દલિત રિક્ષાચાલકના પુત્રે ‘જનરલ’માં મેદાન માર્યું, હવે શહેરી વિકાસ વિભાગના સચિવનો પીએ બનશે!
છેલ્લાં કેટલાક સમયથી દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનોને જાહેરમાં ‘અનામતીયા’ કહીને ઉતારી પાડતો એક આખો વર્ગ પેદા થઈ ગયો છે, ત્યારે એક SC રિક્ષાચાલક પિતાના પુત્રએ આવા તત્વોની બોલતી બંધ કરી નાખી છે.
ગુજરાત સહિત દેશભરમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ, યુવાનો-યુવતીઓને અનામતીયા કહીને જાહેરમાં ઉતારી પાડતો એક આખો વર્ગ પેદા થયો છે ત્યારે આવા તત્વોને જડબાતોડ જવાબ આપતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે. જેમાં એક અનુસૂચિત જાતિ સમાજના યુવકે એક સ્પર્ધાત્મક પરીક્ષામાં વટ કે સાથ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરીને 25મો ક્રમ મેળવીને જાતિવાદી તત્વોની બોલતી બંધ કરી દીધી છે. હવે આ યુવાન રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ વિભાગના સચિવના પીએ તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે.
વાત છે સુરેન્દ્રનગર શહેરના આંબેડકરનગરમાં રહેતા રાજદીપ મકવાણાની. ફક્ત 23 વર્ષના આ છોકરાએ જે હિંમત બતાવી છે તેના માટે ખરા અર્થમાં છપ્પનની છાતી અને સિંહનું કલેજું જોઈએ. પોતે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતો હોવા છતાં એસસી કેટેગરીમાં ફોર્મ ભરીને સરળતાથી નોકરી મેળવી લેવાને બદલે કાયમ પોતાના સમાજને ‘અનામતીયા’ કહીને ઉતારી પાડવાની કોશિશ કરતા જાતિવાદીઓની સાન ઠેકાણે લાવવા માટે થઈને જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું અને પોતાની ક્ષમતા સાબિત કરીને જનરલ કેટેગરીમાં 25મો ક્રમ મેળવીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી હતી.
ગરીબી રેખા નીચે જીવતા રિક્ષાચાલકના પુત્રની કમાલ
કહેવાય છે કે પ્રતિભા એવી ચીજ છે જેને તમે ગોંધીને રાખીને શકો નહીં, તે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાનો રસ્તો કરી લેતી હોય છે. આવું જ કંઈક રાજદીપના કિસ્સામાં પણ જોવા મળે છે. તેના પિતા દિનેશભાઈ મકવાણા સુરેન્દ્રનગરમાં ઓટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેનો પરિવાર ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ હેઠળ આવે છે. આર્થિક પરિસ્થિતિ સારી નહોતી પણ તેનો આત્મવિશ્વાસ બુલંદ હતો. જો તેની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ હોત તો સરકારી નોકરીની આટલી ગળાકાપ સ્પર્ધા વચ્ચે પોતાની કેટેગરીમાં ફોર્મ ભરીને સરળતાથી નોકરી મળી રહે તેવો રસ્તો અપનાવત. પણ રાજદીપ જોખમ લેવામાં માનતો હતો, કેમ કે તેને તેની પ્રતિભા પર પુરો વિશ્વાસ હતો. એટલે તેણે ગુજરાત સરકારની સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે જનરલ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું. હવે જ્યારે પરિણામો સામે આવી ગયા છે ત્યારે રાજદીપના આત્મવિશ્વાસને સલામ ઠોકવી પડે, કેમ કે તેણે કુલ 136 ઉમેદવારોમાંથી 25મો ક્રમ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃ 23 વર્ષની વી. શ્રીપતિએ ઈતિહાસ રચ્યો, તમિલનાડુની પહેલી આદિવાસી મહિલા સિવિલ જજ બની
રાજદીપ મકવાણાએ બી.કોમ અને એમ.કોમનો અભ્યાસ પણ પ્રથમ ક્રમે પાસ કર્યો છે. આ સિવાય ડિપ્લોમા સેનેટરી ઈન્સપેક્ટરનો કોર્ષ પણ ડિસ્ટિન્કશન સાથે પાસ કર્યો છે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં પણ તેની સ્પીડ 75ની રહી છે.
