલોલના શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના બે પ્રતિનિધિઓ સાથે જનબંધુ કૌસંબી બાબાસાહેબના કમરામાં દાખલ થયા. માતા સવિતાબાઈએ કહ્યું હતું કે, સાહેબ લખતા લખતા જ્યારે પેન ઊંચી કરે અને તમારી સામે જુએ એ પછી આપણે જવાનું છે. 

એ પ્રમાણે સૌ બાબાસાહેબના રૂમના દરવાજે જઈને ઉભા રહી ગયા. બાબાસાહેબે જ્યારે લખવાનું બંધ કરીને પેન ઊંચી કરી ત્યારે તેમને બોલાવ્યા. માતા રમાબાઈએ બાબાસાહેબને તમામ આગેવાનોનો પરિચય કરાવ્યો. પાર્ટી માટે ભેગું કરેલું ફંડ તેમના પિતાએ બાબાસાહેબને આપ્યું એટલે સાહેબે તેની પાવતી લખીને આપી. 

જનબંધુ કૌસંબીએ એ મુલાકાતને યાદ કરતા કહ્યું હતું કે, "બાબાસાહેબની ચોતરફ કબાટમાં પુસ્તકો ભરેલા હતા. તેઓ યુરોપિયન જેવા લાગતા હતા. કોઈપણ વ્યક્તિ તેમને જોતા જ પ્રભાવિત થઈ જાય તેવું તેમનું વ્યક્તિત્વ હતું. બાબાસાહેબે એ વખતે તેમના પિતા સહિતના આગેવાનોને સલાહ આપી હતી કે મનુવાદીઓ સામે તલવારથી નહીં લડી શકાય, કલમથી લડી શકાશે, માટે ભણવું પડશે. એ પછી નાનકડા જનબંધુના માથે હાથ મૂકીને ભણવાની સલાહ આપી હતી."

ડો. આંબેડકર સાથેની એ મુલાકાતે કિશોર વયનાં જનબંધુનાં જીવનની આખી દિશા જ બદલી નાખી હતી. મુલાકાત પહેલાં તેઓ ચિત્રકાર બનવા માંગતા હતાં, પણ ડો. આંબેડકરે તેમને માથે હાથ મૂકીને ઉચ્ચ અભ્યાસની સલાહ આપી એટલે પહેલાં તેઓ બી.એ. અને પછી એમ.એ. થઈને કલોલની શાંતિનિકેતન વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયાં હતા. ત્યારબાદ ગુજરાત સરકારમાં આરોગ્ય વિભાગ હેઠળ છોટાઉદેપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બી.ઈ.ઈ. તરીકે કારકિર્દી શરૂ કરી. અને ત્યાંથી ઝીણાભાઈ દરજીએ શરૂ કરેલ ‘20’ મુદ્દા કાર્યક્રમ સમિતિમાં તેમનાં પી.એ. તરીકે જોડાયાં હતા. છેલ્લે પછાત વર્ગ બોર્ડ અને અનુ.જાતિ નિગમમાં અનુક્રમે મેનેજર અને રિકવરી મેનેજર તરીકે સેવા આપી નિવૃત્ત થયાં હતા. 

એ વખતનાં ટોચનાં રાજકારણીઓનો આગ્રહ હોવા છતાં જનબંધુ કૌસંબીએ કદી ધારાસભ્ય કે સાંસદ પદની લાલચ રાખી નહોતી અને આજીવન બૌદ્ધ-આંબેડકરી ચળવળનાં પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહ્યાં હતાં. તેમની આ નિસ્વાર્થ સેવાની કદરરૂપે ગુજરાત સરકારે તેમને વર્ષ 2012-13નો ‘ડો. આંબેડકર એવોર્ડ’ એનાયત કર્યો હતો. આજે જ્યારે સરકારી સિસ્ટમ અને રાજકારણમાંથી આદર્શો, નીતિઓની સતત બાદબાકી થઈ રહી છે ત્યારે જનબંધુ કૌસંબી જેવા લોકોની કિંમત અનેકગણી વધી જાય છે.

માન્યવર કાંશીરામ સાથે પણ કામ કર્યું
જનબંધુ કૌસંબીએ માન્યવર કાંશીરામ સાથે પણ કામ કર્યું હતું. માન્યવર સૌ પ્રથમવાર ગુજરાતમાં વડોદરા ખાતે આવ્યા હતા. ત્યારે જનબંધુ કૌસંબી, જયપ્રકાશ પ્રેમ અને બી.એમ. પટેલ સાથે તેમની મુલાકાત થઈ હતી. 1979માં તેમને ગુજરાતના બામસેફ યુનિટના કન્વીનર બનાવવામાં આવ્યા હતા. એ પછી તેમણે માન્યવર સાથે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો.

