ગૌરી ગરવાની હત્યામાં આખું કચ્છ હિબકે ચઢ્યું, ખુદ સાંસદ ન્યાય માટે રસ્તે ઉતર્યા
કચ્છના માંડવીમાં દલિત યુવતી ગૌરી ગરવાની તેના એકતરફી પ્રેમીએ કરેલી ઘાતકી હત્યાને લઈને સર્વ સમાજે મૌન રેલી કાઢી ન્યાયની માગણી કરી છે.

કચ્છના માંડવા તાલુકાના ગોધરા ગામમાં ગત તા. 30 ડિસેમ્બરના રોજ 28 વર્ષની દલિત યુવતી ગૌરી ગરવાની એકતરફી પ્રેમી સાગર સંઘાર નામના યુવકે તલવાર અને ગુપ્તીના અસંખ્યા ઘા મારીને જાહેરમાં હત્યા કરી નાખી હતી. આ મામલે હવે કચ્છના અનુસૂચિત જાતિ સમાજ સાથે સર્વ સમાજે રસ્તા પર ઉતરી દલિત દીકરી માટે ઝડપી ન્યાયની માંગણી કરી છે. ખુદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ આ મૌન રેલીમાં રસ્તા પર ઉતર્યા હતા અને તેમની સાથે કચ્છના તમામ સમાજના લોકો, સાધુસંતો પણ જોડાયા હતા અને કલેક્ટર અને એસપી કચેરીએ જઈને દીકરીને ઝડપથી ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આવેદનપત્ર આપ્યું હતું.
ઘટના શું હતી?
ગત તા. 30 ડિસેમ્બર 2024ના રોજ માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઇને ઊભેલી આરોગ્ય વિભાગમાં પરિચારિકા તરીકે બજાવતી દલિત સમાજની દીકરી ગૌરીબેન તુલસીભાઇ ગરવા (ઉ.વ. 28) ઉપર તેના એકતરફી પ્રેમી એવા કોડાયના સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી. આ બનાવ એકતરફી પ્રેમના અનુસંધાને બન્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે. હત્યાના બનાવ અંગે યુવતીના ભાઈ દીપકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નાના એવા ગોધરા ગામમાં વહેલી પરોઢે બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા ઈન્ચાજ પીઆઈ ડી.એમ. ઝાલા સહિતના અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્કવોડ સહિતની સઘન તપાસ હાથ ધરવા સાથે ટેકનિકલ તથા માનવીય સંદર્ભોની મમદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડયો હતો. કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો અને કૃત્ય આચર્યા બાદ ઝેરી દવા પીનારા સાગરને સારવાર બાદ ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. તે અવારનવાર ગૌરીને હેરાન-પરેશાન કરતો હતો. ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઇઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા બે વર્ષથી તુંબડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાકટ બેઇઝ ઉપર કામ કરતી હતી. અગાઉ તે ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી. તુંબડી જવા માટે ગૌરી દરરોજ વહેલી સવારે 5-30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં જતી હતી.
30 ડિસેમ્બરને સોમવારે વહેલી પરોઢે તે તુંબડી જવા માટે પોતાના ઘરથી 100 મીટર દૂર ગોધરાથી દુર્ગાપુર જતા રસ્તે બસની રાહ જોઇને ઊભી હતી. એ દરમ્યાન ત્યાં સાગર આવી પહોંચ્યો હતો અને ગૌરી કંઈ સમજે તે પહેલા જ ગુપ્તી અને તલવારના ઘા ઝીંકી દઇ તેની હત્યા કરી હતી. ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો. તેમજ માથાંના ભાગે તલવાર મૂકી ગયો હતો. ગંભીર ઇજાઓનાં પગલે ગૌરી ગરવાએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા. પાંચ બહેનો પૈકી સૌથી નાની અને બે ભાઇઓની બહેન એવી ગૌરીની હત્યાથી સવાર સવારમાં ગામમાં ગમગીની પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સરપંચ ઉપરાંત પ્રવીણભાઈ, અરવિંદભાઈ, દીપકભાઈ, નરેનભાઈ સોની સહિતના હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા માંડવીના પીઆઈ ઝાલા ઉપરાંત માંડવી અને કોડાય પોલીસ મથકના કર્મચારીઓ, સ્થાનિક ગુનાશોધક શાખા, એસઓજી, પેરોલ ફર્લો શાખા, ડોગ સ્કવોડ સહિતના અધિકારી-કર્મચારી જોડાયા હતા અને ગણતરીના કલાકોમાં આરોપી સાગર સંઘારને ઝડપી પાડ્યો હતો. જો કે તેણે દવા પી લેવાનું નાટક કર્યું હતું. આથી પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સાજો થયાનું જણાતા હવે તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
આવેદનપત્રમાં શું માગણી કરવામાં આવી છે?
