બંદૂક બતાવી લુખ્ખાઓએ દલિત યુવકની જાન રોકી, ડીજે બંધ કરાવી તોફાન મચાવ્યું
દલિત યુવકનો વરઘોડો ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અડધો ડઝન લોકોએ મળી તેને અટકાવ્યો. અન્ય એક ઘટનામાં ગુંડાએ બંદૂક બતાવી જાન રોકી દીધી.
દેશના ઉત્તર ભાગમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને તેની સમાંતરે જાતિવાદી તત્વો પણ કાળોતરા નાગની જેમ ફેણ માંડીને બેઠાં થઈ ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લગ્નસરાની મોસમ શરૂ થતાની સાથે જ જાતિવાદી તત્વો દ્વારા દલિત યુવક કે યુવતીના વરઘોડા કે જાન પર હુમલાની ઘટનાઓ બનવા માંડી છે. આવી જ બે દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે.
મામલો બટેંગે તો કટેંગે ફેઈમ જાતિવાદના એપીસેન્ટર ઉત્તરપ્રદેશનો છે. અહીં સહારનપુરમાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાના વરઘોડાને પોતાના ઘર પાસેથી પસાર થતા રોક્યો હતો. લુખ્ખા તત્વોએ વરઘોડામાં રહેલું ડીજે બંધ કરાવીને હોબાળો મચાવ્યો હતો. માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે બંને પક્ષો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સહારનપુરના છછરોલી ગામની ઘટના
ઘટના નાનૌતા તાલુકાના છછરોલી ગામનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા નાથીરામના પુત્ર મનોજના વરઘોડાને જાતિવાદી તત્વોએ અટકાવીને હોબાળો મચાવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં નાથીરામે જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે તેમના પુત્ર મનોજનો વરઘોડો નીકળ્યો હતો. જ્યારે વરઘોડો કથિત ઉચ્ચ જાતિના લોકો (મનુમીડિયા દ્વારા આરોપીઓના નામ, જાતિ છુપાવવામાં આવ્યા છે.) ના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ત્યાંથી અડધો ડઝન જેટલા યુવકો વરઘોડો રોકીને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા હતા. તેમણે વરરાજાના પરિવારજનોને વરઘોડો અહીંથી પસાર નહીં થાય, જો થશે તો પરિણામ સારું નહીં આવે તેવી તેવી ધમકી આપી હતી. લુખ્ખા તત્વોએ વરઘોડામાં સામેલ ડીજે બંધ કરાવી દીધું હતું અને મહેમાનો સહિતના લોકોને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યા હતા. લુખ્ખા તત્વોએ હોબાળો મચાવતા વરરાજાના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. વરરાજાના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ 100થી વધુ પોલીસ ખડક્યાં, છતાં દલિત દીકરીની જાન પર હુમલો થયો
પોલીસે આવતા જાતિવાદીઓની હવા નીકળી ગઈ!
સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી હાથ ધરાતા જાતિવાદી તત્વોની દાદાગીરી નીકળી ગઈ હતી અને તરત તેઓ બચાવમુદ્રામાં આવી ગયા હતા. પોલીસ આગળ તેમણે કહ્યું કે, તેમના ઘરમાં વૃદ્ધ બીમાર હોવાથી તેમણે ધીમા અવાજમાં ડીજે વગાડવાનું કહ્યું હતું. જો કે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એસપી રૂરલ સાગર જૈનનું કહેવું છે કે આ મામલે બંને પક્ષ તરફથી ફરિયાદ નોંધવામાં આવી છે. અમે કેસ નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
બરેલીમાં જાતિવાદીએ બંદૂક બતાવી જાન રોકી
આવી જ અન્ય એક ઘટના બરેલીમાં પણ બની હતી. જ્યાં એક જાતિવાદી ગુંડાએ બંદૂક બતાવીને દલિત યુવકની જાન રોકી હતી. જોકે, અધિકારીઓના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ગત શુક્રવારે બની હતી.
મળતી માહિતી મુજબ જગન્નાથપુર ગામના રહેવાસી કુંવરપાલની દીકરીની જાન સોના ગામથી આવી હતી. ડીજે મ્યુઝિક સાથે જાન આગળ વધી રહી હતી ત્યારે ગામનો કથિત માથાભારે જાતિનો યુવાન પિસ્તોલ લઈને જાન વચ્ચે આવીને ઉભો રહી ગયો હતો અને તેને અટકાવી દીધી હતી. યુવકની આવી હરકતથી મહેમાનો સાથે તેની બોલાચાલી થઈ હતી. જોકે, વરરાજાના પક્ષના લોકોએ તેને પકડી લીધો હતો. દરમિયાન તેની પિસ્તોલ નીચે પડી હતી, આ જોઈને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. જો કે યુવકે અપશબ્દો બોલી અને પિસ્તોલ તાકીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ પણ વાંચોઃ દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું