દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું

લગ્નની સિઝનની સમાંતરે દલિત વરરાજાની જાન પર હુમલા પણ થઈ રહ્યાં છે. એક ઘટનામાં વરરાજાને જાતિવાદીઓએ બગીમાંથી ઉતારી માર મારી જાન પર હવાઈ ફાયરિંગ કર્યું.

દલિત વરરાજાને બગીમાંથી ઉતારી ફટકાર્યા, જાન પર હવાઈ ફાયરિંગ કર્યું
all image credit - Google images

ગુજરાત સહિત દેશભરમાં લગ્નની સિઝન શરૂ થાય એટલે તેની સમાંતરે દલિત વરરાજાની જાન પર પથ્થરમારો, વરઘોડો ન કાઢવા દેવો, ઘોડી પર બેસતા અટકાવવા, ડીજે ન વગાડવા દેવું, જાનને ગામના રસ્તાઓ પરથી પસાર ન થવા દેવી જેવી ઘટનાઓ પણ બનવા લાગે છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટનાઓ બને છે પણ મનુવાદી મીડિયા તેની નોંધ પણ લેતું નથી. તેનાથી ઉલટું જો કોઈ મનુવાદીની જાન સાથે આવું બન્યું હોય તો આખા દેશમાં હો હા કરી મૂકે છે. મનુવાદી મીડિયાનું સ્ટેન્ડ એકદમ સ્પષ્ટ છે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ પર અત્યાચાર થાય અને આરોપી કથિત સવર્ણ જાતિનો હોય તો તેનો ગુનો ગમે તેટલો મોટો હોય તો પણ તેનો બચાવ કરવો અને પીડિતને જ આરોપી ચીતરવા પ્રયત્ન કરવો. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. 

ગુજરાતમાં થોડા મહિના પહેલા જ ઉત્તર ગુજરાતના બે ગામોમાં દલિત વરરાજાની જાન સાથે જાતિવાદીઓએ ગેરવર્તન કર્યાની ઘટના બની હતી. એ પછી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં દલિતોએ હિંમતપૂર્વક વરઘોડો કાઢ્યો હતો. જો કે દરેક જગ્યાએ આવું બની શકતું નથી. કેમ કે, જાતિવાદી તત્વો ક્યાંક વધુ બેફામ હોય છે અને રાજકીયથી લઈને પોલીસ બેડાં સુધી તેમની પહોંચ હોવાથી તેમને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર નથી રહેતો.

દલિત વરરાજાને બગીમાંથી ઉતારી માર્યા
કંઈક આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ એક દલિત વરરાજાને બગીમાંથી નીચે ખેંચીને માર માર્યો હતો. એટલું જ નહીં, બગીમાં તોડફોડ કરી તેની છત્રી અને લાઈટો તોડીને ગટરમાં ફેંકી દીધી હતી. વરરાજા અને જાનમાં આવેલા તેમના મહેમાનોને જાતિસૂચક ગાળો આપીને અપમાન કર્યું હતું અને જાન પર ઘર ઉપરથી પાણીનો મારો ચલાવ્યો હતો. જાતિવાદીઓ આટલેથી પાછા વળ્યા નહોતા અને તેમણે જાન વચ્ચે ઘૂસી જઈને બંદૂક અને પિસ્તોલથી હવાઈ ફાયરિંગ કરી ભય ફેલાવ્યો હતો. મામલો ફક્ત એટલો જ હતો કે દલિત વરરાજાની જાન તેમના ઘર આગળથી પસાર થઈ હતી જે જાતિવાદી તત્વોને ગમ્યું નહોતું. આ મામલે હવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી

ડીજે તોડી નાખ્યું, વગાડનારને પણ માર્યો
દેશમાં જાતિવાદની મોટાભાગની ઘટનાઓ મુખ્યત્વે ત્રણ રાજ્યોમાં બને છેઃ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ. આ ઘટના મધ્યપ્રદેશની છે. અહીં ગ્વાલિયર જિલ્લાના કરહિયા ગામમાં ગત 20મી મેના રોજ રિઠોદણથી જાન આવી હતી. સમગ્ર ઘટનામાં વરરાજાના ભાઈએ 22મી મે એ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે જાન નીકળી રહી હતી એ દરમિયાન જાતિવાદી તત્વોએ વરરાજાને બગીમાંથી ખેંચીને નીચે ઉતારી દીધા હતા અને માર માર્યો હતો. વરરાજા નરેશ જાટવને બચાવવા માટે જાનૈયા વચ્ચે પડતા તેમને પણ માર્યા હતા. એ પછી ડીજે વગાડનાર વ્યક્તિને પણ ફટકાર્યો અને ડીજે પર પથ્થરમારો કરીને તોડફોડ કરી. તેની સાથે જોડાયેલી ડિસ્કો લાઈટને તોડી નાખી અને સાઉન્ડ સિસ્ટમને પણ ઉખાડીને ફેંકી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

વરરાજાની સોનાની ચેઈન લૂંટી ગયા
વરરાજાના પિતરાઈ ભાઈ રિંકુ જાટવે જણાવ્યું હતું કે આરોપીઓ તેમના ઘર સામેથી વરરાજાને બગીમાં બેસીને પસાર થવા દેવાનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે વરરાજાને બગીમાંથી ખેંચીને પાડી દીધા હતા અને તેની સોનાની ચેઈન પણ લૂંટી લીધી હતી.  હુમલાખોરો સંજય, દલબીર, સંદીપ અને અનિલ રાવતે જાનમાં ભય ફેલાવવા માટે બંદૂક અને પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી ગઈ હતી અને બંને પક્ષોને શાંત પાડીને સમાધાન કરાવવા પ્રયત્ન કરી જાનને આગળ વધારી હતી.

સામસામે ફરિયાદ નોંધાઈ
હવે મોટાભાગના એટ્રોસિટીના કેસોમાં બને છે તેમ આ કેસમાં પણ જાતિવાદી તત્વોએ સામી ફરિયાદ નોંધાવી છે. દલિતો પર અત્યાચાર કર્યા પછી એટ્રોસિટીની ફરિયાદને નબળી પાડવા માટે આ કારસો હવે તો પોલીસ જ કથિત સવર્ણોને શીખવાડી ચૂકી છે. એટલે અહીં પણ આરોપીઓએ પીડિતોની સામે ફરિયાદ નોંધાવી છે કે, જાનૈયાઓ જાન નીકળી ત્યારે રૂપિયા ઉડાડી રહ્યા હતા અને કેટલીક નોટો મહિલાઓ પર પડી હતી. અને મનાઈ કરી તો જાનૈયા ઝઘડો કરવા લાગ્યા હતા. પોલીસે આ વાત માન્ય રાખીને ફરિયાદ નોંધીને આરોપોની તપાસ શરૂ કરી છે.

આ મામલે એએસપી નિરંજન શર્માએ મીડિયા સાથે વાતચીત કરવા જણાવ્યું હતું કે, દલિત વરરાજાની જાન પર હુમલો થયો છે અને તેમને પણ માર મારવામાં આવ્યો છે. સામે પક્ષે પણ મહિલાઓ સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે. અમે બંને પક્ષના આરોપોની તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ 'અબકી બાર ચારસો પાર' નો નારો અને ડૉ.આંબેડકરની ચેતવણી

દલિતોએ એસપી ઓફિસ બહાર ઘરણાં કર્યા
એટ્રોસિટીની ફરિયાદમાં કડક કાર્યવાહી નહીં કરવાની જાણે આપણી પોલીસને આદત પડી ગઈ હોય તેવી સ્થિતિ છે. એનું જ કારણ છે કે એટ્રોસિટીના કેસોમાં આરોપીઓને સજાનો દર 5 ટકાની પણ અંદર છે. આ કેસમાં પણ પોલીસ દ્વારા આરોપીઓને છાવરવાના પ્રયત્નો થઈ રહ્યાં હોય તેવું લાગતા પીડિત પરિવાર સાથે દલિત સમાજના લોકોએ ગઈકાલે એસપી ઓફિસની બહાર ઘરણાં કર્યા હતા અને ઓફિસ બહાર ભીષણ ગરમી બુદ્ધ પૂર્ણિમાના દિવસે બુદ્ધની પ્રતિમા સાથે ખૂલ્લામાં પ્રતિકાત્મક ઘરણાં કરીને પોલીસની ઢીલી કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે, પોલીસ આરોપીઓને છાવરી રહી છે. એટલે જ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી રહી અને તપાસ ચાલી રહી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે.

આગળ વાંચોઃ દલિત દીકરીએ બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ સાથે ટોપ કર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.