દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?
મહારાષ્ટ્રના પરભણીથી યુપી, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં સુનિયોજિત રીતે ડો.આંબેડકરની પ્રતિમાઓને તોડવામાં આવી રહી છે. કોણ છે આની પાછળ, ઉદ્દેશ્ય શું છે?
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં 10 ડિસેમ્બરની સાંજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવેલી બંધારણની પ્રતિકૃતિને નુકસાન થયું હતું. આ ઘટના માત્ર બંધારણનું અપમાન નથી પરંતુ દલિત સમાજની અસ્મિતા અને ઓળખ પર પણ હુમલો છે. આ ઘટનાથી સમગ્ર પરભણીમાં રોષ ફેલાયો હતો. 11 ડિસેમ્બરે બોલાવવામાં આવેલા “પરભણી બંધ”એ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં ટાયર સળગાવવા, પરભણી-નાંદેડ હાઈવેને બ્લોક કરવા અને પથ્થરમારો કરવા જેવી ઘટનાઓ બની હતી. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વહીવટીતંત્રે જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી. પોલીસના લાઠીચાર્જનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જાતિગત એંગલ અને આક્ષેપોએ આ ઘટનાને વધુ ભડકાવી હતી. બાકી રહેલું હતું તો મનુવાદી મીડિયાએ તેને 'જુઓ, જુઓ દલિતો કેવા તોફાને ચડ્યાં છે?' એ રીતે દર્શાવી આખી ઘટનામાં દલિતોને વિલન ચીતરવાનો ખેલ કર્યો હતો. મનુવાદી મીડિયા વર્ષોથી આ કરતું આવ્યું છે. દલિતોને યેનકેન પ્રકારે બદનામ કરવા તે તેમની વર્ષો જૂની ચાલાકી છે. જે પરભણીમાં પણ જોવા મળી હતી.
પરભણી બંધ અને હિંસક સ્વરૂપ
11 ડિસેમ્બરે પરભણી બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું, પરંતુ વિરોધ ટૂંક સમયમાં જ હિંસક બની ગયો હતો. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક પોલીસકર્મી લાકડી લઈ એક વ્યક્તિની પાછળ દોડતો અને તેને નિર્દયતાથી મારતો જોવા મળ્યો હતો. તેને ઘણી દલિત સંસ્થાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જાતિનો એંગલ આપીને શેર કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસે આ આરોપને નકારી કાઢતા કહ્યું કે લાઠીચાર્જ માત્ર ભીડને કાબૂમાં કરવા માટે કરવામાં આવ્યો હતો અને કોઈ ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે નહોતો.
ભારતના ઈતિહાસમાં દલિત સમુદાયની ઓળખ અને અધિકારોના પ્રતીકો પર હુમલા એ દુઃખદ અને સતત ઘટના રહી છે. મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ, તેમના વિચારો અને દલિત પ્રતીકો પર હુમલા હવે નવી વાત નથી રહી. આ હુમલાઓ માત્ર પ્રતિમાઓ પર જ નથી થતા પરંતુ દલિત સમાજે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય મેળવવા માટે કરેલા સંઘર્ષ અને આંદોલનને પણ નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. આ હુમલાઓ દ્વારા સમાજમાં જાતિવાદ અને અસમાનતાના મૂળને વધુ ઉંડા કરવામાં આવે છે. આ હુમલાઓ દર્શાવે છે કે, સામાજિક પરિવર્તન અને સમાનતા વિરોધી તાકાતો આજેય સક્રિય છે. અગાઉ પણ આવા પ્રયત્ન થઈ ચૂક્યા છે.
મરાઠવાડા યુનિવર્સિટી નામકરણનું આંદોલન (1978)
1978 માં, મરાઠવાડા યુનિવર્સિટીના નામકરણને લઈને એક મોટું આંદોલન થયું હતું, જેમાં યુનિવર્સિટીનું નામ બાબા સાહેબ આંબેડકરના નામ પર રાખવાની માંગ કરવામાં આવી હતી. આ આંદોલન એ વાતનું પ્રતિક હતું કે દલિત સમાજ પોતાના અધિકારો અને ઓળખની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે, આ આંદોલન હિંસક બન્યું અને એ દરમિયાન દલિત વસાહતો પર હુમલાઓ થયા, આગચંપીનાં બનાવો બન્યા. આ આંદોલને સમાજમાં જાતિ ભેદભાવ અને અસમાનતાના ઊંડા મૂળને વધુ ઉંડા કર્યા. આ ઘટના દર્શાવે છે કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારોની વાત કરે છે, ત્યારે તેને એક ખતરનાક પડકાર તરીકે જોવામાં આવે છે, અને જાતિવાદી તાકાતો તેની સામે આવીને ઉભી રહી જાય છે.
