જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહે સફાઈકર્મી પર હુમલો કર્યો

જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં સિંહના પાંજરામાં સફાઈ કરવા ગયેલા એક સફાઈકર્મી પર સિંહે હુમલો કરી દીધો હતો.

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહે સફાઈકર્મી પર હુમલો કર્યો
image credit - Google images

જૂનાગઢમાં એશિયાટિક સિંહોની મોટી વસતિ છે. જૂનાગઢ, અમરેલીમાં સિંહો સમયાંતરે જોવા મળતા હોય છે અને સોશિયલ મીડિયામાં તેના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ગઈકાલે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં એક સિંહે અહીંના સફાઈકર્મી પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી.

મળતી વિગત પ્રમાણે, ધીરૂભાઈ ટુંડીયા નામના સફાઈકર્મી સિંહના પાંજરામાં સફાઈ કરવા માટે ગયા હતા. એ દરમિયાન અચાનક સિંહે તેમના પર હુમલો કરી દીધો હતો. જેના કારણે તેમના પગ અને હાથમાં ઈજા થઈ હતી. આથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. જો કે, સિંહે હુમલો શા માટે કર્યો તેના માટે ઝૂ ઓથોરિટીએ તપાસ શરૂ કરી દીધી છે.

આમ તો, સિંહ દ્વારા માનવ પર હુમલાની ઘટના ભાગ્યે જ બને છે, પરંતુ થોડા દિવસ પહેલા અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં વાડી વિસ્તારમાં સિંહણે ત્રણ લોકો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો ત્યારબાદ સાંજે હુમલાની ત્રીજી ઘટના બની હતી. વન વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી, સિંહણના રેસક્યુ માટે તજવીજ હાથ ધરી હતી. હાલ ગરમીનો માહોલ છે ત્યારે સિંહોને પણ જો યોગ્ય સુવિધા ન મળે તો તેમના પર વાતાવરણની અસર થઈ શકે છે. શક્ય છે તે જ કારણોસર તેણે સક્કરબાગ ઝૂના સફાઈકર્મી ધીરૂભાઈ ટુંડીયા પર હુમલો કર્યો હોય.

આ પણ વાંચો: અંબાજીમાં સફાઈકર્મીઓની સુરક્ષા માટે 10 બાઉન્સરો રાખવા પડ્યાં

આ પણ વાંચો: ભાવનગરમાં ગટરની અંદર સફાઈ માટે ઉતરેલા બે લોકો ગૂંગળાયા, એક સફાઈકર્મીનું મોત, એકની હાલત ગંભીર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.