બૌદ્ધ ધર્મની ચળવળમાં પણ તેમનો સક્રિય ફાળો રહ્યો હતો. બાબાસાહેબના પરિનિર્વાણ દરમિયાન મુંબઈમાં તેમના નશ્વર દેહ સમક્ષ તેમના પિતા રામજી મેઉવાળાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને કલોલ ખાતે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તા. 13-5-1957ને સોમવારના રોજ જનબંધુ કૌસંબી સહિત શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના અનેક કાર્યકરોએ બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. એ પછી તેમના પિતા રામજી મેઉવાળા, પાગલબાબા અને મોહનલાલ જે. સોલંકી સાથે તેમણે કુશીનારા, બુદ્ધગયા જઈને બૌદ્ધ તીર્થોનો અભ્યાસ કરી 23 નવેમ્બર 1975ના રોજ સારનાથ ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ બૌદ્ધ અધિવેશનમાં ડેલિગેટ તરીકે ભાગ લીધો હતો. નાગપુર ખાતે પણ 6-12-1975 થી 10-12-1975 સુધી ભરાયેલા અખિલ ભારતીય બૌદ્ધ શિખર સંમેલનમાં ગુજરાતી ડેલિગેટ તરીકે ભંતે શાંતરક્ષક, પાગલબાબા, અન્ના સદાશિવ, નાથાલાલ ગોહિલ સાથે ભાગ લીધો હતો. વર્ષ 2011માં તેમણે ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં બૌદ્ધ દર્શન વિભાગમાં એમ.એ.ના અનુસ્નાતક વર્ગમાં બૌદ્ધ પ્રાધ્યાપક તરીકે માનદ્ સેવા આપી હતી.

સામાજિક આંદોલનોમાં ભાગીદારી
જનબંધુ કૌસંબીએ સામાજિક અને કર્મચારી આંદોલનોમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ દ.આ.બ. કર્મચારી કામદાર મંડળ(1981) અને કર્મચારી ઉત્કર્ષ મહામંડળ(1985)ની સ્થાપનામાં પાયાના પથ્થર હતા. અનામતવિરોધી રમખાણો વખતે તેમણે સંદેશ દૈનિકમાં લેખ લખીને જુઠ્ઠાણા અને અફવાઓનો જડબાતોડ જવાબ આવ્યો હતો. દલિતો વિરોધી હુલ્લડોનો અહેવાલ અને ફોટાં સાથે તેઓ દિલ્હી પહોંચી સાંસદ હીરાભાઈ પરમાર મારફત સંસદમાં રજૂ કરાવવામાં સફળ રહ્યા હતા. વર્ષ 1981 અને 1985ના અનામત વિરોધી આંદોલન વખતે બંને વખત ગુજરાતમાં પ્રતિઆંદોલન કરવા અને પછાતવર્ગને મદદરૂપ થવા માટે તેમને કન્વીનર બનાવવામાં આવ્યા હતા. એ વખતે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. આવા અડીખમ યોદ્ધા જનબંધુ કૌસંબીની વિદાય સાથે ગુજરાતની આંબેડકરી, બુદ્ધિષ્ઠ ચળવળનો છેલ્લો સિતારો પણ ખરી પડ્યો છે.

જનબંધુ કૌસંબી પરનો The Untouched Story ની વીડિયો જોવા માટે આ લિંક પર ક્લિક કરો.

આગળ વાંચોઃ રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Darshan Shag
    Darshan Shag
    શ્રી જનબંધુ કૌસમ્બી સાહેબ પોતે આજીવન સમાજ ના વિકાસ માંટે યોગદાન આપેલ છે તેટલું જ નહીં પણ તેમના પિતાશ્રી રામજીભાઈ તેમજ તેમના દિકરા સ્વ. શ્રી કૃણાલભાઈ એ પણ સમાજ ને જે યોગદાન પૂરું પાડેલ છે. તે માટે સમાજ હમેશાં તેઓશ્રી નો રૂણી રહેશે. જયભીમ.... નમો બુધ્ધાય....
    2 months ago
  • Dr Mukesh chavda
    Dr Mukesh chavda
    Sat sat naman
    2 months ago
  • Dr.mukesh chavda
    Dr.mukesh chavda
    Janbandhu saheb Dr.Baba saheb ne malya hoy eva koi purava hoy to janavjo .
    2 months ago
  • મોહિન્દર મૌર્ય
    મોહિન્દર મૌર્ય
    કોટી કોટી વંદન..
    2 months ago