રમાબાઈ નગર ગોળીબાર (1997)
બીજી એક દર્દનાક ઘટના 1997માં મુંબઈના રમાબાઈ નગરમાં બની હતી, જ્યારે દલિત સમાજે આંબેડકરની પ્રતિમાના અપમાનનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. આ ઘટના મહારાષ્ટ્રમાં જાતિવાદ સામે દલિતોના સંઘર્ષનું મુખ્ય ઉદાહરણ બની હતી. રમાબાઈ નગર ગોળીબારની ઘટનાએ ફરી સાબિત કર્યું કે જ્યારે પણ દલિત સમાજ તેના અધિકારો અને ગૌરવ માટે ઉભો થાય છે ત્યારે રાજ્ય અને સત્તા દ્વારા તેમના પર નિર્દયતાથી દમન કરવામાં આવે છે. આ ઘટનાએ જાતિવાદ સામે દલિતોના સંઘર્ષને વધુ મજબૂત બનાવ્યો અને પરિણામે સમગ્ર દેશમાં દલિત સમાજના અધિકારો માટે જાગૃતિ વધી.
ભીમા-કોરેગાંવની ઘટના (2018)
વર્ષ 1818ના ભીમા-કોરેગાંવના ઐતિહાસિક યુદ્ધમાં દલિત સૈનિકોએ પેશવાઓને ભૂંડી રીતે હરાવ્યા હતા. આ જીત દલિતો માટે ગૌરવનું પ્રતીક બની ગઈ. દર વર્ષે દલિત સમાજ આ જીતની યાદમાં કોરેગાંવમાં એક સભાનું આયોજન કરે છે. પરંતુ 2018માં આ સભા પર હુમલો કરવામાં આવ્યો, જે ફરી એક વખત દર્શાવે છે કે દલિત સમાજના ઇતિહાસ અને સંઘર્ષોને ભૂંસી નાખવાના પ્રયાસો ક્યારેય બંધ થતા નથી. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટના માત્ર સામૂહિક સભા પરનો હુમલો નહોતો, પરંતુ તે દલિત સમુદાયની સંસ્કૃતિ, ઇતિહાસ અને સંઘર્ષ પર હુમલો હતો.
ભારતના વિવિધ રાજ્યોમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા
ભારતના વિવિધ રાજ્યોમાં સમયાંતરે આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાઓ થયા છે અને આ ઘટનાઓ માત્ર મહારાષ્ટ્ર પુરતી મર્યાદિત નથી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ તેમના વિચારો અને સંઘર્ષનું પ્રતીક છે, જે સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયની વાત કરે છે. જ્યારે આ પ્રતિમાઓ પર હુમલો કરવામાં આવે છે, ત્યારે તે માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં જાતિવાદ અને અસમાનતા સામેની તેમની લડત પર હુમલો છે. આ હુમલાઓ પાછળની માનસિકતા અને ઉદ્દેશ્ય દલિતોની અસ્મિતા અને ઓળખને નબળી પાડવાનો છે.
ઉત્તર પ્રદેશમાં ડૉ.આંબેડકરની પ્રતિમાઓ પર હુમલો
ઉત્તર પ્રદેશમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ વધી છે, જે જાતિગત તણાવ અને અસમાનતાની વધતી જતી ખાઈને દર્શાવે છે. 2018માં, આઝમગઢમાં આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પ્રદેશમાં તણાવ અને હિંસા થઈ હતી. 2021માં બુલંદશહેરમાં પણ બાબા સાહેબની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ત્યાં જોરદાર વિરોધ પ્રદર્શનો થયા હતા.
પેરિયારની ભૂમિ તમિલનાડુમાં આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાનો વિરોધ
તામિલનાડુમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ગુસ્સો અને વિરોધ જોવા મળ્યો હતો. 2023 માં, વિલ્લુપુરમમાં દલિત વસાહતમાં આંબેડકરની પ્રતિમા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે રાજ્યભરમાં દલિતોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ હુમલા બાદ જાતિગત તણાવ વધશે તેવી આશંકા હતી અને સરકારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધા હતા. મદુરાઈ અને તંજાવુરમાં પણ આંબેડકરની પ્રતિમાઓને નિશાન બનાવવામાં આવી હતી.
આંબેડકરની મૂર્તિઓની તોડફોડની ઘટનાઓ મધ્યપ્રદેશમાં પણ પ્રકાશમાં આવી છે, જેમાં ગ્વાલિયર અને વિદિશાનો સમાવેશ થાય છે. આ હુમલાઓના વિરોધમાં અનેક પ્રદર્શનો થયા હતા અને દલિત સંગઠનોએ કડક કાર્યવાહીની માંગ કરી હતી.
રાજસ્થાનમાં જાતિગત તણાવ અને આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા
રાજસ્થાનમાં પણ આંબેડકરની પ્રતિમાઓ પર હુમલા થયા છે. જયપુર અને જોધપુર જેવા મોટા શહેરોમાં જાતિગત તણાવ દરમિયાન બાબા સાહેબની પ્રતિમાઓની તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાઓએ રાજ્યના દલિત સમુદાયમાં ઘેરા રોષ અને અસંતોષને જન્મ આપ્યો હતો.
