'કાગજ' ફિલ્મ જેવો કિસ્સો : જીવતા દલિત યુવકને પંચાયતે મૃત જાહેર કરી દીધો

પંકજ ત્રિપાઠીની 'Kaagaz' ફિલ્મ જેવો કિસ્સો. દલિત યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે હવે મહિનાઓથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે, પણ કોઈ સાંભળતું નથી.

'કાગજ' ફિલ્મ જેવો કિસ્સો : જીવતા દલિત યુવકને પંચાયતે મૃત જાહેર કરી દીધો
image credit - Google images

પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'Kaagaz' જેવો એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે. ફિલ્મમાં અભિનેતા એક એવી વ્યક્તિનો રોલ કરે છે જે જીવતો હોવા છતાં સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવાય છે. આ ફિલ્મની સ્ટોરી બિહારના એક ગામની હતી. હવે આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે. અહીં એક દલિત યુવકને ગ્રામ પંચાયતે મૃત જાહેર કરી દીધો હતો અને તેના નામે કોઈએ અંતિમક્રિયા માટેની રૂ. 5000ની સરકારી સહાય પણ મેળવી લીધી હતી. હવે યુવક પોતાને જીવિત જાહેર કરવા માટે થઈને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે.

મધ્યપ્રદેશના બાગલખેડની ઘટના

ઘટના મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના માખનનગર તાલુકાના બાગલખેડી ગામનો છે. અહીં રહેતા એક દલિત યુવક નરેશ અહિરવારને વર્ષ 2020 માં સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં કોઈએ તેના અંતિમ સંસ્કાર માટેની 'અંતિમ સંસ્કાર સહાય' યોજનાના નામે 5,000 રૂપિયા ઉપાડી લીધાં હતા. આ છેતરપિંડી ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ફરિયાદી નરેશ અહિરવારે તેની પત્નીની ડિલિવરી પછીની સબલ સ્કીમ હેઠળ ઓનલાઈન નોંધણી માટે અરજી કરી.

આ પણ વાંચોઃ 'વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે' કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો

નરેશ અહિરવારે જણાવ્યું કે વર્ષ 2020માં તત્કાલીન ગ્રામ પંચાયત તલાટી સંજુ અહિરવાર અને પૂર્વ સરપંચ સુરેખા યાદવે તેને સરકારી દસ્તાવેજોમાં મૃત જાહેર કરી દીધો હતો. એટલું જ નહીં, 13 જુલાઈ, 2020 ના રોજ અંતિમ સંસ્કાર સહાય તરીકે તેમના નામે 5000 રૂપિયા પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. નરેશને આ છેતરપિંડી વિશે ત્યારે ખબર પડી જ્યારે તેણે 23 નવેમ્બર 2024 ના રોજ તેની પત્ની ભારતી અહિરવારની ડિલિવરી પછી સરકારી યોજનાના લાભો મેળવવા માટે અરજી કરી. નરેશે 24 ડિસેમ્બર 2024ના રોજ કલેક્ટર ઓફિસ અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટમાં આ છેતરપિંડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.

સરકારી તંત્રના લહેરિયા ખાતાની પોલ ખૂલી

આ ઘટના સરકારી તંત્રમાં કેવું લહેરિયું ખાતું ચાલે છે તેની સાથે ગ્રામીણ સ્તરે પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને સરકારી તંત્રમાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે. સરકારી દસ્તાવેજોમાં પોતાને જીવતો સાબિત કરવા માટે નરેશે અનેક અરજીઓ કરી છે. પરંતુ હજુ સુધી ન તો સરકાર તેને જીવતો માનવા તૈયાર છે, ન તો આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નરેશ અહિરવારે મીડિયા સાથે વાચ કરતા જણાવ્યું હતું કે, "મારા માટે અત્યંત શરમજનક અને પીડાદાયક છે કે સરકારી રેકોર્ડમાં મને મૃત જાહેર કરવામાં આવ્યો છે. આ છેતરપિંડીના કારણે હું મારી પત્ની માટે સગર્ભા યોજનાનો લાભ પણ મેળવી શક્યો નહીં. જ્યારે મેં આનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને ધમકીઓ મળી છે, હું ઈચ્છું છું કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મારી ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે."

આરોપીઓ સામે હજુ સુધી કાર્યવાહી નહીં

તેણે વધુમાં જણાવ્યું કે, "ગામના કેટલાક માથાભારે લોકો અને પંચાયતના અધિકારીઓ યોજનાઓનો દુરુપયોગ કરી રહ્યા છે. હું મજૂરી કરીને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આવી સ્થિતિમાં આ પ્રકારની છેતરપિંડીથી મને આર્થિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડી રહી છે. મેં ફરિયાદ નોંધાવી હતી, ન્યાય માટે અમે કલેક્ટર અને પોલીસ અધિક્ષકને પણ અરજી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

બાગલખેડીના વર્તમાન સરપંચ રામભરોષ યાદવે જણાવ્યું હતું કે, "એ વાત સાચી છે કે નરેશને અગાઉ સરકારી રેકોર્ડમાં મૃત જાહેર કરીને તેના નામે યોજનાના ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી. આ કારણે તે હવે કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ શકતો નથી. આ બધું પૂર્વ સરપંચ સુરેખા યાદવના કાર્યકાળમાં થયું છે. આ એક ગંભીર ગેરરીતિ છે અને હું ઈચ્છું છું કે તંત્ર તેની તપાસ કરે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરે."

આ પણ વાંચોઃ  દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.