બાયડના 21 વર્ષના દલિત યુવકનો મેશ્વો નદીમાંથી મૃતદેહ મળતા ચકચાર
જગદીશ વણકર નામનો યુવાન સામાજિક પ્રસંગે શામળાજી ગયા બાદ ગૂમ થયો હતો. બાદમાં અણસોલની મેશ્વો નદીમાંથી મૃતદેહ મળ્યો હતો.
અરવલ્લી જિલ્લાના બાયડમાં દલિત સમાજના એક આશાસ્પદ યુવકનો શંકાસ્પદ હાલતમાં મેશ્વો નદીના પટમાંથી મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવક સામાજિક પ્રસંગે બાયડથી શામળાજી ગયો હતો. જ્યાંથી પરત આવ્યો નહોતો. આથી પરિવારજનોએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. એ પછી અચાનક તેનો મૃતદેહ નદીના પટમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે માસમાં અરવલ્લી જિલ્લામાં દલિત સમાજના ત્રણ આશાસ્પદ યુવકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે આવા વધતા જતા મોતના બનાવો અટકાવવા અને ગઈકાલે મળેલા યુવકના મૃતદેહ મામલે હત્યાનો ગુનો નોંધવા માટે દલિત સામાજિક સંગઠનોએ અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીએ ધરણાં યોજ્યા હતા.
મામલો શું હતો?
બે દિવસ પહેલા બાયડનો વતની અને શામળાજી સામાજિક પ્રસંગમાં ગયેલો 21 વર્ષીય જગદીશ વણકર શામળાજીથી ગૂમ હતો. જેથી તેના પરિવારે તેની શોધખોળ કરી હતી અને બાદમાં શામળાજી પોલીસમાં ગૂમ થયાની જાણવા જોગ અરજી આપી હતી. એ પછી ગઈકાલે શામળાજી રતનપુર હાઇવે પર અણસોલ ગામ પાસેના મેશ્વો પુલ નીચેથી યુવક જગદીશ વણકરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. શામળાજી પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મૃતદેહને પીએમમાં મોકલાયો હતો. જો કે યુવકનો પરિવાર તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યો છે.
જગદીશ વણકરના અણસોલ પુલ નીચેથી મળેલા શંકાસ્પદ મૃતદેહ બાબતે હત્યાનો ગુનો નોંધવા માટે દલિત સામાજિક સંગઠનો મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાની કચેરીએ એકઠા થયા હતા અને હત્યાનો ગુનો નોંધવા માટે ધરણાં પર બેઠ્યા હતા. મૃતકના પરિવારજનોએ પણ જ્યાં સુધી હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેમ જણાવતા મામલો તંગ બન્યો હતો.
જો કે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો બાદ હત્યાનો ગુનો નોંધવા આશ્વાસન અપાતા મામલો થાળે પડ્યો હતો. શામળાજી પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની સાથે રહેલા એક યુવકની પૂછપરછ કરી જીગર ખરાડી અને અન્ય 3 સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ જો મૃતકના પરિવારજનો ઇચ્છશે તો મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ પણ લઈ જવાશે એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: LD એન્જિનિયરીંગ કૉલેજના દલિત વિદ્યાર્થીની આત્મહત્યા કે હત્યા?