આ ઘટનાને લઈને ગઈકાલે શ્રી અખિલ કચ્છ ગર્ગવંશી ગરવા ગુરૂ બ્રાહ્મણ સમાજ પશ્ચિમ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ ઘટનાને રેરેસ્ટ ઓફ રેર ગણીને એસઆઈટી દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આ સિવાય મૃતક યુવતીના પરિવારના સભ્યને સરકારી નોકરી, મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ. 1 કરોડનું વળતર, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા અને અનુભવી સરકારી વકીલને નિયુક્ત કરી વહેલીતકે ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઈ છે.
આવેદનપત્રમાં વિવિધ 7 માગણીઓ કરવામાં આવી છે. જેમાં આરોપી યુવકને રહસ્યમય રીતે સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી સારવાર અને યુવતીના પરિવારને પોલીસ દ્વારા કેસનું સ્ટેટસ જણાવાયું ન હોવાને લઈને પણ શંકા વ્યક્ત કરાઈ છે. સાથે જ ટૂંકા ગાળામાં તપાસ અધિકારીઓ બદલાઈ જતા કેસ પર અસર પડવાને લઈને એસઆઈટી દ્વારા તપાસની માગ કરાઈ છે. આરોપી યુવક યુવતીની હત્યા કર્યા બાદ 9 વાગ્યે ઝેરી દવા પી લીધી હતી અને પછી સાંજે 4 વાગ્યે જાતે વાહન ચલાવીને કોડાયથી માંડવી સારવાર લેવા ગયો હતો. અહીં 24 કલાક સારવાર બાદ તેની અટક બાદ મેડિકલ પરીક્ષણ કરાયું નહોતું. જેમાં તબીબોની ભૂમિકા પર શંકા ઉભી કરાઈ છે અને આરોપીને મદદગારી સમાજ ગણાવાઈ તેમની સામે પગલાં લેવા વિનંતી કરાઈ છે.
આવેદનપત્રમાં એ પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે, તલવાર અને ગુપ્તી સહિતના હથિયારોથી જે રીતે યુવતીની હત્યા કરાઈ છે, તે જોતા તેમાં એકથી વધુ લોકોની સંડોવણી હોય તેવું લાગે છે. આ દિશામાં પણ તપાસ કરવા કહેવાયું છે. સાથે જ સમગ્ર કેસની તપાસ, સ્ટેટસ, દસ્તાવેજો અને તપાસના ભાગરૂપે થયેલી કામગીરીની માહિતી યુવતીના પરિવારજનો, સામાજિક આગેવાનોને આપવામાં આવે.
કચ્છના સામાજિક કાર્યકર અને અનુસૂચિત જાતિ સમાજના આગેવાન નરેશભાઈ મહેશ્વરીએ આ મામલે ખબરઅંતર.કોમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દલિત સમાજની દીકરીની જાહેરમાં થયેલી હત્યાના સમગ્ર કચ્છમાં પડઘા પડ્યાં છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. નિર્દોષ યુવતીની આ રીતે જાહેરમાં થયેલી હત્યાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થયા છે. ત્યારે દીકરીના પરિવારને ન્યાય મળે તે માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ખુદ મૌન રેલીમાં જોડાયા હતા. તેમની સાથે સર્વ સમાજના લોકો, સાધુ સંતો પણ મૌન રેલીમાં હાજર રહીને દલિત દીકરી માટે ન્યાયની માગણી કરી હતી.
આ પણ વાંચો: અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