આ ષડયંત્ર પાછળ જાતિવાદી તાકાતાનો હાથ છેઃ પ્રકાશ આંબેડકર
ડો.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ ડો. પ્રકાશ આંબેડકરે આ ઘટનાઓને જાતિવાદી તાકાતાોનું ષડયંત્ર ગણાવ્યું. તેમનું માનવું હતું કે દલિત પ્રતીકો અને વિચારો પર હુમલા માત્ર એક વ્યક્તિ અથવા જૂથ દ્વારા કરવામાં નથી આવતા પરંતુ તેની પાછળ મોટા સામાજિક અને રાજકીય ઉદ્દેશ્યો હોય છે. આરોપીઓને તાત્કાલિક સજાની માંગ કરતા તેમણે કહ્યું કે સમાજમાં જાતિવાદને વધુ વેગ આપવા માટે આ હુમલા કરવામાં આવે છે. તેમના મતે, બાબા સાહેબ આંબેડકર અને તેમના વિચારોને નિશાન બનાવવું જાતિવાદી માનસિકતાને સમર્થન આપે છે અને સમાજના નબળા વર્ગો સામે હિંસાને પ્રોત્સાહન આપે છે. તેમણે રાજકીય પક્ષો અને રાજ્ય સરકારને આ મામલે કડક પગલાં લેવાની અપીલ કરી હતી.
માયાવતી અને ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?
બસપા પ્રમુખ માયાવતીએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને દલિત સમાજ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે આવા હુમલાઓ સમાજમાં અસમાનતા અને જાતિવાદને પ્રોત્સાહન આપે છે.
માયાવતીએ એમ પણ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરના વિચારો અને તેમના સંઘર્ષની નિંદા કરવાની આ ઘટના દલિતો માટે મોટો ફટકો છે, અને તેને સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો: બે મહિનામાં ડો.આંબેડકરની પ્રતિમા તોડવાની પાંચમી ઘટના બની, દલિતોમાં રોષ
આઝાદ સમાજ પાર્ટીના નેતા ચંદ્રશેખરે પણ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી અને તેની સખત નિંદા કરી. તેને જાતિવાદીઓનું કૃત્ય ગણાવતા ચંદ્રશેખરે કહ્યું કે આંબેડકરની પ્રતિમાઓ માત્ર પ્રતિમાઓ નથી, પરંતુ તે આપણા અધિકારો અને સંઘર્ષના પ્રતિક છે. તેમણે રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને કડક સજા આપવામાં આવે. ચંદ્રશેખરે એમ પણ કહ્યું કે આવી ઘટનાઓ સમાજને વધુ વિભાજિત કરે છે, અને આપણે આવા હુમલાઓ સામે એકસાથે ઊભા રહેવું પડશે.
આ તમામ નેતાઓ અને સંગઠનોની પ્રતિક્રિયાઓ સાબિત કરે છે કે આંબેડકરની પ્રતિમાઓ અને તેમના વિચારો પરના હુમલા એ માત્ર રાજકીય કે સામાજિક મુદ્દો નથી, પણ બંધારણીય અને માનવ અધિકારનો મુદ્દો પણ છે. સમાજમાં સમાનતા, ન્યાય અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે દરેક નાગરિકે આગળ આવીને પોતાની જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે.
બાબા સાહેબના સપનાનું ભારત
આંબેડકરની પ્રતિમાઓ પરના હુમલા માત્ર ભૌતિક નુકસાન નથી, પરંતુ સમાજમાં ઊંડો જ્ઞાતિ ભેદભાવ, અસમાનતા અને સંઘર્ષને ઉશ્કેરવાનો પ્રયાસ છે. આ હુમલાઓનો ઉદ્દેશ્ય દલિત સમુદાયની ઓળખ, તેમના અધિકારો અને તેમના સંઘર્ષોને નબળી પાડવાનો છે. પરભણીની ઘટના માત્ર ગુનો નથી, પરંતુ સમાજની અંદરના ઊંડા જ્ઞાતિ ભેદભાવનું સૂચક છે. સમય પાકી ગયો છે કે, આપણે બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને ન્યાયના વિચારોને આત્મસાત કરીએ. દલિત સમુદાયની ઓળખ અને અધિકારોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે. આવી ઘટનાઓ ભારતીય લોકશાહી અને બંધારણની મૂળ ભાવના પર હુમલો છે અને તેને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. બાબા સાહેબના સપનાનું ભારત ત્યારે જ શક્ય છે જ્યારે દરેક નાગરિકને સમાન અધિકાર અને સન્માન મળે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પરભણીમાં ડૉ.આંબેડકરની પ્રતિમાનું અપમાન થતાં હિંસા