રાજદીપના મોટા બાપુ હિંમતભાઈ મકવાણા તેની આ સફળતા વિશે વાત કરતા ખબરઅંતર.કોમને જણાવે છે કે, “રાજદીપ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હતો. તે અત્યાર સુધીમાં જેટલું પણ ભણ્યો છે, તે દરેક જગ્યાએ પ્રથમ ક્રમ લાવ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ અને ઓબીસી સમાજના લોકોને જાતિવાદી તત્વો અનામતીયા કહીને ઉતારી પાડતા થયા છે. અનામત સામે એક ચોક્કસ પ્રકારનો એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે, જેની આડમાં દલિતો, આદિવાસીઓ અને ઓબીસી વિરુદ્ધ માહોલ બનાવવામાં આવી રહ્યો છે. અનેક એવા ઉદાહરણો આપણે જોયા છે જેમાં આ સમાજના યુવાનો-યુવતીઓને જાતિવાદી તત્વો દ્વારા જાહેરમાં અપમાનિત કરાયા હોય. સોશિયલ મીડિયામાં તો આ મામલે રીતસરનો કુપ્રચાર ચાલે છે. આ બધું જોઈને અમે રાજદીપને સલાહ આપી હતી કે, તું ખરેખર હોંશિયાર હો, તારામાં પ્રતિભા હોય તો કદી એસસી કેટેગરીમાં ફોર્મ ભરીને નોકરી મેળવવા પ્રયત્ન ન કરવો. તેને બદલે સામાન્ય કેટેગરીમાં ફોર્મ ભરજે. જેથી સમગ્ર સમાજને ઉતારી પાડતા લોકોને તારી પ્રતિભાનો પરચો બતાવી શકાય. તેણે આ પડકાર ઝીલી લીધો અને છેલ્લાં સાડા ચાર વર્ષથી સખત મહેનત કરતો હતો. હવે તેનું પરિણામ આપણી સામે છે. તેણે સ્ટેનોગ્રાફી ગ્રેડ-2ની પરીક્ષામાં 25મો નંબર મેળવ્યો છે. એ રીતે તેણે વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. હવે તે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિકાસ વિભાગના સચિવના પીએ તરીકે સેવા આપશે. આજે જ ગાંધીનગર જઈને તેણે હાજર થવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેની આ સફળતા પછી અનુસૂચિત જાતિ સહિતની અનામત કેટેગરીના બીજા પણ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પ્રેરણા લઈને જનરલમાં નોકરી મેળવવા માટેનું સાહસ કરવા પ્રેરાશે.”
સુરેન્દ્રનગરના સામાજિક અગ્રણી અને આગેવાન જેશીંગભાઈ મકવાણા કહે છે, “રાજદીપે જે કામ કરી બતાવ્યું છે તે અનેક રીતે મહત્વનું છે. શક્ય છે અમુક લોકોને પહેલી નજરે તેમાં ખાસ કશો સંઘર્ષ ન લાગે. પણ જે પરિસ્થિતિમાં તે ઉછર્યો છે, તેના પરિવારે જે આર્થિક પડકારોનો સામનો કર્યો છે તે જોતા તેની જગ્યાએ બીજો કોઈ યુવાન હોત તો પોતાની કેટેગરીમાં સ્પર્ધા કરીને નોકરી મેળવવા પ્રયત્ન કરત, પણ રાજદીપે એક તીરે અનેક નિશાન સાધ્યા છે. તેણે પોતાના આખા સમાજને અનામતીયા કહીને ઉતારી પાડતા તત્વોને જડબાતોડ જવાબ આપી દીધો છે, સાથે જ પ્રતિભા કોઈ ચોક્કસ લોકોની ઈજારો નથી તે પણ સાબિત કરી બતાવ્યું છે.”
જનરલ કેટેગરીમાં સ્પર્ધા કરતા અનામત કેટેગરીના યુવાનો
સુરેન્દ્રનગરનો રાજદીપ મકવાણા તો ફક્ત એક ઉદાહરણ છે તેના જેવા બીજા પણ અનેક અનામત કેટેગરીના યુવાનો છે, જેઓ જનરલમાં સ્પર્ધા કરીને પોતાની પ્રતિભાને સાબિત કરી રહ્યાં છે. આ યુવાનોમાં ભારોભાર આત્મવિશ્વાસ છે. તેઓ જીપીએસસી જેવી અઘરી પરીક્ષાઓમાં પણ જનરલ કેટેગરીમાં પસંદગી પામી રહ્યાં છે. આ યુવાવર્ગ પડકાર ઝીલવામાં માને છે અને ફક્ત જાતિના ચશ્માથી તેમને જોવા ટેવાયેલા લોકોને સજ્જડ જવાબ આપી રહ્યાં છે. હાલમાં બીજી પણ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ કેટેગરીમાં એસસી, એસટી અને ઓબીસી સમાજના યુવકો મેદાન મારી રહ્યાં છે. જે સંકેત છે કે, તેમની પ્રતિભાને તમે કોઈ એક ચોકઠામાં ફીટ કરીને નહીં રાખી શકો.
આગળ વાંચોઃ જામનગરની નેહા ચૌહાણની સિદ્ધી, વાલ્મિકી સમાજમાંથી પ્રથમ એર હોસ્ટેસ બની
આ પણ વાંચોઃ 2 થી વધુ બાળકો ધરાવતા માતા-પિતાને નહીં મળે સરકારી નોકરી, સુપ્રીમ કોર્ટે પણ આપી મંજૂરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Dhaval Ketmurસમાચારમાં બધું બરાબર છે પણ એક વાક્ય (એસસી કેટેગરીમાં ફોર્મ ભરીને સરળતાથી નોકરી મેળવી લેવાને બદલે) સાથે મને વાંધો છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે છેલ્લા ૪-૫ વર્ષથી એસટી કેટેગરી સિવાયના તમામ મેરીટ લગભગ સરખા જ અટકે છે, તથા જે પણ મેરીટ નીચે અટકે છે તેનું કારણ પણ એ જ છે કે અનામત કેટેગરીવાળા ઘણાખરા લોકો જનરલ કેટેગરીમાં સિલેક્ટ થયેલા હોય છે. એટલે બધા જ મહેનત કરે છે ને જનરલ માં લાગે છે ને ત્યારબાદ કેટેગરીમાં, કોઈ કેટેગરીમાં પણ સરળતાથી લાગતું નથી.