20 વર્ષના પતિને ઝાડ સાથે બાંધી 7 લોકોએ 19 વર્ષની નવવધુ પર ગેંગરેપ કર્યો
કોલેજિયન યુવક-યુવતી લગ્ન બાદ પહેલીવાર ફરવા ગયા હતા. જ્યાં 7 લોકોએ યુવકને ઝાડ સાથે બાંધીને યુવતી પર ગેંગરેપ કર્યો.
Rewa gang rape case : મધ્યપ્રદેશ (MP) ના રીવા (Rewa) માં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહેલા એક 19-20 વર્ષના નવ પરિણિત યુગલને 7 બદમાશોએ આંતરી યુવકને ઝાડ સાથે બાંધી યુવતી સાથે ગેંગરેપ (Gang rape) ગુજાર્યો છે. ઘટનાના ચાર દિવસ બાદ સાત આરોપીઓની ધરપકડ (7 accused arrested) કરવામાં આવી છે, એક આરોપી હજુ પણ ફરાર છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મંદિરથી બે કિલોમીટર દૂર બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
આ ઘટનાને લઈને વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. MP કોંગ્રેસના પ્રમુખ જીતુ પટવારીએ પોલીસ પર ઘટનાને છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યમાં જંગલરાજ છે. અહીં ગુના સૌથી વધુ છે અને દરરોજ 18 થી 20 છોકરીઓ પર બળાત્કાર થાય છે. રીવા ગેંગરેપ પીડિતાનું નિવેદન પણ સામે આવ્યું છે. પીડિતાએ જણાવ્યું કે તેને એક આરોપી છોકરાએ ધમકી આપી હતી કે તે મીડિયા ઈન્ચાર્જનો પુત્ર છે અને પોલીસ-કલેક્ટર પણ તેનું કશું બગાડી શકે તેમ નથી.
કાચની બોટલ બતાવીને યુવતીને ડરાવી
પીડિતાએ જણાવ્યું કે તેને કાચની બોટલ બતાવીને ડરાવવામાં આવી હતી કે જો તે બૂમો પાડશે તો જાનથી મારી નાખીશું. આરોપીઓએ તેમની બાઇકની ચાવી અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેને માર મારી તેના પતિને અન્ય જગ્યાએ લઈ ગયા હતા. ત્યારબાદ એક પછી એક પાંચ આરોપીઓએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે આ ઘટનામાં 5 લોકો સામેલ છે. જો કે સમગ્ર ઘટનામાં તેના કેટલાક સાગરિતો પણ સામેલ હતા.
પોલીસે સાત ગુનેગારોને ઝડપી લીધા હતા
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ તેજ કરી છે. આશરે 100 લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ જણાવ્યું હતું કે એક આરોપીની છાતી અને હાથ પર ટેટૂ હતા. રીવાના પોલીસ અધિક્ષક વિવેક સિંહે જણાવ્યું કે પોલીસે મહિલા પર બળાત્કાર કરનાર શકમંદો સહિત સાત લોકોની અટકાયત કરી છે. એક આરોપી ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે. મામલાની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર પીડિત પતિ-પત્નીની ઉંમર 19-20 વર્ષ છે અને તેઓ હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. બંનેએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે.
બળાત્કારીઓએ ગુનો કબૂલ કર્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સ્થળે એફએસએલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પીડિતાની મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી. જ્યારે એક આરોપી ફરાર છે અને તેની ધરપકડ કરવામાં આવી રહી છે. એક આરોપીએ કબૂલાત કરી છે કે તે તેના સાથીઓ સાથે ભૈરવ બાબા મંદિર તરફ ગયો હતો. તેઓ પાંચ લોકો હતા. ત્યાં તેમણે દારૂ પીધો, ખાધું અને સ્નાન કર્યું. બાદમાં તેના વધુ ત્રણ મિત્રો આવ્યા હતા. એ દરમિયાન તેમણે એક છોકરા-છોકરીને બેઠેલા જોયા. એટલે તેમનો એક સાથી તેમની પાસે પહોંચી ગયો. એ પછી ધીરેધીરે બધાં ત્યાં પહોંચી ગયા. જ્યાં 4-5 લોકોએ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો મોબાઈલ પણ છીનવી લીધો હતો, જે બાદમાં તેને પરત કરી દીધો હતો.
ઘટના 21 ઓક્ટોબરે બની હતી
પીડિતાના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબરે તે તેના પતિ સાથે મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. બપોરે પરત ફરતી વખતે તેઓ મંદિરથી 2 કિલોમીટર દૂર કોડિયા નાળા પાસે એક ખડક પર બેસી ગયા હતા. ત્યારબાદ 5 યુવકોએ તેની સાથે મારામારી કરી તેના પતિને ઝાડ સાથે બાંધીને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો અને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી હતી. ઘટના બાદ યુવક-યુવતી જેમતેમ કરીને ઘરે પહોંચ્યા હતા અને બીજા દિવસે 22 ઓક્ટોબરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: રેપ પીડિત દલિત સગીરાનું થોડા જ દિવસમાં સારવાર દરમિયાન મોત