100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો

એક ગામમાં જાતિવાદીઓની બીકને કારણે 100થી વધુ પોલીસકર્મીઓની સુરક્ષા વચ્ચે એક દલિત યુવતીની જાન નીકળી હતી. છતાં લુખ્ખાઓએ હુમલો કર્યો હતો.

100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો
image credit - Google images

એક બાજુ ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસામાન્ય લાગતી શોધ કરી રહ્યાં છે. દક્ષિણ કોરિયાએ તો રોબો ટેકનોલોજીમાં પોતાનું આગવું નામ બનાવી દીધું છે. બીજી તરફ આપણો ભારત દેશ છે, જ્યાં બહુમતી હિંદુઓ મનુસ્મૃતિની વર્ણવ્યવસ્થા આધારિત વ્યવસ્થાને જ સર્વસ્વ માનીને તે મુજબ સૌ રહે તેમ ઈચ્છે છે.

કહેવા માટે તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે, દેશનું બંધારણ પણ એ જ આધાર પર અસ્તિત્વમાં આવ્યું છે. પણ જાતિવાદી તત્વો ખાસ કરીને મનુવાદી વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મને દેશમાં પ્રસ્થાપિત કરવા મથતા તત્વોના સૌને સમાન હક આપતા બંધારણ અને તેના પાલનને સ્વીકારતા નથી. 

જેના કારણે આજે પરિસ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે પોલીસની હાજરી હોવા છતાં જાતિવાદી તત્વો તેમના જાતિ અભિમાનને સહેજ પણ નીચું પડવા દેવા માંગતા નથી અને તેના માટે પોલીસ કે કાયદો વ્યવસ્થાની સ્થિતિની પણ તેમને કોઈ પરવા નથી. ગુજરાતમાં દલિત વર-વધુની જાન પર જાતિવાદી તત્વો દ્વારા અનેકવાર હુમલાઓ થયા છે. પણ સરકાર ખુદ આવી ઘટનાઓને ડામવામાં ઉણી ઉતરે છે, લુખ્ખા તત્વોને જામીન મળી જાય છે અને તેના કારણે તેના જેવા અન્ય તત્વોની હિંમત ખૂલી જાય છે અને તેઓ પણ દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર કરતા ખચકાતા નથી. ગુજરાતમાં જો આ સ્થિતિ હોય તો વિચારો યુપી, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા કટ્ટર જાતિવાદી રાજ્યોમાં શું સ્થિતિ હશે?

આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત દીકરીના લગ્ન ધામધૂમથી કરવાના તેના ભાઈઓના સપના પર જાતિવાદી તત્વોએ પાણી ફેરવી દીધું છે. યુવતીના ભાઈઓને ગામના મુખ્ય રસ્તેથી જાન આવશે ત્યારે ગામના જાતિવાદી તત્વો તેના પર હુમલો કરશે તેવી શંકા હતી. આથી જ તેમણે પોલીસ સુરક્ષા મેળવી લીધી હતી. એ પછી સ્થાનિક પોલીસના 100થી વધુ જવાનોને જાનના રૂટ પર ખડકી દેવામાં આવ્યા હતા.

જો કે, આટલી મોટી સંખ્યામાં પોલીસની હાજરી હોવા છતાં જાતિવાદી તત્વોએ દલિત યુવતીની જાન પર પથ્થમારો કરીને મોટો હુમલો કર્યો હતો. હુમલાખોર તત્વોએ પોલીસની ગાડીને પણ નિશાન બનાવી હતી અને જાનની અંદર ઘૂસી જઈને જાનૈયાને પણ ફટકાર્યા હોવાનું કહેવાય છે.

મામલો મહિલાઓ પર સૌથી વધુ અત્યાચાર થાય છે તે રાજસ્થાનનો છે. અહીં ભરતપુર જિલ્લાના ચિકણાસા પોલીસ સ્ટેશનના નૌગાયા ગામમાં ગઈકાલે એક દલિત યુવતીની જાનમાં ગામના જાતિવાદી તત્વોએ તોફાન મચાવ્યું હતું. લુખ્ખા તત્વોએ દલિત દીકરીની જાન પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસવાનને પણ નિશાન બનાવી હતી. જાતિવાદી તત્વોએ હોબાળો મચાવતા એક તાજી ચણેલી દિવાલને તોડી પાડીને જાન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા અને અનેક લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.

જો કે, પોલીસ પથ્થરમારાની ઘટનાનો ઈનકાર કરી રહી છે, પણ ઘટનાને નજરે જોનાર લોકો પથ્થરમારો થયો હોવાનું સ્પષ્ટપણે જણાવી રહ્યાં છે. આથી પોલીસે પથ્થરમારાના આરોપસર ચાર લોકોની અટકાયત કરી છે.

યુવતી દલિત સમાજની હોવાથી તેની જાન આવશે ત્યારે કંઈક નવાજૂની થશે તેવી ભીતિ તેના પરિવારજનો અને વાસના લોકોને પહેલેથી હતી. એટલે જ તેમણે જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપીને સુરક્ષાની માંગ કરી હતી. જેને લઈને 100થી વધુ જવાનોની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યુવતીની જાન નીકળી હતી.

જાનમાં સામેલ એક સ્થાનિક દલિત સમાજની વ્યક્તિના જણાવ્યા પ્રમાણે, "પોલીસની સુરક્ષા વચ્ચે જાન આગળ વધી રહી હતી, ત્યારે જ અચાનક ઠાકુર સમાજની કેટલીક મહિલાઓએ રસ્તા વચ્ચે આવી જઈને જાનને આગળ વધતી અટકાવી હતી. એ પછી ગામના સવર્ણોએ અચાનક હોબાળો મચાવ્યો હતો. પોલીસ તેમને રસ્તા વચ્ચેથી હટાવી રહી હતી ત્યારે અચાનક દિવાલ પર બેઠેલા કેટલાક લોકોએ નીચે ઉતરીને દિવાલને ધક્કો મારીને પાડી દીધી હતી અને પછી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. દિવાલ પડવાથી પોલીસવાનને નુકસાન થયું હતું અને બે લોકો ઘાયલ થઈ ગયા હતા. આ સિવાય પણ અનેક લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી."

આ પણ વાંચો: આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?

આ ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા મૃદુલા કચ્છવાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, "એક મકાનની ઉપર એક દિવાલ બનેલી હતી, જે અચાનક પડી ગઈ હતી. જેના કાટમાળના કારણે પોલીસવાનનો કાચ તૂટી ગયો હતો." જોકે, જાનમાં સામેલ દલિત સમાજના લોકોનું કહેવું છે કે, "ગામના કેટલાક માથાભારે લોકોને અમે જાન લઈને અહીંથી નીકળીએ તે પસંદ નહોતું એટલે તેમણે પથ્થરમારો કર્યો હતો. પોલીસ તેમને છાવરી રહી હોય તેમ લાગે છે. પથ્થરમારો કરવામાં અનેક લોકો સામેલ હતા પણ પોલીસે 4 આરોપીઓની ફક્ત અટકાયત કરી છે."

બહેનના લગ્ન ધામધૂમથી કરવાનું ભાઈઓનું સપનું રોળાયું

આ ઘટનાને લઈને યુવતીના ભાઈ રાજવીર સિંહે જણાવ્યું હતું કે, "મારું નાની બહેનના લગ્ન ધામધૂમથી કરવાનું સપનું રોળાઈ ગયું છે. હું સરકારી શાળામાં શિક્ષક છું. મારી બહેન આશાકુમારી અમારી ત્રણ ભાઈઓની એકમાત્ર બહેન છે. અમે તેના લગ્ન ધામધૂમથી કરવા માંગતા હતા. આશાના લગ્ન નદબઈ તાલુકાના કૈલૂરી ગામના રહેવાસી મનોજ સાથે નક્કી થયા હતા. અમે બહેનની જાન એ જ રીતે કાઢવા માંગતા હતા જે રીતે ગામના અન્ય સમાજના લોકો કાઢે છે. પણ ગામના કેટલાક માથાભારે તત્વોને એ પસંદ નહોતું. જેમાં મુંશી પહેલવાન, પુષ્પેન્દ્ર પંડિત, ભલ્લૂ ઠાકુર, દેશરાજ ઠાકુર, ચંદન ઠાકુર, દિલીપ પંડિત, મહાવીર ઠાકુર મુખ્ય છે. જ્યારે અમે મારી બહેનની જાન લઈને ઘરેથી નીકળ્યા તો આ લોકોએ તેના પર પથ્થરમારો કર્યો હતો અને અમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી."

100 પોલીસનું ધાડું ખડકાયું છતાં હુમલો થયો

આ આખી ઘટનામાં સૌથી શરમજનક બાબત એ રહી કે દલિત યુવતીના પરિવારજનોએ પહેલેથી જ પોલીસ સુરક્ષા માંગી હતી અને 100થી વધુ પોલીસકર્મીઓનું આખું ધાડું ગામમાં ખડકી દેવાયું હતું તેમ છતાં લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. પોલીસ માટે આનાથી મોટી શરમજનક બાબત બીજી કઈ હોઈ શકે કે, કોઈ વ્યક્તિએ તમારી પાસે સુરક્ષા માંગી હોવા છતાં તમે તેને તે આપી ન શક્યા.

એડિશનલ પોલીસ અધિક્ષક ડો. લાલચંદ કયાલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડાને દલિત યુવતીના પરિવારજનોએ પહેલા જ આવેદનપત્ર આપીને જાણ કરી દીધી હતી કે, ગામના કેટલાક જાતિવાદી માથાભારે તત્વો તેમની બહેનની જાન પર હુમલો કરી શકે છે. જેને લઈને જિલ્લા પોલીસ તંત્રે 100થી વધુ પોલીસનો કાફલો જાન વખતે ખડકી દીધો હતો. 

જેમાં એએસપી લાલચંદ કયાલ, એસપી અખિલેશ શર્મા, સીઓ ગ્રામીણ આકાંક્ષા કુમારી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે અંદાજે 100થી વધુ પોલીસકર્મીઓ, ડીએસટી અને ક્યૂઆરટી ટીમ મોજૂદ હતી. 

તેમ છતાં જાતિવાદી તત્વોએ હુમલો કર્યો અને કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રનું નાક વાઢી લીધું હતું. જાણે આડકતરી રીતે પોલીસને મેસેજ ન આપતા હોય કે, તમે ભલે બંધારણમાં કરાયેલી જોગવાઈ મુજબ દલિત પરિવારને તેના બંધારણીય હકો અપાવવા આવ્યા હો, પણ આ અમારું ગામ છે અને અમારા માટે જાતિ જ અગત્યની છે, અને જાતિ વ્યવસ્થાને અમે કોઈપણ ભોગે તૂટવા નહીં દઈએ.

જાતિવાદી તત્વોએ પોલીસની સુરક્ષા વચ્ચે નીકળેલી જાન પર પથ્થરમારો કરીને સીધી જ કાયદો વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે, પોલીસ આ મામલે શું પગલાં ભરે છે.

આ પણ વાંચો: દલિત મહિલા કોન્સ્ટેબલ પર દરબાર પડોશીએ તલવારથી હુમલો કર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.