અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ

અર્ણેશકુમારના ચૂકાદાનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાની ચાલ સામે હવે રાજ્યના તમામ એસસી-એસટી સંગઠનોએ આર યા પારની લડાઈ શરૂ કરી છે.

અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ
image credit - khabarantar.com

અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે ગઈકાલે ૨૧/૦૭/૨૦૨૪ ના રોજ દલિત સમાજના વિવિધ મુદ્દે કામ કરતા કર્મશીલો અને સંગઠનોના પ્રતિનિધિઓની મીટીંગ થઈ હતી. જેમાં એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ ગુન્હામાં અરણેશ કુમાર વિ. સ્ટેટ ઓફ બિહાર (સુપ્રીમ કોર્ટ, ૨૦૧૩) ના ચુકાદાનું ખોટું અર્થઘટન કરીને આરોપીઓને નોટીસ આપીને પોલીસ સ્ટેશનમાંથી છોડી મુકવાની ઘટના બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

પોલીસ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવે છે એવી રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને અનેક રજુઆતોના માધ્યમથી જાણ હોવા છતાં આંખ આડા કાન કરીને બેસી રહી છે. એવા સંજોગોમાં તમામ ઉપસ્થિત કર્મશીલો દ્વારા રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવને રૂબરૂ મળીને આખી બાબતથી ફરીથી માહિતગાર કરવાનું નક્કી કરેલ છે. તેના માટે આગામી તા. 30 જુલાઈ 2024ના રોજ વિવિધ સંગઠનો એક સાથે મળી રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ અને ગૃહરાજ્ય મંત્રીને રૂબરૂ રજૂઆત કરવા જશે.

આ મામલે વિસ્તારથી માહિતી આપતા એડવોકેટ સુબોધ કુમુદે જણાવ્યું હતું કે, "એટ્રોસિટી એકટની ઘટનાઓમાં અરણેશકુમારના ચુકાદાના પોલીસ દ્વારા ખોટા અર્થઘટનના મુદ્દે આગામી ૩૦ તારીખના રોજ રાજ્યના પોલીસ વડા, ગૃહ સચિવ, ગૃહ મંત્રીને મળીને રૂબરૂ રજુઆત કરવામાં આવશે. જો ગૃહ વિભાગ અને ગુજરાત સરકાર પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો આગામી દિવસોમાં દલિતો-આદિવાસીઓ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. મીટીંગમાં દલિત-આદિવાસી સમાજના વિવિધ મુદ્દે કામ કરતા અલગ-અલગ સંગઠનોના પ્રતિનિધિઓ અને કર્મશીલો હાજર રહ્યા હતા. તેમણે સૌએ એકસૂરે આ મામલે કોર્ટ રાહે પણ પોલીસની આ હરકતને પડકારવામાં આવશે અને રસ્તા પરની લડાઈ પણ લડવામાં આવશે તેમ નક્કી કર્યું છે."

આ પણ વાંચો: એટ્રોસિટીમાં પોલીસ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જામીન પર ન છોડી શકે

એડવોકેટ સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્યના નાગરિકોના હિતોના રક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્યમાં કોઈપણ ગુન્હા નોંધાય એ કોઈ એક વ્યક્તિ સામે પછી, પણ પહેલા સરકાર અને સમાજ સામેના ગુન્હાઓ છે. અગાઉ શાપર વેરાવળમાં એક દલિતને ફેકટરીના ગેટ પાસે બાંધીને માર મારવાની ઘટનામાં મૃત્યુ થતાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મેળવીને છુટી ગયો હતો. જે હુકમને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારતાં સુપ્રીમ કોર્ટે સરકારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢીને રાજ્ય સરકારને ટકોર કરેલી કે આ પ્રકારના કેસોમાં સરકારે પોતે આગળ આવીને આવા હુકમો સામે અપીલ કરવી જોઈએ અને જામીનના હુકમને પડકારવા જોઈએ. પરંતુ રાજ્ય સરકાર અને એનો કાયદા વિભાગ દલિત-આદિવાસીઓના હક્કોના રક્ષણની વાત આવે ત્યારે ધૃતરાષ્ટ્ર મૌન ધારણ કરી લે છે."

