આ છે એટ્રોસિટી એકટ સંબંધિત કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ
અર્ણેશકુમારના જજમેન્ટની આડમાં એટ્રોસિટીના આરોપીઓને જામીન આપી દેવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે અહીં એટ્રોસિટીના કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓ વાંચો.
તમામ માણસો સમાન જન્મ્યા છે, તેમને કુદરતે કેટલાક પ્રાકૃતિક હકો આપ્યા છે. તેમાં જીવન જીવવાની સ્વતંત્રતા અને સુખના અનુસરણનો સમાવેશ થાય છે. આ બધાં સત્યો સ્વયં સિદ્ધ છે. - અમેરિકન ડેક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડેન્સ, 1976.
થોમસ જેફરસને બે સદીઓ પહેલા લખેલ શબ્દો આજે પણ ઇતિહાસમાં રણકે છે. છતાં ભારતીય સમાજનો એક મોટો વર્ગ આજે પણ પોતાના દેશવાસીઓના એક વર્ગને હલકો ગણી તેનાથી અભડાઈને સુગ રાખી અનેક પ્રકારના અત્યાચાર કરે છે. આધુનિક જગતમાં આ પ્રકારનું માનસિક વલણ અસ્વીકાર્ય છે. દેશની પ્રગતિને અવરોધક પરિબળો પૈકીનું એક છે.
સુપ્રીમ કોર્ટ સમક્ષના ઉપરોક્ત કેસની હકીકત એવી હતી કે તા. 1/7/1099 ના રોજ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે એક મંદિર ઉત્સવમાં જલ્લીકટ્ટુમાં બળદો બાંધવાની બાબતે બોલાચાલી થયેલી. આરોપી અરુમુગમ શેરવાઈએ ફરિયાદી કે જે પલ્લાપલય અનુસૂચિત જાતિનો હતો તેને "પલ્લાપયલ" કહી તે ગાયનું માંસ ખાય છે તેમ કહી તેનું જાહેરમાં અપમાન કરી, તેણે તથા તેના સાથીદારોએ લાકડીઓથી હુમલો કરી ડાબા ખભે ઈજાઓ પહોંચાડી માથાના ભાગનું હાડકું ભાંગી નાખ્યું હતું. આ બનાવમાં બીજા બે લોકોને પણ ઈજાઓ થઈ હતી, તેથી તેઓ પણ બનાવના નજરે જોનાર સાક્ષીઓ હતા.
આ બનાવ પછી FIR થઈ, પોલીસ તપાસ થઈ, ચાર્જશીટ થઈ. એટ્રોસિટી એક્ટ નીચેની કોર્ટે કેસ સાબિત માની આરોપીઓને સજા કરી. હાઇકોર્ટમાં અપીલ થઈ. હાઇકોર્ટે આરોપીઓની અપીલ રદ કરી નીચેની એટ્રોસિટી એક્ટ હેઠળની કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો. આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આરોપીઓની અપીલ કાઢી નાખી નીચેની બન્ને કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટની સંપૂર્ણ સમજઃ સામાજિક ન્યાયના યોદ્ધાઓ આટલું મોઢે કરી લો
આરોપીઓ શેરવાઈ જ્ઞાતિ એટલે કે ઓ.બી.સી સમાજના હતા. જયારે ફરિયાદી-પીડિતો પલ્લન જ્ઞાતિ કે જે તામિલનાડુમાં અનુસૂચિત જ્ઞાતિ તરીકે ઓળખાય છે તે જ્ઞાતિના હતા. 'પલ્લન' શબ્દ એક જ્ઞાતિ દર્શાવે છે પણ તે એક એવો શબ્દ છે કે, જે કોઈનું અપમાન કરવા માટે હલકી રીતે વપરાય છે. જેમ ઉત્તર ભારતમાં 'ચમાર' શબ્દ એક જ્ઞાતિ દર્શાવે છે પણ સાથે સાથે કોઈનું અપમાન કરવા માટે હલકી રીતે વપરાય છે. અનુસૂચિત જાતિના કોઈ સભ્યનું અપમાન કરવાના ઇરાદે જો કોઈ વ્યક્તિને 'પલ્લન' કહેવામાં આવે તો તેને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અટકાવવાનો કાયદો 1989 (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો બને છે. તામિલનાડુમાં કોઈ વ્યક્તિને 'પલ્લાપયલ' કહેવો તે વધારે અપમાનજનક છે અને તે ગંભીર ગુનો છે. તે જ રીતે તામિલનાડુમાં 'પરાયણ' તરીકે ઓળખાતી જ્ઞાતિ છે અને 'પરાયણ' શબ્દનો ઉપયોગ હલકી રીતે પણ થાય છે. 'પરાપરાયણ' શબ્દ પણ વધુ અપમાનજનક શબ્દ છે.
'પલ્લન', 'પલ્લાપયલ', 'પરાયણ' અથવા 'પરાપરાયણ' શબ્દોનો ઉપયોગ અપમાન કરવાના ઇરાદે કરવામાં આવે તો તે ઘણો વાંધાજનક છે. તેથી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો છે. જેવી રીતે અમેરિકામાં આફ્રિકન અમેરિકન માટે આજે 'નિગર' અથવા 'નિગ્રો' અસ્વીકાર્ય છે. જયારે આ કેસમાં સ્પષ્ટ છે કે 'પલ્લાપયલ' શબ્દ આરોપીઓએ અપમાન કરવાના ઇરાદે વાપર્યો હતો તેથી ગુનો છે.
કૈલાશ વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર (2011) 1 સુપ્રીમ કોર્ટ કેસીસ (ક્રિમિનલ) 401 માં ઠરાવ્યા મુજબ આધુનિક યુગમાં કોઈની લાગણીઓને હાનિ પહોંચાડવી જોઈએ નહીં. ખાસ કરીને ભારત જેવા દેશમાં કે જ્યાં આટલી બધી વિવિધતા છે ત્યાં કોઈની લાગણીઓ ન દુભાય તેની કાળજી લેવી જોઈએ.
સવર્ણસિંઘ વિરુદ્ધ સ્ટેટ(2008)3 સુપ્રીમ કોર્ટ કેસીસ (ક્રિમિનલ) 527ના કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કરેલ છે કે, અત્યાચાર વિરુદ્ધ કાયદાની કલમ 3(1)(10) નું અર્થઘટન કરતી વખતે તે કાયદો કેમ ઘડવામાં આવ્યો તેનો હેતુ ધ્યાનમાં લેવો જોઈએ. એ સ્પષ્ટ છે કે તેના હેતુ અને કારણોમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ/જનજાતિના સભ્યોની અવહેલના, અપમાન અને હેરાનગતિ રોકવા માટે તે કાયદો ઘડવામાં આવેલ છે. તેથી આ કાયદાની કલમ 3(1)(10)નું અર્થઘટન કરતી વખતે આક્ષેપિત શબ્દ કે જેણે તેના વપરાશથી જે સામાન્ય અર્થ મેળવ્યો હોય તે ધ્યાનમાં લેવો જોઈએ. જો આપણે તેનો જ્ઞાતિ વાચક અર્થ લેવા જઈએ તો કાયદાનો અર્થ માર્યો જાય.
આ પણ વાંચો: એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?
ઉપરોક્ત કેસમાં સુપ્રીમ કોર્ટે એવું પણ અવલોકન કર્યું કે આ લોકશાહી અને સમાનતાનો યુગ છે. કોઈ લોક અથવા કોમનું આજે અપમાન થઇ શકે નહીં કે તે પ્રત્યે નીચી દષ્ટિએ જોઈ શકાય નહીં અને કોઈની લાગણીઓને હાનિ પહોંચાડી શકાય નહીં. આપણા બંધારણનો આ આત્મા પણ છે અને બંધારણના પાયાના લક્ષણોનો ભાગ પણ છે. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિએ અથવા અન્ય પછાત જાતીએ અનુસૂચિત જાતિના સભ્યને સંબોધન કરતી વખતે 'ચમાર' શબ્દ વાપરવો જોઈએ નહીં; ભલે તે વ્યક્તિ હકીકતમાં ચમાર જ્ઞાતિની હોય. કારણ કે આવા શબ્દપ્રયોગથી તેની લાગણીઓને ઠેસ પહોંચશે. (પ્રસ્તુત સવર્ણસિંઘના કેસમાં 'ચમાર' શબ્દના ઉપયોગ અંગેની હકીકતો હતી).
આપણા જેવા વિવિધતા ભર્યા દેશમાં ઘણા ધર્મો, જ્ઞાતિઓ, ભાષાકીય જૂથો છે. દરેક કોમ અને જૂથો એ પ્રત્યેક કોમ અને જૂથો પ્રત્યે માનપૂર્વક વર્તવું જોઈએ. કોઈને હલકો ગણવો જોઈએ નહીં. આ એક જ રસ્તે આપણે આપણા દેશને એક રાખી શકીએ. જાહેર સ્થળે અનુસૂચિત જાતિના કોઈ સભ્યને ચમાર કહેવું એ કલમ 3(1)(10) મુજબ ગુનો બને છે. આવા ઉપયોગમાં અપમાન કરવાનો ઈરાદો હતો કે કેમ તે જે સંદર્ભમાં વાપરવામાં આવ્યો તેના પર આધાર રાખે છે.
તામિલનાડુના ઘણા ભાગોમાં પ્રવર્તતી બે ટમ્બલરની પ્રથા ઘણી વાંધાજનક છે. ઘણી ચાની દુકાનો અને રેસ્ટોરન્ટમાં અનુસૂચિત જાતિની વ્યક્તિઓને અને બિનઅનુસૂચિત જાતિની વ્યક્તિઓને ચા આપવાના ટમ્બલર્સ અલગ-અલગ હોય છે. આ ઘણું વાંધાજનક કહેવાય અને અત્યાચાર વિરોધી કાયદા હેઠળ તે ગુનો ગણાય અને આવી પ્રથા જે લોકો અનુસરતા હોય તેમની વિરુદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ અને દોષિત સાબિત થયે તેમને સખત શિક્ષા કરવી જોઈએ. આવી પ્રથા પોતાના વિસ્તારમાં અથવા પોતાની હકુમત હેઠળ હોવાનું જાણવા છતાં જો કોઈ વહીવટી અધિકારી અને પોલીસ અધિકારી તે વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ ના કરે તો તેમને જવાબદાર ગણી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.
આથી અમે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને સૂચના આપીએ છીએ કે આવા અત્યાચારી કૃત્યો અટકાવવા માટે તેમને સખત પગલાં લેવાં. જો કોઈ આવો કોઈપણ બનાવ બને તો જવાબદારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા ઉપરાંત રાજ્ય સરકારે તાત્કાલિક સંબંધિત જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ/કલેકટર અને એસ.એસ.પી./એસ.પી. ને તેમજ અન્ય સંબધિત અધિકારીઓને જો તેઓ આવો બનાવ ના બન્યો હોય પણ તેમને અગાઉથી તેની જાણ હોય અને તેઓ અટકાવે નહીં અથવા જો બન્યો હોય તો ત્વરિત ગુનેગારોને અને અન્ય સંકળાયેલાઓને પકડીને ફોજદારી કાર્યવાહી શરૂ ના કરે તો ફરજ મોકુફી ઉપર ઉતારી મુકવા અને તેમને ચાર્જશીટ આપી તેમની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવી કારણ કે અમારા મતે તે લોકો સીધી કે આડકતરી રીતે આ બાબતમાં જવાબદાર છે.
આ ચુકાદાની નકલ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત વિસ્તારના મુખ્ય સચિવો, ગૃહ સચિવો અને પોલીસ મહાનિર્દેશકોને મોકલવી અને એવી સૂચના આપવી કે તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટો, એસ.એસ.પી અને એસ.પી.ઓને મોકલશે. એક નકલ તમામ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલ/રજીસ્ટ્રારને મોકલવી કે જેઓ તમામ ન્યાયધીશોને તેઓ ફેરવશે/circulate કરશે.
- કે.બી.રાઠોડ (લેખક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ અને બહુજન સમાજને કાયદાકીય બાબતોમાં પડતી મુશ્કેલીઓને લઈને ચિંતિત વડીલ છે.)
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો છે: ગુજરાત હાઇકોર્ટ