પદ્મવિભૂષણ ઈલૈયારાજાને તમિલનાડુમાં મંદિરના ગર્ભગૃહમાં જતા રોકાયા
દંતકથા સમાન સંગીતકાર, 5 નેશનલ એવોર્ડ વિજેતા પદ્મવિભૂષણ, રાજ્યસભાના સાંસદ સી. ઈલૈયારાજા સાથે જાતિભેદભાવની ગંભીર ઘટના ઘટી છે.
દક્ષિણના પ્રખ્યાત સંગીતકાર, એ.આર.રહેમાનથી લઈને અનેક મોટા સંગીતકારો, ગાયકોના ગુરૂ, રાજ્યસભાના સાંસદ એવા પદ્મભૂષણ સી. ઇલૈયારાજા (C. Ilaiyaraaja) સાથે જાતિ ભેદભાવની ગંભીર ઘટના બની છે. તેમને એક મંદિરના પ્રવેશતા તેના પૂજારીઓએ રોક્યા હતા. જેને લઈને હવે મોટો વિવાદ ઉભો થઈ ગયો છે. દલિત સમાજમાંથી આવતા ઈલૈયારાજાને તેમની જાતિના કારણે મંદિરના પૂજારીઓએ ગર્ભગૃહમાં પ્રવેશતા રોક્યા હતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઈલૈયારાજાના ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો અને તેમણે પૂજારીઓ પર ફિટકાર વરસાવી હતી. આ મામલે હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. અનેક મોટી હસ્તીઓએ આ ઘટનાની આકરી ટીકા કરી છે. પરિણામે હવે સરકારે પણ ખુલાસો કરવો પડ્યો છે.
મામલો શું હતો?
રવિવારે ઇલૈયારાજાએ પેરિયા પેરુમલ મંદિર, નંદનવનમ અને અંડાલ મંદિરની મુલાકાત લીધી હતી. એ દરમિયાન મંદિરના અધિકારીઓએ કથિત રીતે તેમને ગર્ભગૃહમાં પ્રવેશતા અટકાવ્યા હતા. તેમને અંડાલ મંદિરમાં જતા રોકવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હિન્દુ ધાર્મિક અધિકારીઓએ શું કહ્યું?
આ બાબતે, તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોવમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ઇલૈયારાજા કોન્સર્ટમાં ભાગ લેવા માટે શ્રી ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ ચિન્ના જીયર (વૈષ્ણવ ધાર્મિક ગુરુ) સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને કહેવામાં આવ્યું કે અર્થ મંડપમમાં ફક્ત તે મંદિરના પૂજારી અને જીયર જ પ્રવેશ કરી શકે છે. મંદિર પ્રશાસન અનુસાર, ઇલૈયારાજા પ્રવેશદ્વાર પર રોકાયા અને ત્યાંથી પ્રાર્થના કરી રવાના થઈ ગયા હતા.
પૂજારીઓએ મંદિરનો નિયમ આડે ધર્યો
મંદિર સત્તાવાળાઓ દ્વારા પ્રોટોકોલના ઉલ્લંઘનનો હવાલો આપીને ઇલૈયારાજાને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાની મંજૂરી આપી નહોતી. પણ તેની પાછળનું અસલી કારણ તેમની દલિત જાતિ છે તેવું જાણકારોનું કહેવું છે. આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે કે, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ તો પણ આ દેશમાં તમારી જાતિને લઈને થતા ભેદભાવ કદી પુરા થતા નથી. સૌથી પહેલા તમારી જાતિ જોવામાં આવે છે, એ પછી જ તમારી સાથે વ્યવહાર કરાય છે.
ગર્ભગૃહ બહારથી જ પાછું વળવું પડ્યું
આ ઘટના બાદ ઇલૈયારાજા અર્થ મંડપમની બહારથી પ્રાર્થના કરવા માટે આગળ વધ્યા અને પૂજારીઓએ તેમનું હાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઘટનાએ ઓનલાઈન ચકચાર જગાવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઈન્ટરનેટ યુઝર્સે આ મામલામાં પૂજારીઓની આકરી ટીકા કરી હતી કેમ કે ઈલૈયારાજાએ બહારથી જ દર્શન કરીને પાછું વળવું પડ્યું છે.
કોણ છે ઈલૈયારાજા?
ઇલૈયારાજા સંગીતની દુનિયામાં દંતકથા જેવું નામ ગણાય છે. એ.આર. રહેમાનથી લઈને અનેક દિગ્ગજ સંગીતકારો તેમને પોતાના ગુરૂ માને છે. તેમણે મુખ્યત્વે દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મો માટે સંગીત આપ્યું છે, તેમણે 7000 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. આ સિવાય વીસ હજારથી વધુ કોન્સર્ટમાં ભાગ લીધો છે. તેઓ “ઇસૈજ્ઞાની” અર્થાત સંગીતના જ્ઞાની ઉપનામથી ઓળખાય છે.
પાંચ નેશનલ એવોર્ડ, 2 વાર પદ્મ એવોર્ડથી સન્માન
ઇલૈયારાજાને શતાબ્દી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પાંચ નેશનલ એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને 2010માં પદ્મ ભૂષણ અને 2018માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 2012માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેઓ લંડનની ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકમાંથી ક્લાસિકલ ગિટાર વગાડવામાં ગોલ્ડ મેડલ વિજેતા છે.
દલિત પરિવારમાં જન્મ થયો છે
તમને જણાવી દઈએ કે સી ઇલૈયારાજાનો જન્મ 3 જૂન 1943ના રોજ તમિલનાડુના એક ગરીબ દલિત પરિવારમાં થયો હતો. તેમની અને ડીએમકેના સ્થાપક એમ. કરુણાનિધિ બંનેની જન્મ તારીખ એક જ છે (3 જૂન). આ કારણોસર, તેમણે તેમની જન્મ તારીખ 2 જૂને ઉજવવાનું નક્કી કર્યું હતું, જેથી લોકો 3 જૂને માત્ર એમ. કરુણાનિધિની જન્મ તારીખ ઉજવી શકે. એ પછી તેમને “ઈસૈજ્ઞાની”નું બિરુદ આપવામાં આવ્યું હતું.
હાલ ક્યા પ્રોજેક્ટ પર કામ કરે છે?
ઇલૈયારાજા હાલ આંબેડકરવાદી ડિરેક્ટર વેટ્રી મારનની લાંબા સમયથી પેન્ડિંગ વિદુથલાઈ ભાગ 2 અને વિશાલના થુપ્પરિવાલન 2 માટે તૈયારી કરી રહ્યા છે. આ સિવાય ધનુષ અભિનીત ઈલૈયારાજાની બાયોપિક પર પણ કામ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન રોકી અને સાની કાયિધામ ફેમ અરુણ મથેશ્વરને કર્યું છે. ઇલૈયારાજાને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કટ્ટર જાતિવાદઃ દલિતો મંદિરમાં ન પ્રવેશે માટે મંદિર જ તોડી નાખ્યું