ડૉ.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટી, તોફાનીઓએ ઉખાડીને પાર્કમાં ફેંકી દીધી
દેશભરમાં બંધારણ અને તેના ઘડવૈયા ડો.આંબેડકરના અપમાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે ડો.આંબેડકરની વધુ એક પ્રતિમા તૂટતા રોષ ફેલાયો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ ડો.આંબેડકર સતત ચર્ચામાં છે ત્યારે દેશભરમાં તેમની પ્રતિમાઓ સાથે યેનકેન પ્રકારે ચેડાં થતા હોવાની ઘટનાઓ પણ બનતી રહી છે. હમણાં અમદાવાદના ખોખરામાં તોફાની તત્વોએ ડો.આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. દેશના વિવિધ વિસ્તારોમાં સૌથી કોઈ મહાનુભાવની પ્રતિમાની તોડફોડ થઈ રહી હોય તો તે ડો.આંબેડકર છે. આવી જ વધુ એક ઘટના જાતિવાદના એપીસેન્ટર યુપીમાં બની છે.
સોમવાર તા. 13 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના સંત નગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પટેહરા વિસ્તારમાં ડૉ. બી.આર. આંબેડકરની પ્રતિમા નજીકના પાર્કમાં પડેલી મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.
આ પણ વાંચોઃ દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?
આ ઘટનાથી સ્થાનિક સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો એકઠા થઈ ગયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવા અને ક્ષતિગ્રસ્ત પ્રતિમાની જગ્યાએ નવી પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં, સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પ્રદર્શનકારીઓ સાથે વાત કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે ગુનેગારોની ઓળખ કરીને તેમની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ક્ષતિગ્રસ્ત પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેને ફરીથી સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી આ વિસ્તારની પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રવિવારે મોડી રાત્રે કેટલાક અજાણ્યા અસામાજિક તત્વોએ પ્રતિમાને ઉખેડી નાખીને પાર્કમાં ફેંકી દીધી હતી. સોમવારે સવારે જ્યારે સ્થાનિકોએ જોયું કે પ્રતિમા તેની જગ્યાએ નથી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.
સર્કલ ઓફિસર અશોક કુમાર સિંહે જણાવ્યું હતું કે, “અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું. અમે જનતાને શાંતિ જાળવવા અને તપાસમાં વહીવટીતંત્રને સહયોગ આપવા અપીલ કરીએ છીએ.
આ પણ વાંચોઃ બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