દલિત દીકરીએ બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ સાથે ટોપ કર્યું

થોડા મહિના પહેલા લેવાયેલી ધો. 10ની બોર્ડની પરીક્ષામાં એક દલિત પરિવારની દીકરીએ 500માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદીઓની બોલતી બંધ કરી દીધી છે.

દલિત દીકરીએ બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ સાથે ટોપ કર્યું
all image credit - Google images

શિક્ષણ કોઈના બાપનો ઈજારો નથી કે નથી કોઈ જાતિવિશેષનો વિશેષાધિકાર. તક મળે તો દલિત, આદિવાસી કે ઓબીસી કે લઘુમતી સમાજના અનેક અભાવો વચ્ચે જીવતા વિદ્યાર્થીઓ પણ તેમાં મોટી સફળતા મેળવી શકે છે. જાતિવાદી તત્વોએ વર્ષો સુધી આ વર્ગને શિક્ષણથી વંચિત રાખ્યો પણ હવેની પેઢીને તેઓ ચાહીને પણ શિક્ષણના તેમના બંધારણીય હકથી વંચિત રાખી શકે તેમ નથી. કેમ કે, અનેક અભાવો વચ્ચે પણ તેઓ પોતાની આવડત અને મહેનતના જોરે તમામ સુવિધાઓ ભોગવતા મનુવાદી તત્વોને પછાડી રહ્યાં છે. મનુવાદીઓએ સદીઓથી દલિતો, આદિવાસીઓને ભણતરથી વંચિત રાખ્યા ત્યારે હવે બાબાસાહેબે આપેલા બંધારણના ટેકે એક દલિત પરિવારની દીકરીએ મનુવાદીઓની આંખો ફાટીની ફાટી જ રહી જાય તેવી ઝળહળતી સફળતા મેળવીને જાતિવાદી તત્વોને સજ્જડ લપડાક મારી દીધી છે.

મામલો પેરિયારની ભૂમિ તમિલનાડુમાંથી સામે આવ્યો છે. અહીં એક દલિત પરિવારની દીકરીએ હાલમાં જ લેવાયેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 500માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદી પ્રતિસ્પર્ધીઓને ચિત્ત કરી દીધાં છે. જી હા, પેરિયારની ભૂમિ તમિલનાડુમાં એક દલિત પરિવારની દીકરી ટોપર બની છે. ડી.કાવિયા જાની નામની આ દીકરીએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 500 માંથી 499 માર્ક્સ મેળવીને મનુવાદીઓને વિચારતા કરી મૂક્યા છે.

આ પણ વાંચોઃ દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શહેરી વિકાસ વિભાગના સચિવનો પીએ બનશે!

તમિલનાડુના દલિત પરિવારમાંથી આવતી ડી. કાવિયા જાનીએ અન્ય દીકરીઓને પણ શિક્ષણ મેળવવાની પ્રેરણા આપે તેવું કાર્ય કર્યું છે. તેણે ગત 10 મેના રોજ જાહેર થયેલા તમિલનાડુ સ્ટેટ બોર્ડના પરિણામોમાં 500 માંથી 499 માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. કાવિયાની આ સફળતા અનેક રીતે ખાસ છે. કારણ કે એ રીતે તેણે દલિત, આદિવાસી અને ઓબીસી, લઘુમતી સમાજની સેંકડો દીકરોઓને ભણવા માટેની પ્રેરણા પુરી પાડી છે. દીકરીઓને વધુ ભણાવવામાં ન માનતો આપણો સમાજ કાવિયાના ઉદાહરણમાંથી કંઈક પ્રેરણા મેળવશે તેવી આશા રાખીએ.

પિતા વેલ્ડર, માતા કરિયાણાની દુકાનમાં કામ કરે છે
કાવિયાની આ સફળતા પાછળ તેના માતા-પિતાનો જુસ્સો અને સંઘર્ષ બંને છે. ધો.10 બોર્ડની પરિક્ષામાં ટોપ કરનાર કાવિયાના પિતા ડી. ધર્મરાજ વેલ્ડર છે. તેઓ કોઈમ્બતુરમાં કોન્ટ્રાક્ટ વેલ્ડીંગનું કામ કરે છે. જ્યારે કાવિયાની માતા ડી. વાસંતી કરિયાણાની દુકાનમાં કામ કરે છે. બંને મળીને મહિને માંડ 13 હજાર રૂપિયા કમાઈ શકે છે. આટલી ઓછી આવક હોવા છતાં પણ આ માતા-પિતાએ પોતાની દીકરીનું ભણતર બંધ ન થવા દીધું. આર્થિક તંગી હોવા છતાં તેમણે પોતાની બન્ને પુત્રીઓ કાવિયા અને અક્ષ્યાને ભણાવી અને તેનું પરિણામ હવે સૌની સામે છે.

કાવિયાને આઈએએસ બનવું છે
કાવિયાના સંઘર્ષની વાત કરીએ તો, તેણીને શરૂઆતથી જ ભણતરનો શોખ હતો. શાળાએ પહોંચવા માટે કાવિયા દરરોજ જાહેર વાહન વ્યવસ્થા દ્વારા 15 કિલોમીટર સુધીની મુસાફરી કરતી હતી. કાવિયાને ભણતરનો શોખ હતો અને તેના માતા-પિતા દીકરીને ભણાવવા માટે મક્કમ હતા. ત્યારે કાવિયાના પરિણામો દર્શાવે છે કે આ ત્રણેયની મહેનત રંગ લાવી છે. દલિત સમાજની દિકરી કાવિયાનું સપનું IAS ઓફિસર બનવાનું છે.

આ પણ વાંચોઃ કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!

આ પરિવાર તમિલનાડુના કામુથી પાસેના રામનાથપુરમ જિલ્લાના પેરાયુર ગામનો છે. પેરાયુરમાં હજી પણ લોકો ચોક્કસ ઉંમર પછી છોકરીઓને શાળાએ મોકલવામાં અચકાય છે. આ વિસ્તાર હજુ પણ બાળલગ્નની ચુંગાલમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યો નથી. આ સામાજિક દુષણોએ કાવિયાના દિમાગને હચમચાવી નાખ્યું હતું. કાવિયાની માતાના જણાવ્યા અનુસાર, કાવિયાએ ત્રીજા વર્ગમાં હતી ત્યારે જ IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું. જેથી તે સમાજમાં સુધારો લાવી શકે. મોટી ઓફિસર બનીને તે તમામ સામાજિક બદીઓ દૂર કરી શકે છે. 

સ્ટાલિન સરકાર પાસે આગળ ભણવા મદદ માંગી
કાવિયા હવે પોતાનું IAS બનવાનું સપનું સાકાર કરવા માટે આગળ વધી છે. તેણીએ ધોરણ 12માં અભ્યાસ માટે કોમર્સ અને હિસ્ટ્રી જેવા વિષયો પસંદ કર્યા છે. કાવિયાના માતા-પિતાને આશા છે કે તેમની પુત્રીનું સ્વપ્ન સાકાર થશે. તેમણે તમિલનાડુ સરકારને પોતાની દીકરીના શિક્ષણમાં મદદ માટે પણ અપીલ કરી છે. ત્યારે તમિલનાડુની સ્ટાલિનની સરકાર શું મદદ કરે છે તે જોવાનું રહે છે.

આ પણ વાંચોઃ એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.