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અરણેશ કુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે જેની જાણ રાજ્ય સરકારને હોવા છતાં કોઈ જ પગલાં ભરવામાં નથી આવી રહ્યા. એટ્રોસીટી એકટ હેઠળ નોંધાયેલ બળાત્કાર અને ખૂન જેવા જઘન્ય ગુન્હાઓના એકપણ કેસમાં આજદિન સુધી ગુજરાત સરકાર ફરીયાદી તરફ અપીલમાં ગઈ હોય એવું યાદ નથી આવી રહ્યું. 

કાયદાનો પૂર્ણપણે અમલ કરાવવાની જવાબદારી સરકારની છે. એકપણ અત્યાચારની ઘટનામાં જે વિભાગની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે એવા ગૃહમંત્રી આજદિન સુધી ગયા નથી અને પીડિતોને મળ્યા નથી જે સરકારની વંચિત વર્ગ માટેની નિસ્બત દર્શાવે છે. 

દલિત-આદિવાસીઓના હિતોને સરકારે હંમેશા દરકીનાર કર્યા છે. ઉનાના પીડિતોને આપેલા વચનો આજદિન સુધી પુરા નથી કર્યા કે ભાનુભાઈ વણકર આત્મવિલોપન પ્રસંગે લેખિતમાં મુખ્ય સચિવની સુચનાથી આપેલી બાંહેધારીનો પણ અમલ નથી કર્યો. પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવામાં આવ્યા પણ વારંવારની રજુઆતો છતાં એકપણ દલિત આંદોલનના કેસ પરત ખેંચવામાં નથી આવ્યા. 

રાજ્યની મોનીટરીંગ સમિતિની બેઠક જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વર્ષમાં ૨ (બે) વખત મળવી એ એટ્રોસિટી એકટ મુજબ અનિવાર્ય છે એની બેઠક લગભગ છેલ્લા ત્રણ વર્ષથી મળી નથી. જે દર્શાવે છે કે અરણેશ કુમારના ખોટા અર્થઘટનના કેસમાં સરકાર કેમ કોઈ પગલાં નથી ભરી રહી.

આ પણ વાંચો: હવે એટ્રોસિટીના કેસમાં આરોપીઓ પોલીસના ચા-પાણી કરીને ઘરે જતા રહેશે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ramesh Babariya
    Ramesh Babariya
    I like it, i give congratulations to you
    4 months ago
  • Dinesh Chauhan
    Dinesh Chauhan
    જ્યાં સુધી એટ્રોસિટી નાં કેસમાં SC ST જજ નહીં હોય ત્યાં સુધી આવાં દલિત સમાજને નુકસાનકર્તા ચુકાદાઓ આવવાનાં જ છે, કેમ કે સવર્ણ સમાજનાં ન્યાયાધીશો પૂર્વગ્રહ અને સંકુચિત માનસિકતા પ્રદર્શિત કરતાં જ રહેવાના છે.
    4 months ago
  • Dipak Parmar
    Dipak Parmar
    ખબર અંતર પર આપ જે સમાચારો કે માહિતી પ્રસિધ્ધ કરો છો એ માહિતી સરસ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ના હિત માટે ની હોય છે પણ આ સમાચાર ને જાહેર માં શેર કરી શકાય એમ નથી હોતી કારણકે એની વચ્ચે જે એડવરટાઇઝ આવતી હોય છે એ 18+ જોઈ શકે એવી હોય છે જો એ ના આવી શકે અને માત્ર સમાચાર કે માહિતી હોય એ સમાજ માટે જરૂરી છે તો જો એ બંધ થઈ શકતી હોય તો આપની ખબરઅંતર ની માહિતી માં સોના માં સુગંધ ભળી જાય .....વધારે પડતું લખાયું હોય તો માફી ચાહું છું
    4 months ago