ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું
સંસદમાં ડો.આંબેડકરનું નામ લેવાને ફેશન ગણાવતા ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મુદ્દે હવે બસપા સુપ્રીમો માયાવતીનું નિવેદન આવ્યું છે.

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને અમિત શાહના ભાષણના એક ભાગને લઈને થયેલા હોબાળા વચ્ચે માયાવતીએ પણ મોરચો સંભાળી લીધો છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહને માફી માંગવા અને પોતાના શબ્દો પાછા લેવાની સલાહ આપી છે. માયાવતીએ ગુરુવારે લખનૌમાં કહ્યું કે જો અમિત શાહ માફી નહીં માંગે તો પછી દલિત સમાજ આ અપમાનને ભૂલી શકશે નહીં. એટલું જ નહીં, તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું કે અમિત શાહના નિવેદનથી દેશભરના દલિતો નારાજ છે. તેઓ ડો.આંબેડકરને ભગવાન માને છે. આવી સ્થિતિમાં અમિત શાહના નિવેદનની મોટી અસર પડી શકે છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ભાજપ માફી નહીં માંગે તો કોંગ્રેસ જેવી સ્થિતિ થઈ શકે છે.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, અમિત શાહના નિવેદનથી બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં ભારે ગુસ્સો છે. અમિત શાહે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ અને માફી પણ માંગવી જોઈએ. જો આમ નહીં કરવામાં આવે તો આંબેડકરના અનુયાયીઓ તેને ક્યારેય ભૂલી કે માફ કરી શકશે નહીં. જેમ બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓ આજે પણ કોંગ્રેસના તમામ પાપોને ભૂલી શક્યા નથી તેવું જ ભાજપ સાથે થશે. કોંગ્રેસ ભલે ગમે તેટલા રંગ અને ઢંગ બદલી લે, પરંતુ લોકો તેના પર વિશ્વાસ નથી કરી શકતા. એવું જ ભાજપનું થશે.
માયાવતીએ કોંગ્રેસ પર પણ જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, 'બાબાસાહેબના અવસાન બાદ કોંગ્રેસે તેમનું નામ અને બંધારણના નિર્માણમાં તેમના યોગદાનને ભૂંસી નાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ પાર્ટી તેના ઉદ્દેશ્યમાં સફળ થઈ ગઈ હોત, પરંતુ માનનીય કાંશીરામના આગળ આવવાને કારણે આ થઈ શક્યું નહીં. એટલું જ નહીં, આ મિશનને તેના મુકામ સુધી લઈ જવા માટે મારે મારું જીવન પણ સમર્પિત કરવું પડ્યું. પરંતુ આજે વિવિધ પક્ષો વિવિધ યુક્તિઓ અપનાવીને તેમના વારસાને નષ્ટ કરવા માંગે છે.
તેમણે કહ્યું કે, યુપીમાં 4 વખત બસપાની સરકાર હતી અને અમે લખનૌ અને નોઈડામાં તેમના નામ પર ઘણા ભવ્ય સ્મારકો બનાવ્યા. બાબાસાહેબના નામ પર જિલ્લા પણ બનાવ્યા, પરંતુ સમાજવાદી પાર્ટીએ નામ બદલી નાખ્યા. માયાવતીએ કહ્યું કે બસપાએ હંમેશા દલિત સમુદાયના તમામ સંતો અને ગુરુઓનું સન્માન કર્યું છે. હવે કોંગ્રેસ અને ભાજપ વગેરેની ઉંઘ ઉડી રહી છે.
માયાવતીએ કહ્યું કે ભાજપ જેવી પાર્ટીઓ હવે મજબૂરીમાં કેટલાક પગલાં લઈ રહી છે. હવે કોંગ્રેસ પણ દલિતોને આકર્ષવા વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે અને અમિત શાહના નિવેદનના આધારે વોટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે
આ પણ વાંચો: કોંગ્રેસે ડો.આંબેડકરને ભારતરત્ન નહોતો આપ્યો : માયાવતી