'વિદ્યાની દેવી સાવિત્રીબાઈ છે' કહેનાર શિક્ષિકાને 10 મહિનાથી પગાર નથી મળતો
શાળાના કાર્યક્રમમાં 'વિદ્યાની અસલી દેવી સરસ્વતી નહીં સાવિત્રીબાઈ છે' એમ કહેનાર એ વાયરલ વીડિયોની દલિત શિક્ષિકા યાદ છે? આ તેમની વાત છે.
આજે 3 જાન્યુઆરી એટલે ખરા અર્થમાં વિદ્યાની દેવી એવા માતા સાવિત્રી બાઈ ફૂલેની જન્મજયંતિ. તેમણે મહિલાઓ અને સમાજના બહિષ્કૃત વર્ગના લોકોને શિક્ષણ આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી, ભારતની પ્રથમ મહિલા શિક્ષિકાના યોગદાનને બહુજન સમાજ આજે પણ યાદ કરે છે. માતા સાવિત્રીબાઈ ફૂલે દરેક મહિલા, ખાસ કરીને દલિત અને બહુજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે. બાળલગ્ન, સતી પ્રથા, વિધવા મુંડન જેવા અનેક દુષણોનો વિરોધ કરનાર સાવિત્રીબાઈએ પિતૃસત્તાક સમાજનો વિરોધને સહન કરીને કન્યાઓ માટે પ્રથમ શાળા ખોલી હતી. મનુવાદીઓના સાશનમાં આજે પણ તેમનું કદ નાનું કરવા માટે શક્ય દરેક તરકીબ અજમાવવામાં આવે છે. જો કે અમુક વિદ્રોહી પ્રકૃતિના લોકો મનુવાદીઓને ટક્કર આપતા રહે છે અને માતા સાવિત્રીબાઈના શિક્ષણ અને સમાનતાના વારસાને સન્માન આપવાના પ્રયાસો કરતા રહે છે. આવા જ એક વિદ્રોહી શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના દલિત સમાજમાંથી આવતા હેમલતા બૈરવા.
વર્ષ 2024ની 26મી જાન્યુઆરી તમને યાદ હોય તો એ પણ યાદ હશે કે એક દલિત મહિલા શિક્ષિકા પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં વિદ્યાની દેવી કહેવાતા સરસ્વતીને બદલે દેશની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકીને તેમના મહાન કાર્યોની ઉપસ્થિત સૌને સમજણ આપી રહી હતી. એ દરમિયાન કેટલાક મનુવાદીઓ ત્યાં આવી પહોંચે છે અને શિક્ષિકાનો વિરોધ શરૂ કરી દે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને પછી શિક્ષિકા પર સરકાર કાર્યવાહી કરે છે અને તેમની અંતરિયાળ વિસ્તારમાં ટ્રાન્સફર કરી દે છે. આ શિક્ષિકા એટલે રાજસ્થાનના બારાના વતની અને બહુજન સમાજમાંથી આવતા હેમલતા બૈરવા. બહુજન મહાનાયક ડો.આંબેડકર અને માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલેના યોગદાનને બરાબર સમજતા હેમલતા બૈરવા મનુવાદી સિસ્ટમનો ભોગ બન્યાં છે. આજે પણ મનુવાદી તંત્ર તેમને હેરાન કરવાની કોઈ કસર બાકી નથી રાખી રહ્યું.
આ પણ વાંચોઃ ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ફૂલે દંપતી સાથે કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી
હેમલતા બૈરવાઃ માતા સાવિત્રીબાઈના સંઘર્ષનું વર્તમાન પ્રતીક
રાજસ્થાનના બારા જિલ્લામાં આવેલી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળા લકડાઈની શિક્ષિકા હેમલતા બૈરવા માતા સાવિત્રીબાઈ ફૂલેના સંઘર્ષનું પ્રતીક બની ગયા છે. 2024ના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર માત્ર ડૉ. બાબાસાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની તસવીરો જોયા બાદ કેટલાક લોકોએ સરસ્વતીની તસવીર રાખવાનો આગ્રહ કર્યો હતો. હેમલતા બૈરવાએ તેનું ખંડન કર્યું અને સ્પષ્ટપણે કહ્યું, "વિદ્યાની અસલી દેવી સાવિત્રીબાઈ ફૂલે છે." તેમના આ સાહસિક પગલાએ સ્થાનિક જાતિવાદી માનસિકતાને પડકારી હતી, પરંતુ તેના પરિણામે તેમની સામે વિભાગીય કાર્યવાહીની સાથે FIR દાખલ કરવામાં આવી હતી. તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમનું મુખ્ય મથક બિકાનેર કરી દેવામાં આવ્યું.
માર્ચ 2024થી પગાર નથી મળ્યો
જો કે તેઓ કાયદાકીય લડાઈ જીતીને એપ્રિલમાં નિર્દોષ સાબિત થયા હતા, એ પછી જુલાઈમાં તેમને પોસ્ટિંગ પણ મળ્યું હતું, પરંતુ માર્ચ 2024 થી તેમને પગાર નથી મળી રહ્યો, જેના કારણે હેમલતા બૈરવા અને તેમનો પરિવાર ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેમના બે બાળકો, જેઓ કોટામાં NEET અને REET ની તૈયારી કરી રહ્યા છે, તેમને કપરી પરિસ્થિતિમાં અભ્યાસ ચાલુ રાખવાની ફરજ પડી છે. કોટામાં તેમના બાળકોના રૂમનું ભાડું ઘણાં મહિનાઓથી બાકી છે, જ્યારે હેમલતા પોતે છીપા વડોદમાં 2,000 રૂપિયા ભાડાના રૂમમાં રહે છે. એક-એક પાઈ માટે સંઘર્ષ કરતા હેમલતા હાલ એક ટંક જમીને જીવન ગુજારી રહ્યાં છે.
સિંગલ મધર હેમલતા બૈરવા માથે બે બાળકોની જવાબદારી
સિંગલ મધર હોવાના કારણે હેમલતા પોતાના બંને બાળકોને એકલા જ ઉછેરે છે. તેઓ છેલ્લા 4-5 વર્ષથી તેમના પતિથી અલગ રહે છે. B.Ed પાસ હોવા છતાં તેમના પતિ કોઈ કામ નથી કરતા કે નથી બાળકોની કોઈ જવાબદારી લેતા.
હેમલતા કહે છે, "મારો દીકરો નિહાલ NEETની તૈયારી કરી રહ્યો છે, દીકરી REET ની કોચિંગ કરી રહી છે, બંને એક રૂમમાં સાથે રહે છે જેનો જમવાનો અને રહેવાનો ખર્ચ 7 હજાર રૂપિયા છે. હું ઘણા સમયથી આ પૈસા પણ ચૂકવી શકી નથી. મકાનમાલિકો મારા સમાજના છે, તેઓ મારી સમસ્યા સમજીને બહુ બોલતા નથી. આવા સારા લોકોના સહકારથી દિવસો જેમતેમ કરીને પસાર થઈ રહ્યા છે."
ફક્ત એક ટંક જમે છે
શાળામાં થયેલા વિવાદ પહેલા હેમલતાએ બેંકમાંથી પર્સનલ અને કાર લોન લીધી હતી, પરંતુ લગભગ છ મહિનાથી તે તેના હપ્તા ચૂકવી શકી નથી. હેમલતા કહે છે, "હજુ સુધી બેંક તરફથી કોઈ નોટિસ મળી નથી, પરંતુ જો જલ્દી પગાર નહીં મળે તો મુશ્કેલીઓ વધી જશે." ગરીબીની સ્થિતિ એવી છે કે હેમલતા માત્ર એક જ વખત ભોજન ખાઈને જીવન જીવવા મજબૂર છે. ફિક્કું હસતા તેઓ કહે છે, "હું સવારે ચા, બિસ્કિટ કે એવું કંઈક ખાઈ લઉં છું અને પછી સાંજે જ જમું છું." મુશ્કેલભર્યા આ દિવસોમાં હેમલતાને તેમના પિતા અને ભાઈનો ટેકો છે, જેઓ તેમને શક્ય તેટલી મદદ કરે છે.
બાકી પગાર માટે કોર્ટમાં અરજી ન કરવા પાછળનું કારણ પૂછતાં હેમલતા કહે છે કે વકીલની ફી વધારે છે જેના કારણે તે અત્યારે અરજી કરી શકતી નથી.
ઉલ્લેખનીય છે કે, અનુસૂચિત જાતિના અધિકારીઓ અને કર્મચારીઓના સંગઠન ડો. આંબેડકર શિડ્યુલ્ડ કાસ્ટ ઓફિસર્સ એમ્પ્લોઇઝ એસોસિએશન (AJAK)એ હેમલતાના સસ્પેન્શન બાદ તેમની સામે ચાલી રહેલો કેસ લડવા માટે રૂ. 50,000 ની આર્થિક મદદ કરી હતી. હેમલતાને એક વકીલની જરૂર છે જે તેમની મદદ માટે આગળ આવે.
પોલીસે એક વર્ષ સુધી એફઆઈઆર પર કાર્યવાહી ન કરી
હેમલતા બૈરવાની ફરિયાદ પર પોલીસે બે શિક્ષકો ભૂપેન્દ્ર સેન અને હંસરાજ સેન અને કેટલાક સ્થાનિક લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને IPCની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. હેમલતાએ એફઆઈઆરમાં બંધારણની કલમ 28નો ઉલ્લેખ કરીને સરકારી શાળામાં સરસ્વતી પૂજાનો વિરોધ કર્યો હતો. બીજી બાજુ, ગામલોકોએ તેમની વિરુદ્ધ IPCની કલમ 295A અને 153A હેઠળ સામી ફરિયાદ નોંધાવી તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. હેમલતાએ કહ્યું કે પોલીસે હજુ સુધી એક પણ આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી, અને કેસ હજુ પેન્ડિંગ છે, તેમ કહીને તેની તપાસ ચાલી રહી છે.
તેઓ વધુમાં કહે છે, "મેં ઘણી વખત આઈજી સાહેબ અને અન્ય અધિકારીઓને આરોપીઓ સામે પગલાં લેવા વિનંતી કરી છે, પરંતુ પોલીસ ચાર્જશીટ રજૂ કરતી નથી અને ગુનેગારોને રક્ષણ આપી રહી છે. મારો વિરોધ બંધારણની જોગવાઈઓ પર આધારિત હતો અને કોઈની ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નહોતો."
મારું અસ્તિત્વ સાવિત્રીબાઈના કારણે છે
અંતે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને તેમના કાર્યનો પસ્તાવો છે અથવા તે હજુ પણ સાવિત્રીબાઈ ફુલેના સન્માન માટે લડવા માટે મક્કમ છે? ત્યારે હેમલતા કહે છે, "મેં કંઈ ખોટું કર્યું નથી. માતા સાવિત્રીબાઈના યોગદાનને કારણે જ મારું અસ્તિત્વ છે. ભલે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ હું માતા સાવિત્રીબાઈ-જ્યોતિબા ફૂલે, બાબાસાહેબ અને બંધારણના સન્માન માટે મારી લડાઈ ચાલુ રાખીશ."
આ પણ વાંચોઃ સરસ્વતીની જગ્યાએ માતા સાવિત્રીબાઈ ફૂલેનો ફોટો મૂકનાર દલિત શિક્ષિકા સસ્પેન્ડ