દલિતે હનુમાનજીને પ્રસાદ ચઢાવ્યો, સરપંચે તેને ખાનાર 20 લોકોનો બહિષ્કાર કર્યો
દલિતે ગામના હનુમાન મંદિરમાં પૂજારી દ્વારા પ્રસાદ ચઢાવીને વહેંચ્યો. સરપંચે પ્રસાદ ચઢાવનાર, ખાનાર અને હાથમાં લેનાર 20 થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કર્યો.

જાતિપ્રધાન ભારત દેશમાં દલિતો સાથે કેવી કેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે તે જાણીને ક્યારેક તો આશ્ચર્ય થાય. દલિતો પાસેથી રૂપિયા લેવામાં અને તેમની સ્ત્રીઓ સાથે સંબંધ રાખતી વખતે જેમને આભડછેટ કે જાતિવાદ નથી નડતો એવા બેવડા ધોરણો ધરાવતા મૂર્ખ તત્વોની મૂર્ખામીને ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
મધ્યપ્રદેશના છત્તરપુરની ઘટના
મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના સટઈ પોલીસ સ્ટેશનમાં આવતા અતરાર ગામનો છે. અહીં એક દલિત વ્યક્તિએ પુજારી દ્વારા હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો અને પછી તેને ગામના કેટલાક લોકોમાં વહેંચ્યો હતો. જેની જાણ ગામના સરપંચ સંતોષ તિવારીને થતા, તેણે દલિત પરિવાર અને પ્રસાદ ખાનારા 20 જેટલા લોકોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો છે.
પોલીસ સરપંચને છાવરી રહ્યાનો આક્ષેપ
ગ્રામજનોનો આરોપ છે કે સરપંચના આદેશ પછી તેમને લગ્ન, બેસણાં કે ગામની જાહેર મિટીંગો જેવા કોઈપણ સામાજિક કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નથી આવતું. આ કારણે તેમને ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. પીડિત દલિત પરિવારે આ બાબતની ફરિયાદ એસપીને કરી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચોઃ 250 દલિતોનો 1 મહિનાથી સામાજિક બહિષ્કાર, પણ નમે એ બીજા...
પ્રસાદ વહેંચનાર અને ખાનાર બધાંનો સામાજિક બહિષ્કાર
ઘટના 20 ઓગસ્ટ, 2024ની છે. જગત અહિરવાર નામના એક દલિત વ્યક્તિએ ગામના હનુમાન મંદિરમાં પ્રસાદ ચઢાવ્યો હતો અને મંદિરના પૂજારી સહિત 20 લોકોમાં તેને વહેંચ્યો હતો. જેની જાણ સરપંચ સંતોષ તિવારીને થતા તેણે પ્રસાદ વહેંચનાર અને ખાનારા તમામ લોકોનો સામાજિક બહિષ્કાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સરપંચે આરોપો નકાર્યા
જગત અહિરવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે સરપંચ સંતોષ તિવારીએ તેનો, જેણે પ્રસાદ ખાધો તેનો અને જેમણે પ્રસાદ હાથમાં લીધો એવા 20થી વધુ લોકોનો સામાજિક બહિષ્કાર કરાવી દીધો છે. જેના કારણે અમારે ભારે માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ તે પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે અમે દલિત સમાજમાંથી આવીએ છીએ. આ બધું અસ્પૃશ્યતાની પ્રથાને કારણે થઈ રહ્યું છે. આ બાબતે સરપંચનું કહેવું છે કે તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો ખોટા છે અને ફરિયાદી જૂની રાજકીય અદાવતનો બદલો લઈ રહ્યા છે.
અન્ય એક પીડિત રાજુ કુશવાહાએ કહ્યું કે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો કારણ કે તેમણે એક દલિત પરિવારનો પ્રસાદ ખાધો હતો. હવે ગામમાં પણ કોઈ તેમને બોલાવતું નથી.
આરોપી સરપંચે કેસમાં શું કહ્યું?
દરમિયાન, ગામના વડા સંતોષ તિવારી કહે છે કે આ બધું ચૂંટણીના મતભેદોને કારણે થઈ રહ્યું છે કારણ કે જગત અહિરવારે ગત ચૂંટણીમાં તેમની સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. એટલા માટે તેઓ આરોપો લગાવી રહ્યા છે. છતરપુર જિલ્લાના બિજાવર એસડીઓપી શાશંકર જૈને જણાવ્યું હતું કે તેમને આ મામલે અરજી મળી છે અને આ મામલો ગંભીર છે. તેમણે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત મહિલાના મોં પર પેશાબ કર્યો, ઝૂંપડી અને ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું